Kheda News: 34 લાખની ઉચાપત મામલે કપડવંજ ચીફ ઓફિસરની તાત્કાલિક બદલી

કપડવંજ ચીફ ઓફિસરની ખેડા ખાતે તાત્કાલિક બદલી કરવામાં આવી છે. ચીફ ઓફિસરનું નામ બીજલ પટેલ છે. જેમને કપડવંજ નગરપાલિકામાં ફરજ પર હજી 1 વર્ષ પણ પૂર્ણ થયું નથી. આવી સ્થિતિમાં પણ તેમની બદલી કરવામાં આવી છે.
આ છે સમગ્ર મામલો
કપડવંજ પાલિકામાં 34 લાખ રૂપિયાની ઉચાપતનો મામલો સામે આવ્યો હતો, જેમાં સાત મહિના બાદ પણ કોઈ કાયદેસર કાર્યવાહી કરવામાં આવી નહોતી. કથિત બે કર્મચારી દ્વારા માતબર રકમને પોતાના ફાયદા સારું વાપરી હોવાનું સામે આવ્યું હતુ. માર્ચ મહિનામાં ચીફ ઓફિસરની તપાસમાં રકમ બેન્કમાં ભરાઈ ન હોવાનું ધ્યાને આવ્યું હતું. અચાનક ધ્યાને આવેલી ઉચાપતને પગલે કર્મચારીઓને નોટિસ આપવામાં આવી હતી.
આમ ઉચાપત સ્પષ્ટ થઈ હોવા છતાં પોલીસ ફરિયાદ કરવામાં આવી ન હતી. આ સમગ્ર પ્રકરણને આરસી એમને મોકલવામાં આવ્યો હતો, તેવું ચીફ ઓફિસરે જણાવ્યું હતુ. જોકે, ઉચાપતના નાણાં ભરાવી દીધા હોવાની કબૂલાત પણ ચીફ ઓફિસરે કરી હતી.
કૌભાંડ બહાર ન આવે તે હેતુથી બદલીનો આદેશ
આ સમગ્ર કૌભાંડમાં નગરપાલિકાના કર્મચારીઓનો 34 લાખ રૂપિયાની ઉચાપત કરવાની ઘટનાનું ધ્યાન બીજલ પટેલે દોર્યું હતુ. તે બાબતે રાજકીય કાવાદાવાથી બીજા કૌભાંડ બહાર ન આવે તે હેતુથી તેમની બદલીનો આદેશ અપાયો હોવાની ચર્ચા કપડવંજ શહેરમાં ચાલી રહી છે.

