અમદાવાદ: સત્યાગ્રહ છાવણીના 4 બંગલા માલિકોને હાઈકોર્ટે ફટકાર્યો મોટો દંડ, જાણો શું છે મામલો
Ahmedabad News: અમદાવાદ શહેરના બોડકદેવ વિસ્તારમાં આવેલી પોશ સોસાયટી સત્યાગ્રહ છાવણીના 4

Ahmedabad News: અમદાવાદ શહેરના બોડકદેવ વિસ્તારમાં આવેલી પોશ સોસાયટી સત્યાગ્રહ છાવણીના 4 બંગલા માલિકોને હાઈકોર્ટે મોટો દંડ ફટકાર્યો છે, આ સાથે જ અમદાવાદ મહાનગરપાલિકાના રોડ પહોળા કરવાનો માર્ગ મોકળો કરી આપ્યો છે.
રોડ પહોળો કરવાના પ્રોજેક્ટ સામે હાઈકોર્ટમાં કરી હતી અરજી
બોડકદેવ વિસ્તારમાં આવેલી પોશ સોસાયટી સત્યાગ્રહ છાવણીના 4 બંગલા માલિકોએ રોડ પહોળો કરવાના અમદાવાદ મહાનગરપાલિકાના પ્રોજેક્ટ સામે હાઈકોર્ટમાં અરજી કરી હતી. આ 4 બંગલાના માલિકો અગાઉ જમીનનો અમુક હિસ્સો આપી ચૂક્યા છે તેવી દલીલ કરીને રોડ પહોળો કરવાના પ્રોજેક્ટના અમલીકરણને રોકવા માટે દાવો કરી રહ્યા હતા.
હાઈકોર્ટે અરજી ફગાવી દરેકને રૂ.25000નો કર્યો દંડ
આ કેસમાં અમદાવાદ મહાનગરપાલિકા તરફથી હાજર રહેલા સરકારી વકીલ જી.એચ. વિર્કે દલીલ કરી હતી કે કોર્ટ સમક્ષ માત્ર આ 4 અરજદારોએ જ રોડ પહોળો કરવાનું કામ અટકાવી દીધું હતું. અન્ય રહીશો રસ્તાની સામે આવેલા બંગલાના અનધિકૃત બાંધકામ તોડી પાડવા માટે સહકાર આપી રહ્યા હતા. પરંતુ આ 4 અરજદારોએ ખોટી વિગતો રજૂ કરીને હાઈકોર્ટને પણ ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો છે.
હાઈકોર્ટે વકીલની દલીલો સાંભળીને સત્યાગ્રહ છાવણીના 4 બંગલા માલિકોની અરજીને ફગાવીને દરેકને રૂ.25000નો દંડ ફટકાર્યો છે. આ સાથે નોંધ્યું કે અરજદારોનીની અરજી સંપૂર્ણ રીતે કોર્ટના સમયનો બગાડ કરનારી છે.






