VIDEO: અમદાવાદ રિંગરોડ પર કાળમુખા ડમ્પરનો કહેર: એક્ટિવા સવાર બાળકના મોતથી અરેરાટી
અમદાવાદના રિંગરોડ પર ફરી એકવાર બેફામ ડમ્પર ચાલકે એક પરિવારની ખુશીઓ છીનવી લીધી છ

અમદાવાદના રિંગરોડ પર ફરી એકવાર બેફામ ડમ્પર ચાલકે એક પરિવારની ખુશીઓ છીનવી લીધી છે. હાથીજણથી વસ્ત્રાલ તરફ જતા રિંગ રોડ પર એપોલો ટાયર્સ નજીક એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. પૂરપાટ ઝડપે આવતા ડમ્પરે એક એક્ટિવાને અડફેટે લેતા બાળકનું ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યું છે, જ્યારે બાળક સાથે સવાર તેની માતાને ગંભીર હાલતમાં સારવાર માટે ખસેડવામાં આવી છે.અકસ્માત બાદ ડમ્પર ચાલક વાહન મૂકીને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. સ્થાનિક લોકોએ તેનો પીછો કર્યો હતો, પરંતુ તે નજીકની ઝાડીઓમાં ભાગી છૂટવામાં સફળ રહ્યો હતો. આ ઘટનાને પગલે રિંગ રોડ પર ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ ગઈ હતી. પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું છે. હાલ પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે અને ફરાર ડમ્પર ચાલકને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.




