દક્ષિણ ગુજરાતમાં ફરી તોફાની મેઘસવારી, ઉમરપાડામાં 6 કલાકમાં સાડા 10 ઈંચ વરસાદ
ગુજરાતના આજે ભારે વરસાદની આગાહી વચ્ચે દક્ષિણ ગુજરાતમાં મેઘાએ ધબધબાટી બોલાવી છે. સુ

ગુજરાતના આજે ભારે વરસાદની આગાહી વચ્ચે દક્ષિણ ગુજરાતમાં મેઘાએ ધબધબાટી બોલાવી છે. સુરતના ઉમરપાડામાં માત્ર 6 કલાકમાં સાડા 10 ઈંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. આ સાથે જ દક્ષિણ ગુજરાતના નર્મદા, તાપી અને નવસારી સહિતના જિલ્લાઓમાં વરસાદ નોંધાયો છે.
વીરા નદીમાં ભરપૂર આવક
ઉમરપાડામાં ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. રસ્તા પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. ઉમરગોટથી સેલમ્બાના લો લેવલ કોઝ વે પર પાણી ફરી વળતાં વાહન વ્યવહાર બંધ થયો છે. રસ્તા બ્લોક થતાં જનજીવન પર માઠી અસર થઇ છે. ઉમરપાડાની વીરા નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઇ છે. મહુંવન અને વીરા નદીમાં પાણીની ભરપૂર આવક થતાં ચારણી ગામના લો લેવલ બ્રિજ પણ પાણીમાં ગરકાવ થઇ ગયો છે.
વરસાદી માહોલ
નવસારી જિલ્લામાં વરસાદના વિરામ બાદ આજે ફરી વરસાદી માહોલ જોવા મળ્યો છે. વહેલી સવારથી નવસારીના ગણદેવી, બીલીમોરા અને ચીખલીમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ શરૂ થયો છે. જેના કારણે સમગ્ર વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે.
ખેરગામમાં 135 ઈંચ
આ વખતે અત્યાર સુધી 117 તાલુકામાં 40 ઈંચથી વઘુ, 114 તાલુકામાં 20 થી 40 ઈંચ, 20 તાલુકામાં 10 થી 20 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. તાલુકા પ્રમાણે નવસારીના ખેરગામમાં સૌથી વઘુ 135 ઈંચ વરસાદ પડી ચૂક્યો છે. રીજિયન પ્રમાણે જોવામાં આવે તો કચ્છમાં 35 ઈંચ સાથે સરેરાશ 183.32%, ઉત્તર ગુજરાતમાં 30.35 ઈંચ સાથે સિઝનનો 105.63%, પૂર્વ મઘ્ય ગુજરાતમાં 37.64 ઈંચ સાથે સરેરાશ 118%, સૌરાષ્ટ્રમાં 37.46 ઈંચ સાથે સરેરાશ 129% જ્યારે દક્ષિણ ગુજરાતમાં 73.01 ઈંચ સાથે સરેરાશ 124.30% વરસાદ નોંધાયો છે.








