ગામની વસ્તી 700 અને લગ્ન 600થી વધુ? નાગપુર ગામમાં લગ્ન નોંધણીના નામે ચાલતા કૌભાંડનો પર્દાફાશ!

ગામની વસ્તી 700 અને લગ્ન 600થી વધુ? નાગપુર ગામમાં લગ્ન નોંધણીના નામે ચાલતા કૌભાંડનો પર્દાફાશ!
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના માત્ર 700 જેટલી વસ્તી અને 170 જેટલાં ઘરો ધરાવતા નાગપુર ગામમાં માત્ર ત્રણ મહિનાના ટૂંકા ગાળામાં 431 લગ્નની નોંધણી થયાના પ્રકરણમાં હવે એક પછી એક નવા અને ચોંકાવનારા ખુલાસા સામે આવી રહ્યા છે. RTI હેઠળ મળેલી વિગતોના આધારે શરૂ થયેલો આ મામલો હવે માત્ર લગ્ન નોંધણીની અસામાન્ય સંખ્યા પૂરતો મર્યાદિત રહ્યો નથી, પરંતુ ગ્રામ પંચાયતનો વહીવટ, લગ્ન નોંધણીની પ્રક્રિયા, સાક્ષીઓ, લગ્નસ્થળની વિગતો અને કથિત નાણાકીય વ્યવહારો સુધી પહોંચ્યો છે.

431 નહીં, 600થી વધુ લગ્ન નોંધાયાની ચર્ચા!

સૌથી મહત્ત્વની નવી બાબત એ છે કે અગાઉ આરટીઆઈમાં બહાર આવેલી 431 લગ્ન નોંધણી ઉપરાંત પણ અન્ય નોંધણીઓ થઈ હોવાની ચર્ચા છે. સ્થાનિક સ્તરે થયેલી પ્રાથમિક પૂછપરછ દરમિયાન આ આંકડો 600થી પણ વધુ હોવાનું કહેવાઈ રહ્યું છે. જોકે, આ આંકડાની સત્તાવાર ખરાઈ થવી હજુ બાકી છે. જો આ વિગતો સાચી સાબિત થાય તો માત્ર 700ની વસ્તી ધરાવતા નાનકડા ગામમાં લગ્ન નોંધણીના નામે ચાલેલી સમગ્ર પ્રક્રિયા અત્યંત ગંભીર તપાસનો વિષય બની શકે છે.

જાહેરાત

લગ્નદીઠ રૂ. 10 હજારથી માંડીને રૂ. 20થી 25 હજાર સુધીની રકમ વસૂલાઈ હોવાની ચર્ચા

ગ્રામ પંચાયતના સભ્યો અને સ્થાનિક લોકો સાથેની પ્રાથમિક વાતચીતમાં એવી વિગતો પણ સામે આવી રહી છે કે લગ્ન નોંધણી કરાવવા માટે યુવક-યુવતીઓ અથવા તેમના વતી આવનારાઓ પાસેથી રૂ. 10 હજારથી માંડીને રૂ. 20થી 25 હજાર સુધીની રકમ લેવામાં આવતી હોવાની ચર્ચા છે. આ રકમ કોણ વસૂલતું હતું, કોના સુધી પહોંચતી હતી અને તેની પાછળ કોઈ વ્યવસ્થિત નેટવર્ક કાર્યરત હતું કે કેમ, તે તપાસનો મહત્ત્વનો મુદ્દો બન્યો છે. જોકે, આ નાણાકીય વ્યવહારો અંગે હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી.

મોટાભાગનાં યુગલો નાગપુર આવ્યાં જ નથી, લગ્ન અન્ય સ્થળોએ થયાં હોવાની વિગતો!

