Surendranagar: કટુડામાં પાવરગ્રીડ કંપનીનીની દાદાગીરી; ખેડૂતોને જાણ કર્યા વગર જ ઊભા પાક પર ફેરવી દીધું જેસીબી
સુરેન્દ્રનગર જિલ્લાના કટુડા ગામમાં પાવરગ્રીડ કંપની દ્વારા કરવામાં આવેલી જોહુકમી સામે ખેડૂતોમાં ભારે


સુરેન્દ્રનગર જિલ્લાના કટુડા ગામમાં પાવરગ્રીડ કંપની દ્વારા કરવામાં આવેલી જોહુકમી સામે ખેડૂતોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. કોઈ પણ પ્રકારની પૂર્વ સૂચના કે પરવાનગી વગર ખેતરોમાં પ્રવેશ કરી, ઊભા પાક પર જેસીબી મશીન ફેરવી દીધુ હતું.
જાણ કર્યા વગર જ કામગીરી શરૂ
સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, પાવરગ્રીડ કંપની દ્વારા કટુડા ગામની સીમમાં ખેડૂતોની જાણ બહાર અચાનક ખોદકામ શરૂ કરી દેવામાં આવ્યું હતું. નિયમ મુજબ કોઈપણ કામગીરી કરતા પહેલા ખેડૂતને નોટિસ આપવી અનિવાર્ય હોય છે, પરંતુ અહીં કંપનીએ તમામ નીતિ-નિયમોને નેવે મૂકીને સીધું જ જેસીબી ઉતારી દીધું હતું.
તૈયાર પાક પર જેસીબી ફેરવ્યું
ખેતરમાં અત્યારે જીરું, વરિયાળી અને ઘઉં જેવા રવિ પાકો તૈયાર થવાની અણી પર છે. ખેડૂતોએ રાત-દિવસ એક કરીને પકવેલા આ પાક પર કંપનીએ જેસીબી ફેરવી દેતા ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન થયું છે. ખેતરોમાં મોટા-મોટા ખાડાઓ ખોદી નાખવામાં આવતા ખેતીલાયક જમીનને પણ નુકસાન પહોંચ્યું છે. રોષે ભરાયેલા ખેડૂતોએ પાક અને જમીનને થયેલા નુકસાનનું તાત્કાલિક સર્વે કરી યોગ્ય વળતર આપવાની અને કોરીડોરમાં રહી કામગીરી કરવા માટેની માંગ કરી છે.




