Ahmedabad: જૂના વાડજ, સારંગપુર, અસારવા બ્રિજ તૈયાર થતાં લાગશે 2 વર્ષ, 2027 સુધી રહેશે ટ્રાફિકની સમસ્યા
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં ટ્રાફિકની સમસ્યા નિવારવા માટે અનેક

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં ટ્રાફિકની સમસ્યા નિવારવા માટે અનેક નવા બ્રિજ અને જૂના બ્રિજના રિકન્સ્ટ્રક્શનની કામગીરી હાથ ધરવામાં આવી છે. જોકે, આ પ્રોજેક્ટ્સને કારણે આગામી બે વર્ષ એટલે કે ડિસેમ્બર 2027 સુધી અમદાવાદીઓએ ટ્રાફિક જામ અને ઉબડખાબડ રસ્તાઓની સમસ્યાનો સામનો કરવો પડશે. અસારવા, સારંગપુર અને જૂના વાડજ જેવા મુખ્ય જંક્શનો પર હાલમાં કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.
કયા બ્રિજની કામગીરી ક્યારે પૂર્ણ થશે?
મળતી માહીત અનુસાર, અમદાવાદમાં 330 કરોડ રૂપિયાના ખર્ચથી અસારવા ઉપરાંત સારંગપુર તથા જુનાવાડજ જંકશન ઉપર ફલાયઓવર બ્રિજ બનાવાની કામગીરી ચાલી રહી છે. અસારવા તથા સારંગપુર બ્રિજનુ રિકન્સ્ટ્રકશન થઈ રહ્યું છે. આ ઉપરાંત સુભાષ બ્રિજનુ સુપર સ્ટ્રકચર તોડી નવુ સુપર સ્ટ્રક્ચર બનાવવા 110 કરોડ રૂપિયા ખર્ચાશે. જીવરાજ મહેતા, નાથાલાલ ઝઘડા તેમજ ચંદ્રભાગા બ્રિજ ઉપર ત્રણ કરોડના ખર્ચે રીપેરીંગ ચાલી રહ્યું છે. જે 15 દિવસમાં પુરુ કરાશે. અલગ અલગ વિસ્તારમાં બની રહેલા ત્રણ નવા બ્રિજની કામગીરી ડિસેમ્બર 2027 સુધી ચાલશે. આ ઉપરાંત પણ અલગ અલગ વિસ્તારમાં બ્રિજની કામગીરી ચાલતી હોવાના કારણથી શહેરીજનોએ બે વર્ષ સુધી વિવિધ રસ્તાઓ ઉપર ટ્રાફિકની સમસ્યા સહન કરવી પડશે.
અસારવા બ્રિજના રીકન્સ્ટ્રકશન માટે 89.83 કરોડ રૂપિયાના ખર્ચે એપીસી બિલ્ડકોન પ્રા.લી.ને કામગીરી આપવામા આવી હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. આ બ્રિજના રિકન્સ્ટ્રક્શનની કામગીરી જૂન 2027 સુધીમાં પુરી કરવાની છે. સારંગપુર રેલવે ઓવરબ્રિજનું 13.25 કરોડ રૂપિયાના ખર્ચે રિકન્સ્ટ્રકશન ચાલી રહ્યું છે. આ બ્રિજની કામગીરી પૈકી એપ્રોચ પોર્શનની કામગીરી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરાવામા આવી રહી છે. સારંગપુર બ્રિજની કામગીરી પુરી થયા પછી કાલુપુર બ્રિજના રિકન્સ્ટ્રકશનની કામગીરી શરૂ કરવામા આવશે.
હાલમાં ચાલતા બ્રિજની કામગીરીની સ્થિતિ
| અનુ.નં. | કામનું નામ | અંદાજીત રકમ (કરોડ) | પૂર્ણ થવાની સંભવિત તારીખ | બ્રિજનો પ્રકાર |
| 1 | થલતેજથી હેબતપુર ગામ-એસ.પી.રીંગ રોડ/ સાયન્સ સીટી રોડ કનેક્ટ થતા 30.00મીટરના રસ્તા ઉપર ફોર- લેન રેલવે ઓવર બ્રિજ | 89.05 | 30-06-2026 | રેલવે ઓવર બ્રિજ |
| 2 | સત્તાધાર ચાર રસ્તા પર 4 લેનનો ફ્લાય ઓવર બ્રિજ | 103.63 | 22-02-2026 | ફ્લાય ઓવર બ્રિજ |
| 3 | નરોડા પાટીયાથી દેવી સીનેમા જંકશન થઈ ગેલેક્સી જંક્શન સુધીનો ફ્લાય ઓવર બ્રિજ | 276.67 | 31-12-2026 | ફ્લાય ઓવર બ્રિજ |
| 4 | પશ્ચિમ ઝોનમાં આવેલ વાડજ જંકશન ઉપર ફ્લાય ઓવરબ્રિજ બનાવવાની કામગીરી | 127.92 | 30-04-2026 | ફ્લાય ઓવર બ્રિજ |
