મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: ઉપલેટા, જુનાગઢ અને અમરેલીના ગ્રામ્ય વિસ્તારોમાં માવઠું પડતાં ખેડૂતોમાં ચિંતા, પાકમાં નુકસાન જવાની ભીતિ

સોર્સ: gstv

ગુજરાતમાં દિવાળીના તહેવાર પહેલાં જ કમોસમી વરસાદે ખેડૂતો અને વેપારીઓની મુશ્કેલી વધારી છે. રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેર અને તાલુકામાં બપોર બાદ અચાનક ધોધમાર વરસાદ ખાબકતાં ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો. ઉપલેટા ઉપરાંત અરણી, ખીરસરા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં અંદાજે અડધાથી એક ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. અચાનક વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ ગયાં હતાં.

લાડુડી ગીર ગામમાં કમોસમી વરસાદ

બીજી તરફ, ગીર પંથકના માળિયા હાટીના તાલુકાના લાડુડી ગીર ગામ અને મેંદરડામાં પણ કમોસમી વરસાદ પડ્યો હતો. ગામના સરપંચના જણાવ્યા અનુસાર, બપોરે ચાર વાગ્યે શરૂ થયેલા વરસાદમાં અંદાજે પોણાથી એક ઇંચ જેટલું પાણી પડ્યું હતું. જેના કારણે કેટલાક ખેડૂતોના ખેતરોમાં પાથરાં અને મગફળીનો પાક પલળી ગયો હતો. માળિયા હાટીના વિસ્તારમાં પણ બપોર બાદ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું.

અમરેલી જિલ્લામાં માવઠાથી પાકમાં નુકસાનની ભીતિ

અમરેલી જિલ્લામાં પણ હવામાન વિભાગની આગાહી વચ્ચે ખાંભા ગીરના ડેડાણ, ચકરાવા સહિત આસપાસનાં ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો હતો. વરસાદને પગલે કપાસ, મગફળી અને સોયાબીન સહિતના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.

દિવાળીના તહેવારને ગણતરીના દિવસો બાકી છે ત્યારે ઉપલેટામાં વરસાદને કારણે ખરીદી માટે નીકળેલા લોકો અને વેપારીઓ પણ મુશ્કેલીમાં મુકાયા હતા. બીજી તરફ, ખેતરોમાં તૈયાર પાક અને કાપણી બાદ ખેતરમાં પડેલા પાકને નુકસાન થવાની શક્યતાને લઈને ખેડૂતો ચિંતિત બન્યા છે. રાજ્યના અલગ-અલગ વિસ્તારોમાં પડેલા આ કમોસમી વરસાદે ખેડૂતોની મુશ્કેલીમાં વધારો કર્યો છે.

આ સમાચાર શેર કરો