લોકસભા ચૂંટણી 2024: હાઈકમાન્ડનો રૂપાલાને પ્રચાર ચાલુ રાખવાનો આદેશ, શું વિવાદનો આવશે અંત?
કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલા કેબિનેટ બેઠકમાં ભાગ લેવા દિલ્હી પહોંચ્યા હતાં. અમદાવાદ પરત

કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલા કેબિનેટ બેઠકમાં ભાગ લેવા દિલ્હી પહોંચ્યા હતાં. અમદાવાદ પરત ફરતાં રૂપાલાએ પત્રકારો સાથી વાતચીતમાં કહ્યું કે મેં પ્રચાર બંધ કર્યો જ નથી. હું કેબિનેટની બેઠકમાં ભાગ લેવા દિલ્હી ગયો હતો. હાલ હું આ મુદ્દે કોઈપણ ટિપ્પણી કરવા માંગતો નથી. આ વિવાદમાં આગ હોમવાનું મારો આશય નથી. અમદાવાદ એરપોર્ટ પરથી પરશોત્તમ રૂપાલા સીધા જ ગાંધીનગર સ્થિત નિવાસસ્થાને પહોંચ્યા હતાં. જ્યાં ભાજપના મહામંત્રી રત્નાકર અને પરશોત્તમ રૂપાલા વચ્ચે બંધ બારણે બેઠક થઈ હતી. લગભગ પોણા કલાક સુધી બંને વચ્ચે ચર્ચા થઈ હતી, અને પરિસ્થિતિનો તાગ મેળવાયો હતો.
બુધવારે અમદાવાદમાં ક્ષત્રિય આગેવાનો વચ્ચે બેઠક થઈ હતી. જેમાં સમાધાનની ફોર્મ્યુલા ફગાવી દેવામાં આવી હતી. આ ઉપરાંત ક્ષત્રિય આગેવાનોએ એક સૂરમાં કહ્યું કે કોઈપણ ભોગે રૂપાલાની ટિકિટ રદ કરો. સૂત્રોના જણાવ્યા અનુસાર ભાજપ હાઈકમાન્ડ ક્ષત્રિયોની વાત સ્વિકારવા તૈયાર નથી. આ જોતા રાજકોટ બેઠક પર રૂપાલા બદલાય તેવી શક્યતાઓ ઓછી છે. આ ઉપરાંત ક્ષત્રિયોના વિરોધ વંટોળ વચ્ચે હાઈકમાન્ડે હાલ રૂપાલાને પ્રચાર કાર્ય શરૂ કરવા સૂચના આપી દીધી છે.
ક્ષત્રિયોના રાજકીય દબાણ સામે હાઈકમાન્ડ પીછેહઠ કરવાના મૂડમાં નછી. રૂપાલાએ ટિપ્પણી કરતાં ક્ષત્રિયો રોષે ભરાયા છે, ત્યારે તેમને મનાવી લેવા ભાજપે રણનિતી ઘડી કાઢી છે. જો રૂપાલાની ટિકિટ રદ કરાય તો ભાજપને બે સમુદાય વચ્ચે રાજકીય સંઘર્ષ ઉભો થાય તેવો ડર સતાવી રહ્યો છે.
જો રૂપાલાને બદલવામાં આવે તો સાબરકાંઠા, અમરેલી, જૂનાગઢ સહિત અન્ય બેઠક પર પણ ઉમેદવાર બદલવાની માંગ ઉઠી શકે છે. આ તમામ પાસાને જોતાં ભાજપ બધુંય યથાવત રાખવાના મતમાં છે.