આ સમગ્ર પ્રકરણમાં સૌથી ગંભીર સવાલ એ ઊભો થયો છે કે નાગપુર ગ્રામ પંચાયતમાં જે યુવક-યુવતીઓનાં લગ્ન નોંધાયેલા છે, તે પૈકી મોટાભાગનાં યુગલો ક્યારેય નાગપુર ગામમાં આવ્યાં જ ન હોવાની વિગતો ચર્ચામાં આવી રહી છે. લગ્નની વિધિ અને સમગ્ર વ્યવસ્થા રાજકોટ શહેર, રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારો અથવા અન્ય સ્થળોએ થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. આ સંજોગોમાં લગ્ન નાગપુર ગામમાં થયાં હોવાનું દર્શાવીને નોંધણી કેવી રીતે કરવામાં આવી? લગ્ન કરનાર યુવક-યુવતી ખરેખર પંચાયત સમક્ષ હાજર થયાં હતાં કે કેમ? તેમની ઓળખ અને સરનામાંની ખરાઈ કોણે કરી હતી? લગ્ન નોંધણી માટે રજૂ કરવામાં આવેલા પુરાવાઓની યોગ્ય તપાસ કરવામાં આવી હતી કે કેમ? આવા અનેક સવાલો ઊભા થયા છે.

600થી વધુ નોંધણીઓમાં સાક્ષીઓ પણ એક કે બે જ વ્યક્તિઓ?

લગ્ન નોંધણીનાં દસ્તાવેજોની તપાસ દરમિયાન વધુ એક આશ્ચર્યજનક બાબત સામે આવી રહી છે. ચર્ચાતી વિગતો મુજબ, મોટી સંખ્યામાં લગ્ન નોંધણીમાં સાક્ષી તરીકે એક જ અથવા બે વ્યક્તિઓનાં નામ વારંવાર દર્શાવવામાં આવ્યાં હોવાનું જાણવા મળે છે. જો 600થી વધુ લગ્ન નોંધણીમાં મર્યાદિત વ્યક્તિઓ જ સાક્ષી તરીકે દર્શાવવામાં આવી હોય તો તેમની ભૂમિકા અને ઓળખની ખરાઈ કરવી અત્યંત જરૂરી બની છે. આ ઉપરાંત, લગ્ન નોંધણી સાથે દર્શાવવામાં આવેલા સ્થળના પુરાવા અંગે પણ સવાલો ઊઠ્યા છે. કેટલીક નોંધણીમાં મહાદેવ મંદિરનો ઉલ્લેખ અને તેના ફોટોગ્રાફ દર્શાવવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે. પરંતુ આ મંદિર નાગપુર ગામમાં નહીં, કાલાવડ તાલુકાના ખંઢેરા ગામમાં આવેલું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જો ખંઢેરા ગામના મંદિરને નાગપુર ગામનું દર્શાવીને લગ્ન નોંધણી કરવામાં આવી હોય તો તે બાબતની સ્થળ તપાસ અને સંબંધિત દસ્તાવેજોની ખરાઈ કરવી જરૂરી બની છે.

સરપંચના પિતા રામજી સિંગલનું નામ પણ ચર્ચામાં!

આ સમગ્ર પ્રકરણમાં અત્યાર સુધી સરપંચ નરેન્દ્ર રામજી સિંગલ અને તલાટી કમ મંત્રી જગદીશ ચાવડાની ભૂમિકા અંગે સવાલો ઊઠતા હતા. હવે ગામના લોકો સાથેની વાતચીત અને પ્રાથમિક પૂછપરછ દરમિયાન સરપંચના પિતા રામજી ગાંગજીભાઈ સિંગલ, જેઓ 'ભૂરો' તરીકે ઓળખાય છે, તેમનું નામ પણ ચર્ચામાં આવ્યું છે. સ્થાનિક સ્તરે એવી ચર્ચા છે કે લગ્ન નોંધણીની સમગ્ર વ્યવસ્થામાં તેમની મહત્ત્વની ભૂમિકા હતી. સરપંચનો મોટાભાગનો સમય રાજકોટમાં પસાર થતો હોવાનું અને લગ્ન નોંધણી કરાવનારાઓ પણ મોટાભાગે રાજકોટ તથા આસપાસના વિસ્તારોના હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આથી નાગપુર ગ્રામ પંચાયતના વહીવટમાં સરપંચ, તલાટી કમ મંત્રી અને અન્ય કોઈ વ્યક્તિઓ વચ્ચે સંકલન હતું કે કેમ, તેની તપાસ જરૂરી બની છે.

બે મહિનાથી વધુ સમય વીતી જવા છતાં રિપોર્ટ જાહેર નહીં

અગાઉ બહાર આવેલી વિગતો મુજબ, તલાટી કમ મંત્રી પાસેથી લગ્ન નોંધણીનો ચાર્જ પરત લઈ લેવામાં આવ્યો હતો. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તપાસ સમિતિની રચના પણ કરવામાં આવી છે. જોકે, સમિતિની રચનાને બે મહિનાથી વધુ સમય વીતી જવા છતાં તપાસનો અંતિમ અહેવાલ જાહેર ન થતાં અનેક સવાલો ઊઠી રહ્યા છે.

