ગુજરાત સરકારનો આદેશ: સરકારી કર્મચારીઓ માટે હેલ્મેટ ફરજિયાત, પાછળ બેસનારને પણ લાગુ પડશે નિયમ
ગુજરાત હાઈકોર્ટની ઝાટકણી બાદ રાજ્યમાં હવે તમામ સરકારી કર્મચારીઓને હેલ્મેટ ફરજિયાત પહેરવાનો આદેશ અપાયો છ

ગુજરાત હાઈકોર્ટની ઝાટકણી બાદ રાજ્યમાં હવે તમામ સરકારી કર્મચારીઓને હેલ્મેટ ફરજિયાત પહેરવાનો આદેશ અપાયો છે. સચિવાલયના તમામ વિભાગ ઉપરાંત તમામ સરકારી, અર્ધસરકારી કચેરી, બોર્ડ-નિગમ, સ્થાનિક સ્વરાજ્યની કચેરીઓ વગેરેમાં ટુ વ્હીલર વાહનો પર આવતા અધિકારીઓ/કર્મચારીઓ અને પાછળ બેસનાર વ્યક્તિ માટે હેલ્મેટ પહેરવી ફરજિયાત રહેશે. હેલ્મેટ વગર સરકારી કચેરીમાં પ્રવેશ નહીં મળે.
મોટર વાહન અધિનિયમ, ૧૯૮૮ મુજબ નિયમ-૧૨૯ હેઠળ, દ્વિચક્રી વાહન ચલાવતા સમયે હેલ્મેટ પહેરવું ફરજિયાત હોવાથી, સરકારની પુખ્ત વિચારણાને અંતે રાજ્યની તમામ સરકારી કચેરીઓનાં પરિસરમાં દ્વિચક્રી વાહન મારફતે આવતા-જતા અધિકારીઓ-કર્મચારીઓ-સ્ટાફ માટે નીચે મુજબની સુચનાઓ પરિપત્ર કરવામાં આવ્યો છે.
સચિવાલયના તમામ વિભાગો, રાજ્યની તમામ સરકારી-અર્ધસરકારી કચેરીઓ, બોર્ડ, નિગમો, પૂર્ણ કે આંશિક સરકારી અનુદાન લેતી સંસ્થાઓ, સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓમાં દ્વિચક્રી વાહન (મોટર સાઇકલ, સ્કુટર વગેરે) પર આવતા-જતાં વાહનચાલક તથા પાછલી સીટ પર બેસનાર અધિકારીઓ/કર્મચારીઓએ ફરજીયાતપણે, નિયત ધોરણસરનું હેલ્મેટ પહેરીને જ સરકારી કચેરીના પરિસરમાં પ્રવેશ લેવાનો રહેશે, અન્યથા તેઓને સરકારી કચેરીના પરિસરમાં પ્રવેશ અટકાવી શકાશે.
આ સૂચનાઓના યોગ્ય અમલીકરણ માટે સંબંધિત કચેરીના વડાઓએ નિયંત્રણ હેઠળના સર્વે અધિકારીઓ/કર્મચારીઓને જરૂરી સૂચના તથા તે અંગે ચકાસણી થાય તેવી વ્યવસ્થા સુનિશ્ચિત કરવાની રહેશે.






