સુરત ગુરુકુળમાં ગીતા જયંતિની શ્લોક ગાનની સ્પર્ધા સાથે ઉજવણી, 18 દિવસમાં પાર્ષદે કર્યા 700 શ્લોક કંઠસ્થ
સુરતના વેડરોડ ખાતે આવેલા સ્વામિનારાયણ ગુરુકુલ ખાતે ગીતા જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. ૭૦૦

સુરતના વેડરોડ ખાતે આવેલા સ્વામિનારાયણ ગુરુકુલ ખાતે ગીતા જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. ૭૦૦ શ્લોકમાં ૧૮ અધ્યાયમાં કહેવાયેલ ગીતાજીના પાંચમા અધ્યાયના ૨૯ શ્લોકો ૫૪ વિદ્યાર્થીઓ કંઠસ્થ કરીને મુખપાઠ બોલ્યા હતા. તેઓને સ્કૂલના આચાર્યએઇનામો સાથે પ્રમાણપત્ર એનાયત કરી પ્રોત્સાહિત કર્યા હતા. ધોરણ ૧૦ના વિદ્યાર્થી સુદાણી અંશ, મિયાણી હર્ષિલ તથા બારેવડીયા વ્રજ તારીખ ૧૫ ડિસેમ્બરના રોજ રાજ્યકક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા અમદાવાદ જશે.
જીવન પદ્ધતિ શીખવતો ગ્રંથ
ગુરુકુલના પાર્ષદ શ્રેય ભગતે ગીતાજીના ૧૮ અધ્યાયના ૭૦૦ શ્લોકો માત્ર ૧૮ દિવસમાં કંઠસ્થ કરી સંતોને સંભળાવ્યા હતા. ગુરુકુલના મહંત સ્વામી ધર્મવલ્લભદાસજી સ્વામીએ શ્રેય ભગતને ચાંદલો કરી, નાડાછડી બાંધી આશીર્વાદ આપ્યા હતા. ભાવિ પેઢીના બાળકોને નાની વયથી જ ગીતાજીનું જ્ઞાન મળતું થાય તો એ આદર્શ નાગરિક બની શકે. ભારતને વિશેષ વફાદાર બની શકે. જેને પરિણામે દેશમાં અસામાજિક કાર્યો થતા અટકી શકે છે. જીવનની ઉત્કૃષ્ટ પદ્ધતિ શીખવતો ગ્રંથ ગીતાજી એક મનોવૈજ્ઞાનિક ગ્રંથ છે.
નિષ્કામ ભાવ શીખવતું શાસ્ત્ર
આદર્શ જીવન ઘડતું શાસ્ત્ર છે એમ પ્રભુ સ્વામીએ કહેતા ઉમેર્યું કે, ગીતા કોઈ અંધશ્રદ્ધાને કે પરચાઓને પોષતું શાસ્ત્ર નથી. કોઈ સંપ્રદાયનું શાસ્ત્ર નથી. ગીતા કોઈ ધાર્મિક પાઠ પૂજાની વિધિ બતાવતું નથી. સરદાર વલ્લભભાઈ પટેલ અને ગાંધીજીની જેમ નિષ્કામ અને અનાસક્ત ભાવે કાર્ય કરવાનું શીખવતું શાસ્ત્ર છે. ભારતની ન્યાય અદાલતોમાં માનનીય વિદ્વાન ન્યાયાધીશજી સમક્ષ સાક્ષી ગીતાજીને હાથમાં રાખીને સત્યપણાની સાક્ષી તરીકેની જુબાની લેતા હોય છે.