પરિવારની જાણ બહાર થયેલાં લગ્ન અને ઘર છોડીને ગયેલાં યુવક-યુવતીઓનો મુદ્દો

આ પ્રકરણની શરૂઆત રાજકોટ જિલ્લાના પડધરી પંથકના ઉદયભાઈ વસંતભાઈ અગ્રાવતની પુત્રીનાં લગ્નની નોંધણી અંગે ઊભી થયેલી શંકાથી થઈ હતી. પુત્રીની ઉંમર 18 વર્ષ અને બે મહિના થતાં ચોથા જ દિવસે તેનાં લગ્ન થઈ ગયાની જાણ થતાં અને ત્યારબાદ પુત્રીએ પિતાનું ઘર છોડી દેતાં પિતાએ લગ્નની વિગતો મેળવવા તપાસ શરૂ કરી હતી. ત્યારબાદ નાગપુર ગામમાં લગ્ન નોંધણી થયાની વિગતો બહાર આવતાં આરટીઆઈ મારફતે માહિતી મેળવવામાં આવી હતી. હવે આ પ્રકરણમાં અન્ય પરિવારોનાં પણ લગ્ન નાગપુરમાં નોંધાયેલા હોવાની વિગતો સામે આવી રહી છે. કેટલાક કિસ્સાઓમાં યુવક-યુવતીઓ ઘર છોડીને ગયાં બાદ તેમના પરિવારજનો શોધખોળ કરતાં કરતાં નાગપુર ગામ સુધી પહોંચ્યા હતા. ત્યાંથી લગ્ન નોંધણીના આ સમગ્ર પ્રકરણ અંગે વધુ વિગતો બહાર આવવા લાગી હતી.

હવે આ સમગ્ર મામલે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા માત્ર લગ્ન નોંધણી રજિસ્ટરની તપાસ પૂરતી કાર્યવાહી ન કરતાં દરેક નોંધણીમાં દર્શાવાયેલા યુવક-યુવતી, સાક્ષીઓ, લગ્નસ્થળ, ફોટોગ્રાફ, દસ્તાવેજો અને નાણાકીય વ્યવહારોની અલગથી ખરાઈ કરવામાં આવે તેવી માગ ઊઠી રહી છે. જો 431ની જગ્યાએ 600થી વધુ લગ્ન નોંધણી થઈ હોવાની ચર્ચાની ખરાઈ થાય અને તેમાં દર્શાવાયેલા સ્થળો, સાક્ષીઓ તથા દસ્તાવેજોમાં ક્ષતિઓ બહાર આવે તો આ પ્રકરણમાં અનેક નવા ખુલાસા થવાની શક્યતા છે.

ઉપસરપંચની અવિશ્વાસની દરખાસ્ત પસાર ન થાય તે માટે કથિત દબાણ અને હુમલાનો આક્ષેપ!

નાગપુર ગામના લગ્ન નોંધણી પ્રકરણની સાથે હવે ગ્રામ પંચાયતના આંતરિક રાજકારણ અને સરપંચ સામે ઊભા થયેલા વિરોધનો મુદ્દો પણ ચર્ચામાં આવ્યો છે. ગામના ઉપસરપંચ કૌશિક કાનાણી દ્વારા સરપંચ નરેન્દ્ર રામજી સિંગલ સામે અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી. આ દરખાસ્ત અંગે તા. 29-09ના રોજ કાર્યવાહી થવાની હતી. આ દરમિયાન ઉપસરપંચ કૌશિક કાનાણી પર સરપંચના પિતા રામજી ગાંગજીભાઈ સિંગલ દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ થયો હતો. આ બનાવમાં ઇજા થતાં તેમને જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં સારવાર લેવી પડી હતી. ત્યારબાદ ખાનગી હોસ્પિટલમાં પણ સારવાર કરાવવી પડી હતી. ઇજાઓને પગલે આશરે ત્રણ મહિના સુધી લાંબી સારવાર લેવી પડી હોવાનું જાણવા મળે છે. આ બનાવ અંગે કૌશિકભાઈ કાનાણી દ્વારા પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી અને એફઆઈઆર પણ દાખલ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.

