મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

મહેસાણા: ભૂતિયા બી.એડ. કોલેજના GSTVના અહેવાલ બાદ તપાસનો ધમધમાટ શરૂ, 4 સભ્યોની નિમણૂક

મહેસાણા જિલ્લાના કડીના રાજપુર ગામે ચાલતી ભૂતિયા બી.એડ. કોલેજના જીએસટીવીના અહેવાલ બાદ ઉત્તર ગ

મહેસાણા: ભૂતિયા બી.એડ. કોલેજના GSTVના અહેવાલ બાદ તપાસનો ધમધમાટ શરૂ, 4 સભ્યોની નિમણૂક

મહેસાણા જિલ્લાના કડીના રાજપુર ગામે ચાલતી ભૂતિયા બી.એડ. કોલેજના જીએસટીવીના અહેવાલ બાદ ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના સત્તાધીશો કુંભકર્ણની નિંદ્રામાંથી જાગ્યાં છે. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીએ તપાસ સમિતિમાં ચાર સભ્યોની નિમણૂક કરી છે. આ સમિતી સાથે તપાસમાં સરકારના પ્રતિનિધિઓ પણ જોડાયા છે. તપાસ ટીમે સ્થળ પર જઈને ભૂતિયા કોલેજની  વીડિયોગ્રાફી કરી અહેવાલ તૈયાર કર્યો છે. યુનિવર્સિટીના સત્તાધીશોએ લાંબી મથામણ બાદ આ નિર્ણય કર્યો છે. 

મહેસાણા જિલ્લાના કડી તાલુકાના રાજપુર ગામે  શ્રેય એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી શારદા કોલેજ ઓફ એજ્યુકેશન માતૃધામ બી.એડ. કોલેજ છેલ્લા 10 વર્ષથી માત્ર કાગળ પર જ ચાલી રહી હોવાનું સામે આવ્યું હતું.

આ કોલેજના સ્થળનું રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું. ઇન્સ્પેક્શનના રિપોર્ટમાં  કોલેજમાં ફિઝિકલ એજ્યુકેશન એટલે કે પ્રત્યક્ષ શિક્ષણ ચાલુ હોવાનું દર્શાવવામાં આવ્યું છે. સાથે આ કોલેજમાં પ્રિન્સિપલ રૂમ, ફેકલ્ટી રૂમ, ઓફિસ રૂમ અને સ્ટોર રૂમ પણ દર્શાવવામાં આવ્યાં છે, પરંતુ હકીકતમાં સ્થળ પર આવા કોઈ પ્રકારના રૂમ નથી.  સરકારના નિયમ પ્રમાણે આ કોલેજમાં સાત જેટલા શિક્ષકોની ફાળવણી પણ કરવામાં આવી છે,  તે શિક્ષકો ક્યાં હશે તે પણ મોટો પ્રશ્ન છે. 

સૌથી મોટી અને ચોંકાવનારી વાત તો એ છે કે આ બી.એડ. કોલેજ હેમચંદ્રાચાર્ય ઉત્તરગુજરાત યુનિવર્સિટી-HNGU સાથે સંલગ્ન છે, HNGUની વેબસાઈટ પરથી આ કોલેજમાં એડમિશન મળી રહ્યું છે.  તેમજ બી.એડ. કોલેજને માન્યતા આપતી કેન્દ્ર સરકારની સંસ્થા  નેશનલ કાઉન્સિલ ફોર ટીચર એજ્યુકેશન- NCTE પાસેથી  પણ આ કોલેજને માન્યતા પ્રાપ્ત કરવામાં આવી  છે. કાગળ પર ચાલતી આ કોલેજમાં વિદ્યાર્થી દીઠ રૂ.40,000 ફી ઉઘરાવવામાં આવતી હોવાની માહિતી પણ મળી રહી છે. 

આ સમાચાર શેર કરો