અઠવાડિયામાં પાંચ સિંહોનાં થયા કમોત, આ ઘટનાઓમાં ચિંતાજનક વધારો

અઠવાડિયામાં પાંચ સિંહોનાં થયા કમોત, આ ઘટનાઓમાં ચિંતાજનક વધારો
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

રાજ્યમાં વન્યપ્રાણીઓના અકાળે થતા મૃત્યુ અને માનવ-વન્યપ્રાણી સંઘર્ષની ઘટનાઓમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. વન્યપ્રાણી પ્રેમીઓ, સ્થાનિક ગ્રામજનો અને પર્યાવરણવિદોના મતે, વન વિભાગના સર્વોચ્ચ સ્તરે વહીવટી નિર્ણયોના અભાવ અને એક જ અધિકારી પાસે ત્રણ-ત્રણ મહત્વના હોદ્દાઓનો હવાલો હોવાને કારણે પરિસ્થિતિ વધુ વણસી રહી છે.


છેલ્લા એક જ અઠવાડિયાના ટૂંકા ગાળામાં પાંચ જેટલા સિંહોના કમોત થયા છે, જેમાં ટ્રેન અકસ્માતમાં ત્રણ સિંહો, ખુલ્લા કૂવામાં પડી જવાથી એક સિંહ અને વીજ કરંટ લાગવાથી એક સિંહના મૃત્યુનો સમાવેશ થાય છે. બીજી તરફ, વન્યપ્રાણીઓના રહેણાંક વિસ્તારોમાં ખલેલ અને સંચાલનના અભાવે માનવ પર હુમલા વધ્યા છે. તાજેતરમાં મેંદરડા પંથકમાં દીપડાએ એક માસૂમ બાળકનો શિકાર કર્યો હતો, જ્યારે વિસાવદરના રબારીકા ગામે એક ખેડૂત પર સિંહણે હુમલો કરી મોતને ઘાટ ઉતાર્યા હતા. છેલ્લા એકાદ વર્ષમાં સિંહ અને દીપડાના હુમલામાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા હોવાથી ગ્રામ્ય વિસ્તારોમાં ભારે ભય અને રોષની લાગણી ફેલાયેલી છે.

જાહેરાત

સ્થાનિકો અને વન્યપ્રાણી પ્રેમીઓ દ્વારા એવો ગંભીર આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે, વન્યપ્રાણીઓના સંરક્ષણ, ખુલ્લા કૂવાઓ ફરતે ફેન્સિંગ, રેલવે ટ્રેક પર સુરક્ષા અને માનવ-વન્યપ્રાણી સંઘર્ષ ઘટાડવા જેવા પાયાના પ્રશ્નો ઉકેલવાને બદલે માત્ર પ્રવાસન (ટુરિઝમ)ને પ્રોત્સાહન મળે તેવા નિર્ણયો ઝડપથી લેવામાં આવી રહ્યા છે.

હેડ ઓફ ફોરેસ્ટ સહિત ૩ મહત્વના હોદ્દા પર એક જ અધિકારી હોવાથી અનેક મહત્વના નિર્ણયોમાં વિલંબ

રાજ્યના વન વિભાગના ઇતિહાસમાં પ્રથમ વખત એવું બન્યું છે કે હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સ, ચીફ વાઈલ્ડ લાઈફ વોર્ડન અને પ્રિસીસીએફ લેન્ડ જેવા ત્રણ અત્યંત મહત્વપૂર્ણ અને જવાબદારીભર્યા હોદ્દાઓ એક જ અધિકારીને સોંપવામાં આવ્યા છે. વન વિભાગના આંતરિક વર્તુળોમાં ચાલતી ચર્ચા મુજબ, ચીફ વાઈલ્ડ લાઈફ વોર્ડનને હેડ ઓફ ફોરેસ્ટ બનાવ્યા બાદ, અનેક સિનિયર આઈએફએસ ઉપલબ્ધ હોવા છતાં સરકાર દ્વારા કાયમી ચીફ વાઈલ્ડ લાઈફ વોર્ડનની નિમણૂક કરવામાં આવી નથી. 

વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને પર્યાવરણ પ્રેમીઓમાં એવી પણ ચર્ચાઓ જોર પકડી રહી છે કે, સરકારના દરેક નિર્ણયમાં પછી ભલે તે પર્યાવરણ કે વન્યપ્રાણીઓના નિયમો વિરૂધ્ધ હોય, છતાં કોઈ પણ જાતના વિરોધ વગર સંમતિ આપી દેવાની કાર્યશૈલીને કારણે વિભાગમાં અમુક જવાબદાર અધિકારીને હાજી-હા કરનાર તરીકે ઓળખવામાં આવી રહ્યા છે. નિયમોના ભંગ અને સંરક્ષણ પ્રત્યેની આ ઉદાસીનતાને કારણે સિંહોના અસ્તિત્વ અને ગ્રામજનોની સુરક્ષા સામે મોટું જોખમ ઊભું થયું છે.

સિંહપ્રેમીઓની માંગણીઓ

(૧) રાજ્ય સરકાર તાત્કાલિક અસરથી એક અનુભવી અને સ્વતંત્ર સિનિયર અધિકારીને કાયમી ચીફ વાઈલ્ડ લાઈફ વોર્ડન તરીકે નિયુક્ત કરે તે આવશ્યક છે, જેથી તેઓ સંપૂર્ણ ધ્યાન વન્યપ્રાણી સંરક્ષણ પર આપી શકે. (૨) રેલવે ટ્રેક, વીજ કરંટ અને ખુલ્લા કૂવાઓને કારણે થતા સિંહોના અકુદરતી મોત રોકવા માટે નક્કર એક્શન પ્લાન અમલમાં મૂકવામાં આવે. (૩) માનવ-વન્યપ્રાણી સંઘર્ષ રોકવા માટે અસરગ્રસ્ત ગ્રામ્ય વિસ્તારોમાં પેટ્રોલિંગ વધારવામાં આવે અને મૃતકોના પરિવારજનોને યોગ્ય વળતર તથા સુરક્ષાની ખાતરી આપવામાં આવે.

આ સમાચાર શેર કરો

જાહેરાત