આ ઉપરાંત, ગ્રામ પંચાયતના કુલ પાંચ સભ્યો પૈકી અવિશ્વાસની દરખાસ્ત અંગેની કાર્યવાહી વખતે અન્ય સભ્યોને હાજર રહેવા ન દેવા અને તેમને ધાકધમકી આપવામાં આવી હોવાની પણ ચર્ચા છે. અવિશ્વાસની દરખાસ્ત પસાર ન થાય તે માટે સરપંચના પરિવારજનો દ્વારા પ્રયાસો કરવામાં આવ્યા હોવાના આક્ષેપો પણ સામે આવી રહ્યા છે. લગ્ન નોંધણીના પ્રકરણમાં સરપંચના પરિવારની ભૂમિકા અંગે સવાલો ઊઠ્યા છે ત્યારે આ જૂનો વિવાદ પણ ફરી ચર્ચામાં આવ્યો છે. હવે હુમલાના બનાવની પોલીસ ફરિયાદ, તબીબી દસ્તાવેજો અને અવિશ્વાસની દરખાસ્તને લગતા પંચાયતના રેકોર્ડની તપાસ કરવામાં આવે તો ગ્રામ પંચાયતની અંદર ચાલતી ખેંચતાણ અને સમગ્ર વહીવટી વ્યવસ્થાની વધુ વિગતો બહાર આવી શકે તેમ છે.

આરટીઆઈમાં દર્શાવેલી 431 નોંધણી ઉપરાંત ખરેખર 600થી વધુ લગ્ન નોંધાયાં છે કે કેમ?
લગ્ન નોંધણી કરાવવા માટે રૂ. 10 હજારથી રૂ. 25 હજાર સુધીની રકમ વસૂલાતી હોવાની ચર્ચામાં કેટલું તથ્ય છે?
લગ્ન નોંધણીમાં વારંવાર એક જ અથવા બે વ્યક્તિઓને સાક્ષી તરીકે દર્શાવવામાં આવ્યાં છે કે કેમ?
ખંઢેરા ગામના મહાદેવ મંદિરને નાગપુર ગામનું દર્શાવીને નોંધણી કરવામાં આવી છે કે કેમ?
મોટાભાગનાં યુગલો નાગપુર ગામમાં આવ્યાં જ ન હોવા છતાં તેમની લગ્ન નોંધણી કેવી રીતે થઈ?
સરપંચ નરેન્દ્ર સિંગલ, તલાટી કમ મંત્રી જગદીશ ચાવડા અને સરપંચના પિતા રામજી સિંગલની ભૂમિકા શું હતી?
લગ્નના ફોટોગ્રાફ અને અન્ય પુરાવાઓમાં A નો ઉપયોગ થયો હોવાની આશંકા અંગે ટેક્નિકલ તપાસ કરવામાં આવી છે કે કેમ?

બે મહિનાથી વધુ સમય વીતી જવા છતાં તપાસ સમિતિનો અહેવાલ કેમ રજૂ કરવામાં આવ્યો નથી?

આ સમગ્ર પ્રકરણમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નિષ્પક્ષ અને ઊંડાણપૂર્વકની તપાસ કરવામાં આવે તો લગ્ન નોંધણીના નામે ચાલેલી કથિત વ્યવસ્થાની અનેક કડીઓ જોડાઈ શકે તેમ છે. તપાસ સમિતિએ માત્ર કાગળ પરના રેકોર્ડની ચકાસણી કરવાને બદલે નોંધાયેલા યુગલો, સાક્ષીઓ, લગ્નસ્થળો અને સંબંધિત પરિવારો સુધી પહોંચીને તપાસ કરવી જરૂરી બની છે. સમગ્ર મામલે રજૂ થયેલા આક્ષેપોની સત્યતા તપાસ અહેવાલ અને સત્તાવાર દસ્તાવેજો બાદ જ સ્પષ્ટ થશે. હવે જિલ્લા વહીવટી તંત્ર આ પ્રકરણમાં કેટલા સમયમાં તપાસ પૂર્ણ કરીને જવાબદારો સામે કાર્યવાહી કરે છે તેના પર સૌની નજર મંડાઈ છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત