Holi 2026: ધૂળેટીના દિવસે જ લાગશે ચંદ્રગ્રહણ, 24 ફેબ્રુઆરીથી હોળાષ્ટક શરૂ, જાણો હોળી પૂજનનો શ્રેષ્ઠ સમય
Holi 2026: આગામી માર્ચ

Holi 2026: આગામી માર્ચ મહિનામાં રંગોનો તહેવાર હોળી-ધૂળેટી ઉજવવામાં આવશે. જ્યોતિષાચાર્ય ડૉ. હેમિલ પી. લાઠિયાની ગણતરી મુજબ, આ વર્ષે હોળીના પર્વ પર અનેક ગ્રહ-નક્ષત્રોનો અદભુત સંયોગ રચાઈ રહ્યો છે. ખાસ કરીને હોળાષ્ટકથી લઈને ધૂળેટીના દિવસે થનારા ચંદ્રગ્રહણ સુધીની વિગતો ભક્તો માટે જાણવી અત્યંત જરૂરી છે.
હોળાષ્ટકનો પ્રારંભ:
શાસ્ત્રો મુજબ હોળીના આઠ દિવસ પહેલા હોળાષ્ટક બેસે છે, જેમાં શુભ કાર્યો વર્જિત હોય છે. આ વર્ષે તા. 24/02/2026, મંગળવારથી હોળાષ્ટકનો પ્રારંભ થશે, જે તા. 03/03/2026 સુધી રહેશે.
હોળી પ્રાગટ્ય અને ભદ્રાનો વિચાર
તા. 02/03/2026, સોમવારના રોજ ફાગણ સુદ પૂનમ છે. સાંજે 5:55 કલાકે પૂનમ તિથિ શરૂ થાય છે. આ દિવસે વિષ્ટિ (ભદ્રા)નો સમય સાંજે 5:55 થી રાત્રે 29:28 (મોડી રાત્રે 3:28) સુધી છે. જ્યોતિષશાસ્ત્ર મુજબ જ્યારે ચંદ્ર સિંહ રાશિમાં હોય ત્યારે ભદ્રાનો વાસ પૃથ્વી પર હોય છે. જોકે, મહર્ષિ ભૃગુના મત મુજબ સોમવારની ભદ્રા કલ્યાણકારી માનવામાં આવે છે.
પૂજનનું મુહૂર્ત
હોળી પ્રાગટ્ય અને પૂજન માટેનો શ્રેષ્ઠ સમય સાંજે 06:40થી રાત્રે 09:05 સુધીનો રહેશે. ભદ્રા મુખના સમયને ત્યજીને પ્રદોષ કાળમાં પૂજન કરવું ફળદાયી રહેશે.
ધૂળેટી અને ચંદ્રગ્રહણ
તા.03/03/2026, મંગળવારના રોજ ધૂળેટી પર્વની ઉજવણી થશે. આ દિવસે ચંદ્રગ્રહણ થવાનું છે, જે ભારતમાં દેખાશે. ગ્રહણને કારણે સૂતક અને પૂજાના નિયમોમાં પણ ફેરફાર જોવા મળી શકે છે.








