સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ નગરપાલિકાના શાસક પક્ષ ભાજપમાં આંતરિક વિખવાદ ચરમસીમાએ, ભાજપના 15 કોર્પોરેટરોએ બળવો કર્યો
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ નગરપાલિકાના શાસક

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ નગરપાલિકાના શાસક પક્ષ ભાજપમાં આંતરિક વિખવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. પાલિકાના મહિલા પ્રમુખ અનિતાબહેન પંડ્યા અને તેમના પતિ જિગ્નેશ પંડ્યા સામે વહીવટમાં મનમાની કરવાના ગંભીર આક્ષેપો સાથે ભાજપના 15 કોર્પોરેટરોએ એકાએક બળવો કર્યો છે. આ નારાજ સભ્યોએ ભેગા મળીને પોતાનો સહીઓ વાળો સામૂહિક રાજીનામાનો પત્ર જિલ્લા ભાજપ પ્રમુખને મોકલી આપ્યો છે. આ પત્ર સોશિયલ મીડિયામાં વાઈરલ થતાં જ ભાજપના મોટો ભૂકંપ સર્જાયો છે.
24માંથી 19 બેઠકો ધરાવતા ભાજપમાં આંતરિક વિવાદ
મળતી માહિતી અનુસાર, પ્રાંતિજ નગરપાલિકાના કુલ સંખ્યાબળ અને વર્તમાન સ્થિતિ પર નજર કરીએ તો ભાજપ અહીં સ્પષ્ટ બહુમતી સાથે મજબૂત સ્થિતિમાં હતું, પરંતુ આ આંતરિક જૂથવાદે ચિત્ર બદલી નાખ્યું છે. પ્રાંતિજ નગરપાલિકામાં કુલ 24 બેઠકો છે, જેમાંથી 19 બેઠકો પર ભાજપના કોર્પોરેટરો ચૂંટાયેલા છે. ભાજપના આ 19 કોર્પોરેટરોમાંથી 14 સભ્યોએ પ્રમુખ વિરુદ્ધ મોરચો માંડીને રાજીનામું આપી દીધું છે. એટલે કે શાસક પક્ષના 80 ટકા જેટલા સભ્યો અત્યારે પ્રમુખની સામે થઈ ગયા છે.





