મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

વડોદરામાં બસના દરવાજામાં ગળું ફસાતાં માસૂમ બાળકનું મોત

વડોદરાના સૂર્યનગર-તરસાલી બાયપાસથી ધન્યાવી તરફ જવાના રસ્તા પર આવેલા એક ગેરેજ-રિપેરિંગ કારખાના

વડોદરામાં બસના દરવાજામાં ગળું ફસાતાં માસૂમ બાળકનું મોત
આ સમાચાર સાંભળો

વડોદરાના સૂર્યનગર-તરસાલી બાયપાસથી ધન્યાવી તરફ જવાના રસ્તા પર આવેલા એક ગેરેજ-રિપેરિંગ કારખાનામાં કરુણ દુર્ઘટના સર્જાઈ હતી. અહીં ઊભેલી એક લક્ઝરી બસના ઓટોમેટિક દરવાજામાં સાત વર્ષીય બાળકનું ગળું ફસાઈ જતાં તેનું મોત નીપજ્યું હતું. ઘરેથી મંદિરે પ્રસાદ લેવા જવાનું કહીને નીકળેલું બાળક રહસ્યમય સંજોગોમાં અકસ્માતનો ભોગ બનતાં શ્રમિક પરિવારમાં ઘેરા શોકની કાલિમા છવાઈ ગઈ છે.

પ્રસાદ લેવા નીકળ્યો અને દુર્ઘટનાનો ભોગ બન્યો

મળતી માહિતી અનુસાર, મૂળ છોટા ઉદેપુર જિલ્લાના જેતપુર પાવી તાલુકાના અને હાલ તરસાલી બાયપાસ પાસે એસ.આર. બાયોગેસ કંપનીમાં મજૂરી કામ કરતા રાકેશભાઈ રાઠવાનો 7 વર્ષીય પુત્ર દિવ્યેશ સવારે શાળાએથી આવ્યા બાદ ઘરેથી મંદિરે પ્રસાદ લેવા જવાનું કહીને નીકળ્યો હતો. થોડા સમય બાદ અજાણ્યા લોકોએ પરિવારને આવીને બાળક બસના દરવાજા પાસે ગંભીર હાલતમાં પડ્યો હોવાની જાણ કરી હતી. ઘટના બાદ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે બાળકને સારવાર અર્થે વડોદરાની સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.

બનાવ અંગે કપુરાઈ પોલીસ કાફલાએ હોસ્પિટલ પહોંચી પંચનામું કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જોકે, પોલીસ તપાસ દરમિયાન ચોંકાવનારી બાબત સામે આવી છે. બાળકના મૃત્યુ પહેલાંના અને પછીના સીસીટીવી ફૂટેજ મળી આવ્યા છે, પરંતુ જે 15 મિનિટના ગાળામાં આ દર્દનાક બનાવ બન્યો તે સમયના જ ફૂટેજ ગાયબ છે. આ સમયે લાઈટ જતી રહી હોવાનું પ્રાથમિક કારણ દર્શાવવામાં આવી રહ્યું છે.

પરિવારે ન્યાયની માંગ કરી

મૃતક બાળકના પિતાએ સીસીટીવીની યોગ્ય તપાસ કરી બાળકને ન્યાય મળે તેવી માંગ કરી છે. મહત્વના સમયના જ ફૂટેજ ગાયબ હોવાથી બાળક પોતે દરવાજા પાસે ગયું હતું કે કોઈએ તેની સાથે અજુગતું કર્યું છે તે અંગે રહસ્ય ઘેરાયું છે. કપુરાઈ પોલીસે તમામ ટેકનિકલ પાસાઓની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.

આ સમાચાર શેર કરો