| 5 | પાંજરાપોળ જંકશન ફ્લાય ઓવરબ્રિજ | 109.55 | 31-01-2027 | ફ્લાય ઓવર બ્રિજ |
| 6 |
આર.ટી.ઓ. સર્કલથી સાબરમતી ચાંદખેડા બાજુના રોડ પર એક ડાઉન રેમ્પ સુભાષ બ્રિજ તરફ નવો બ્રિજ અને પશ્ચિમ ઝોનમાં આવેલા લો ગાર્ડનથી પંચવટી જંકશન થઈ આંબાવાડી જંક્શન થઈ શેઠ.સી.એન. વિદ્યાલય સુઘી થ્રુ ફ્લાય ઓવર બ્રિજ |
379.36 | 24-03-2028 | ફ્લાય ઓવર બ્રિજ |
| 7 | રામોલ હાથીજણ વોર્ડમા હાથીજણ ગામથી વિવેકાનંદ નગર જતા રસ્તા પર આવેલા હયાત ટુ લેનનો કોઝ વે જર્જરિત થયેલ હોઈ નવો થ્રુ લેન માઈનોર બ્રિજ | 24.7 | 27-10-2026 | કોઝ વે- માઈનોર બ્રીજ |
| 8 | અમદાવાદ-બોટાદ રેલવે લાઈન લેવલ ક્રોસિંગ નં. 24 ઉપર ટોરેન્ટ પાવર મકરબાથી કોર્પોરેટ રોડ/ એસ.જી. હાઈવે કનેક્ટ થતા 40.00 મીટરના રસ્તા પર ફોર લેન રેલવે ઓવરબ્રિજ | 98.6 | 30-06- 2026 | રેલવે ઓવર બ્રિજ |
| 9 | અમદાવાદ-બોટાદ રેલવે લાઈન પર આનંદ નગરથી વેજલપુર રેલવે સ્ટેશન તરફ જતા રસ્તા ઉપર વસ્ત્રાપુર રેલવે સ્ટેશન પાસે લેવલ ક્રોસિંગ નં. 21 (બુટ ભવાની ક્રોસિંગ) ઉપર રેલવે ઓવરબ્રિજ બનાવવાની કામગીરી | 78.54 | 30-06- 2026 | રેલવે ઓવર બ્રિજ |
| 10 |
જુના એલિસબ્રિજ ઐતિહાસિક પુલને સ્ટ્રેન્ધનિંગ તેમજ રિહેબિલેશન કરવાનું કામ |
32.4 | 21-03-2026 | સ્ટ્રેન્થનિંગ તેમજ રિહેબિલેશન |
| 11 |
અસારવા ઓવરબ્રિજ રી-કન્સ્ટ્રક્શન કરવાના કામ બાબત |
89.83 | 20-11-2027 | રેલવે ઓવર બ્રિજ |
જુનાવાડજ જંકશન ઉપર 128 કરોડ રૂપિયાના ખર્ચથી ફલાયઓવર બ્રિજ બનાવવા રચના કન્સ્ટ્રકશનને કામગીરી અપાઈ છે. મે 2026 સુધીમાં આ ફલાયઓવર બ્રિજની કામગીરી પુરી કરવા કોન્ટ્રાક્ટરને કોર્પોરેશન તરફથી તાકીદ કરવામા આવી છે. હાલની પરિસ્થિતિમાં શહેરમાં જે સ્થળે બ્રિજ બનાવાની કામગીરી ચાલી રહી છે. તેને કનેક્ટ થતા એપ્રોચ રસ્તાઓ એટલી ખરાબ હાલતમાં છે કે વાહન ચાલકોને ઉબડખાબડ રસ્તા ઉપરથીવાહન લઈને પસાર થવુ પડે છે. લોકોને પડી રહેલી મુશ્કેલી અંગે બ્રિજ પ્રોજેકટ વિભાગનુ ધ્યાન હજુ સુધી પડયુ નથી.
વાયએમસીએ આસપાસ પણ સતત ટ્રાફિક જામની સ્થિતિ
નેશનલ હાઈવે ઓથોરીટી દ્વારા વાયએમસીએ નજીક ફલાયઓવર બ્રિજ બનાવામા આવી રહ્યો છે. બ્રિજની કામગીરીને કારણે વાયએમસીએથી કર્ણાવતી કલબ તરફનો રસ્તો બંધ કરી ડાઈવર્ઝન અપાયુ છે. આ બ્રિજની કામગીરીને લઈને આ રોડ ઉપર પણ લાંબા સમય સુધી ટ્રાફિક જામની સ્થિતિ જોવા મળે છે. ખાસ કરીને પીક અવર્સમાં લોકો ટ્રાફિક જામને લઈ ત્રસ્ત બની જાય છે.
ઈન્કમ ટેક્સ ફલાયઓવર ઉપર જોઈન્ટના સ્ક્રૂ ખુલી ગયા
વર્ષ 2019માં 65 કરોડ રૂપિયાના ખર્ચથી બનાવાયેલા ઈન્કમટેક્સ ફલાયઓવર બ્રિજ ઉપર ફિંગર ટાઈપ એકસ્પાન્શન જોઈન્ટના બોલ્ટ લુઝ થવાથી જોઈન્ટ ખુલી ગયા હતા.એકસપાન્શન જોઈન્ટના રીપેરીંગ, લુઝ બોલ્ટ બદલવા, એકસપાન્શન જોઈન્ટને એપોકસી તથા માઈક્રો કોન્ક્રીટ દ્વારા રીપેર કરવા બ્રિજ બનાવનાર કોન્ટ્રાકટર રણજીત બિલ્ડકોનના ડીફેકટ લાયાબીલીટી પિરીયડમાં બ્રિજ આવતો હોવાથી તેની પાસે કરાવાઈ છે.








