ભરુચના ડબલ મર્ડર કેસમાં જમાઈ જ નિકળ્યો સાસુ સસરાનો હત્યારો, જાણો શું છે સમગ્ર મામલો
વાલિયાના શિક્ષક દંપતીના ડબલ મર્ડર કેસનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા

વાલિયાના શિક્ષક દંપતીના ડબલ મર્ડર કેસનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે. બેન્ક લોન, વ્યાજે નાણાં, શેર માર્કેટમાં ₹30થી 35 લાખની ખોટ જતા ભારે દેવામાં ડબેલો જમાઈ તેના સાસુ સસરાનો કાળ બન્યો હતો. જમાઈએ આર્થિક સંકડામણ દૂર કરવા બેવડા કત્લેઆમને ઠંડા કલેજે અંજામ આપ્યો હતો.
જમાઈએ વાલિયા આવી સાસુ-સસરાને નિશાન બનાવી રોકડ અને દાગીનાની લૂંટ ચલાવી હતી. વાલિયાના શિક્ષક દંપતીના ડબલ મર્ડરનો ભેદ ઉકેલી લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે પોતાની આર્થિક સંકડામણ દૂર કરવા સાસુ સસરાને મોતને ઘાટ ઉતારી દેનાર હત્યારા જમાઈને ઝડપી પાડ્યો છે.
ભરુચમાં વાલીયાની ગણેશ ગાર્ડન સોસાયટીમાં રહેતા શિક્ષક જિતેન્દ્રસિંહ બોરાઘરા અને શિક્ષીકા લતાબેન બોરઘરાના મૃતદેહો લોહીલુહાણ હાલતમાં મળી આવ્યા હતા. તિક્ષણ હથિયાર વડે શિક્ષક દંપતી ઉપર હુમલો કરી, બંનેને ગરદનના ભાગે ગંભીર ઇજા પહોંચાડી બંનેને મોતને ઘાટ ઉતાર્યાનું બહાર આવ્યું હતું. ભરૂચ જિલ્લા પોલીસે તાત્કાલિક એક્શનમાં આવી બનાવવાળી જગ્યાની તાત્કાલિક મુલાકાત કરી અને આરોપીનું સત્વરે પગેરૂ શોધી કાઢવા લોકલ ક્રાઇમ બ્રાન્ચ, સ્પેશિયલ ઓપરેશન ગૃપ તેમજ સ્થાનિક વાલીયા પોલીસની ટીમ બનાવી હતી.
તેમજ તપાસમાં એફ.એસ.એલ.ટીમ, ડોગ સ્કોવોડ, ફીંગર પ્રિન્ટ એક્સપર્ટની જરૂરી મદદ મેળવવામાં આવી હતી. ગુનાવાળી જ્ગ્યાની આસપાસ તથા વાલીયા તેમજ વાલીયાથી વ્યારા સુધીના હાઇવે રોડ ઉપર આવેલા ટોલપ્લાઝા, પેટ્રોલપંપો, હોટલો વિગેરેના મળી આશરે 130 જેટલા સી.સી.ટીવી ફુટેઝ એકત્રીત કરી એનાલિસિસ કરવા સાથે આ ગુનાનો ભેદ ઉકેલવા એલ.સી.બી. ટીમના પ્રયત્નો ચાલુ હતા. આ દરમ્યાન ટીમને એનાલીસીસ દરમ્યાન હકિકત મળેલ કે આ શિક્ષક દંપતીનુ કાસળ કાઢવામાં તેઓના વ્યારામાં રહેતા જમાઇ વિવેક દુબેની સંડોવણીની પુરેપુરી શક્યતાઓ છે.
જેથી શંકાસ્પદ વિવેક દુબેને ઝડપી પાડી વાલીયા પોલીસ સ્ટેશન ખાતે લઇ આવ્યા અને તેની સઘન અને ઉંડાણપુર્વકની પુછપરછ હાથ ધરી હતી. જેથી આરોપી જમાઇ ભાંગી પડ્યો અને પોતાની આર્થિક સંકડામણ વિશે વાત કરી હતી. જેમાં તેણે બેંક લોન, અલગ અલગ જ્ગ્યાએથી વ્યાજ પર લીધેલા નાણા તથા શેરમાર્કેટમાં છેલ્લા છએક માસમાં ત્રીસથી પાંત્રીસ લાખ જેટલી રકમ ગુમાવી હતી. જેથી તે આર્થિક સંકડામણમાં આવેલો હોવાથી તેને સાસુ સસરા આર્થિક રીતે સધ્ધર હોઈ રોકડ રકમ તથા દાગીના વાલીયા તેના ઘરે મુકી રાખતા હોવાની જાણ હતી.
તદઉપરાંત પોતાને ઘરસંસારમાં પણ સસરા અવારનવાર વચ્ચે આવતા હોવાથી સાસુ-સસરાનો કાંટો કાઢી નાંખી દાગીના તથા રોકડા રૂપિયા લૂંટી જવાનો પ્લાન ઘડી પોતાની કાર લઇ વ્યારાથી ગાંધીનગર ગયો અને ગાંધીનગરથી પરત વાલીયા આવી આ બંનેને મોતને ઘાટ ઉતાર્યા હતા. તથા ઘરમાંથી રોકડ રકમ તથા સોના ચાંદીની લૂંટ કરેલ હોવાની કબૂલાત કરતાં પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. આરોપીએ ગુનામાં ઉપયોગ કરેલ હથિયાર, કાર, લૂંટમાંથી મેળવેલ રોકડ તથા સોનાચાંદીની જણસો વગેરે મહિતનો મુદ્દામાલ પોલીસે રીકવર કર્યો. તેમજ પુરાવાઓ એકત્રિત કરવા અને આરોપીના રીમાન્ડ મેળવવા પોલીસ દ્વારા તજવીજ હાથ ધરવામાં આવી છે.








