ટેરિફની અસર: સુરતના હીરા બજારમાં છટણીનો દોર શરૂ, 100થી વધુ કારીગરોને છૂટા કરાયા
વિશ્વમાં હીરા ઉદ્યોગનું કેન્દ્ર ગણાતું સુરત હાલમાં ગંભીર આર્થિક

વિશ્વમાં હીરા ઉદ્યોગનું કેન્દ્ર ગણાતું સુરત હાલમાં ગંભીર આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારતીય આયાત પર લાદવામાં આવેલા 50% ટેરિફની જાહેરાતથી સુરતના હીરા ઉદ્યોગમાં છટણીનો દોર શરૂ થયો છે. અમેરિકાના ટેરિફની અસરને કારણે સુરતની ડાયમંડ કંપની ક્રિસ ડિયામ ડાયમંડ જેમ્સે છેલ્લા ત્રણ દિવસમાં 100થી વધુ કારીગરોને છૂટા કરી દીધા છે.
સુરતની હીરા કંપનીએ 100થી વધુ કારીગરોને છૂટા કર્યા
સુરતના કતારગામ વિસ્તારમાં આવેલી ક્રિસ ડિયામ ડાયમંડ જેમ્સ, જે મુખ્યત્વે વિદેશી વેપારીઓ માટે જોબ વર્ક (આઉટસોર્સિંગ)નું કામ કરે છે, તેણે અચાનક જ તેના જુદા જુદા વિભાગમાંથી 100થી વધુ કારીગરોને છૂટા કરી દીધા છે. આ કારીગરો હીરા કટિંગ, પોલિશિંગ અને અન્ય સંબંધિત કામોમાં નિષ્ણાત હતા. આ છટણીનું મુખ્ય કારણ અમેરિકા દ્વારા 27 ઓગસ્ટથી લાગુ થયેલા 50% ટેરિફને માનવામાં આવે છે જેના કારણે અમેરિકન બજારમાંથી આવતા ઓડર્સમાં ભારે ઘટાડો થયો છે.
વર્કર યુનિયનના ભાવેશ ટાંકે કહ્યું કે, પહેલાથી જ કહેવામાં આવતું હતું કે ડાયમંડ ઇન્ડસ્ટ્રી પર ટેરિફ લાગશે તો તેની અસર હીરા ઉદ્યોગ પર પડશે. કતારગામમાં ક્રિસ ડિયામ જેમ્સ નામની ડાયમંડ કંપની છે તેને 200 જેટલા કારીગરોને છૂટા કર્યા હતા. આજે પણ 100 કારીગરોને છૂટા કરવામાં આવ્યા છે. કારીગરોને છૂટા કરવામાં આવતા દિવાળી નજીક હોવાથી તેમને કોઇ કામે રાખે તેવી પોઝિશન પણ નથી. છેલ્લા બે વર્ષથી મંદીનો માહોલ ચાલે છે.






