'Ahmedabad સિવિલની કિડની હોસ્પિટલમાં ક્લિનિકલ ટ્રાયલ દરમિયાન સેંકડો લોકોના મોત' - કોંગ્રેસ
Ahmedabad News: અમદાવાદ શહેરની પ્રસિદ્ધ સરકારી કિડની હોસ્પિટલ સામે ગુજરાત કોંગ્રેસના ગ

Ahmedabad News: અમદાવાદ શહેરની પ્રસિદ્ધ સરકારી કિડની હોસ્પિટલ સામે ગુજરાત કોંગ્રેસના ગંભીર આરોપ સામે આવ્યા છે. અસારવા સ્થિત કિડની હોસ્પિટલ મામલે કોંગ્રેસ દ્વારા ગંભીર આરોપ લગાવવામાં આવી રહ્યા છે. ગુજરાત કોંગ્રેસ પ્રવક્તા પાર્થિવરાજસિંહ કઠવાડિયાએ આરોપ લગાવતા જણાવ્યું હતું કે, 1999થી 2017 દરમ્યાન સ્ટેમસેલના ક્લિનિકલ ટ્રાયલમાં સેંકડો લોકોના મોત થયા છે. 2352 લોકો પર ક્લિનિકલ રિસર્ચ નામે અખતરાં થયા છે જેમાં 741 લોકોએ જીવ ગુમાવ્યા છે.
તેમણે જણાવ્યું કે, 18 વર્ષ સુધી ક્લિનિકલ ટ્રાયલ થયા છે. 2017માં કેન્દ્રની એજન્સીએ પત્ર લખ્યો જેમાં મંજૂરી વગર થેરાપી થતી હોવાથી બંધ કરવા જણાવાયું હતું. 569 કિડનીઓનું ટ્રાન્સપ્લાન્ટ ફેલ થયું હતું. 110 દર્દીઓમા કોમ્પ્લિકેશન થતા કિડની ટ્રાન્સપ્લાન્ટ રદ્દ થયા હતા. ફક્ત 220 લોકોમાં જ કિડની ટ્રાન્સપ્લાન્ટ સફળ થયા હતા.
2 જુલાઈના રોજ કેન્દ્રીય એજન્સીએ એક્શન ટેકન જમા કરાવવા આદેશ કર્યો છે. તમામ સત્તાવાર આંકડા કેગના વર્ષ 2024 ના અહેવાલમાં છે. ગુજરાતનું આરોગ્ય વિભાગ ઘોર અંધકારમાં ચાલી રહ્યું છે. મંજૂરી વગરના ટ્રાયલ મામલે જવાબદાર સામે પગલાં લેવા અમારી માંગ છે. આટલા વર્ષમાં આટલા લોકોના મોતની ઘટના એ ગુનાહિત બેદરકારી છે.






