રાજ્યમાં મંત્રી મંડળ વિસ્તરણ પહેલા આંતરિક ડખાં,ભાજપ પ્રદેશ નેતાગીરીની ઉંઘ ઉડી
ગુજરાતમાં મંત્રી મંડળના વિસ્તરણ પહેલાં જ મુખ્યમંત્રી જેવા મહત્ત્વના પદની માંગ ઉઠી છે. કોળી સમાજે કેબિ

ગુજરાતમાં મંત્રી મંડળના વિસ્તરણ પહેલાં જ મુખ્યમંત્રી જેવા મહત્ત્વના પદની માંગ ઉઠી છે. કોળી સમાજે કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાને મુખ્યમંત્રી બનાવવાની માંગ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે.
કુંવરજી બાવળિયાને મુખ્યમંત્રી બનાવવા માંગ
કોળી સમાજની ડિમાન્ડને પગલે ભાજપ પ્રદેશ નેતાગીરીની ઉંઘ ઉડી છે. અન્ય સમાજ પણ મંત્રી પદ માંગી શકે છે. અત્યારથી મંત્રીપદ મુદ્દે આંતરિક ડખાં શરૂ થયા છે. કોળી સમાજે તો એવી આશા વ્યક્ત કરી છે કે, જો કુંવરજી બાવળિયાને મુખ્યમંત્રી બનાવવામાં આવે તો ગુજરાતમાં ભાજપ વધુ મજબૂત બનશે.
આ મહિનામાં મંત્રી મંડળનું વિસ્તરણ થવાની શક્યતા
જુલાઇ માસના મધ્યમાં મંત્રીમંડળનું વિસ્તરણ થવાની શક્યતા છે. લોકસભાની ચૂંટણીમાં ભાજપ હેટ્રિક કરી શકી નથી. ભાજપના ધારાસભ્યની રજૂઆત છે કે, સરકારને બદલે અધિકારી રાજ ચાલી રહ્યું છે. ધારાસભ્યો તો ઠીક, મંત્રીઓને ય અધિકારીઓ ગાંઠતા નથી. આ સંજોગોમાં મંત્રીઓનું પરફોર્મન્સ પણ ખૂબ જ નબળુ રહ્યું છે. લોકસભાની ચૂંટણીમાં ખુદ મંત્રીઓ પોતાના મત વિસ્તારમાં ભાજપને એક લાખની લીડ અપાવી શક્યા નથી. આ બધીય રાજકીય પરિસ્થિતિને જોતાં મોટા ફેરબદલ સાથે મંત્રી મંડળનું વિસ્તરણ કરવું જરૂરી બન્યું છે.
સચિવાલયમાં મંત્રીમંડળના વિસ્તરણનો ય ગણગણાટ ચાલી રહ્યો છે. જસદણ-વિછીંયાના કોળી સમાજના અગ્રણીઓએ દિલ્હી સુધી રજૂઆત કરી છે કે, કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાને ડેપ્યુટી મુખ્યમંત્રી બનાવો. આ માંગ વચ્ચે ગુજરાત ઠાકોર-કોળી વિકાસ નિગમના પૂર્વ અધ્યક્ષ ભૂપત ડાભીએ વડાપ્રધાન મોદીને પત્ર લખીને એવી રજૂઆત કરી છે કે, ગુજરાતમાં 32 ટકા વસ્તી કોળી સમાજની છે. ગત લોકસભામાં સૌરાષ્ટ્ર કોળી સમાજ ઉપરાંત ઉત્તર ગુજરાત ઠાકોર સમાજ, દક્ષિણ ગુજરાતમાં કોળી પટેલ, ભાજપની પડખે રહ્યો હતો. આ જોતાં કોળી સમાજની માંગ છે કે, કુંવરજી બાવળિયાને ગુજરાતના મુખ્યમંત્રી બનાવવા જોઇએ.
ભૂપત ડાભીનું કહેવુ છે કે, કોળી સમાજે બધાય જીલ્લામાં સર્વે કરીને વડાપ્રધાનને પત્ર લખ્યો છે. એટલું જ નહીં, કુંવરજી બાવળિયાના કહેવાથી લોકોએ ભાજપને મત આપ્યા છે. આજે ગુજરાતમાં 265 સરપંચ કોળી સમાજના છે. આ ઉપરાંત જિલ્લા-તાલુકા પંચાયતમાં ય કોળી સમાજના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ છે. જો કુંવરજી બાવળિયા મુખ્યમંત્રી બને તો ગુજરાતમાં ભાજપ વધુ મજબૂત થઇ શકે છે.
મુખ્યમંત્રીપદની માંગને લઇને કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ એવો ખુલાસો કર્યો કે, કોઇ હિતેચ્છુએ આ વાત કરી હશે. આ માંગ પાયાવિહોણી છે. આ બધાય નિર્ણય તો હાઇકમાન્ડે કરવાના હોય છે.
મંત્રીમંડળમાં નવા ચહેરાનો સમાવેશ થઇ શકે
મંત્રીમંડળ વિસ્તરણ થાય તે પહેલાં કોને પડતાં મૂકાશે અને કોને મંત્રીની ખુરશી મળશે તે અંગે અટકળો વહેતી થઇ છે. કોળી સમાજની મુખ્યમંત્રીની માંગને લઇને ભાજપની નેતાગીરીની ઉંઘ ઉડી છે.








