મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: એન્જિનિયરિંગ-ફાર્મસીમાં પ્રવેશ માટે GUJCETની પરીક્ષાનો પ્રારંભ, રાજ્યના 1.36 લાખ વિદ્યાર્થીઓની કસોટી

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા આજે રાજ્યભરમાં એન્જિનિયરિંગ અને ફાર્

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા આજે રાજ્યભરમાં એન્જિનિયરિંગ અને ફાર્મસીમાં પ્રવેશ માટેની મહત્વની ગણાતી GUJCET (ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ) ની પરીક્ષાનો ઉત્સાહભેર પ્રારંભ થયો છે. રાજ્યના અંદાજે 1.36 લાખથી વધુ વિદ્યાર્થીઓ આજે આ પરીક્ષા આપી રહ્યા છે. આ વર્ષે કુલ 1.36 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જેમાં A ગ્રુપના 58,406, B ગ્રુપના 77,074 જ્યારે AB ગ્રુપના 395 વિધાર્થીઓ પરીક્ષા આપશે. 

અમદાવાદ અને રાજકોટમાં કડક આયોજન

અમદાવાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં કુલ 18,106 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે, જે માટે 89 બિલ્ડિંગના 910 બ્લોક ફાળવવામાં આવ્યા છે. ઉસ્માનપુરાની વિદ્યાનગર સ્કૂલ ખાતે DEO એ જાતે હાજર રહી વિદ્યાર્થીઓને ફૂલ આપી પ્રોત્સાહિત કર્યા હતા. બીજી તરફ, રાજકોટમાં 46 કેન્દ્રો પર 9,306 પરીક્ષાર્થીઓ નોંધાયા છે.

ત્રણ તબક્કામાં પરીક્ષાનું આયોજન

પરીક્ષા સવારે 10:00 વાગ્યે શરૂ થઈ છે અને સાંજે 5:00 વાગ્યા સુધી ચાલશે. પ્રથમ તબક્કામાં ફિઝિક્સ અને કેમેસ્ટ્રીનું સંયુક્ત પેપર લેવામાં આવ્યું હતું, જ્યારે બપોર પછીના સત્રમાં બાયોલોજી અને મેથ્સના પેપર લેવામાં આવશે. વિદ્યાર્થીઓને સવારે 9:30 વાગ્યા સુધીમાં કેન્દ્ર પર પ્રવેશ આપી દેવામાં આવ્યો હતો.

પરીક્ષાની પારદર્શિતા જળવાઈ રહે તે માટે તમામ 8,450 બ્લોકમાં CCTV કેમેરા દ્વારા નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. દરેક કેન્દ્ર પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને ગરમી કે અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓને પહોંચી વળવા આરોગ્યની ટીમો પણ કાર્યરત છે. ડિગ્રી એન્જિનિયરિંગ, ડિગ્રી-ડિપ્લોમા ફાર્મસીમાં પ્રવેશ મેળવવા ઈચ્છતા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે આ પરીક્ષાના ગુણ અત્યંત નિર્ણાયક સાબિત થશે. તમામ કેન્દ્રો પર શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા ચાલી રહી છે.

આ સમાચાર શેર કરો