Ahmedabad news: ગુજરાત FDCAએ બે ફેક્ટરીઓના દવાના જથ્થાના બેચ પર લગાવ્યો પ્રતિબંધિત
મધ્યપ્રદેશમાં ઝેરી કફ સીરપ પીવાથી 16 બાળકોના મોત થયા છે, ત્યારે ગુજરાતના FDCAએ બે ફેક્ટરીઓના દવા

મધ્યપ્રદેશમાં ઝેરી કફ સીરપ પીવાથી 16 બાળકોના મોત થયા છે, ત્યારે ગુજરાતના FDCAએ બે ફેક્ટરીઓના દવાના જથ્થાના બેચને પ્રતિબંધિત કર્યો છે. ડાયથિલીન ગ્લાયકોલ જેવા તત્વો મળતાં વેચાણ પર પ્રતિબંધ મુકાયો છે.ગુજરાતમાંથી સપ્લાય થયેલા જથ્થાને પરત ખેંચવાનો આદેશ અપાયો છે. રિટેલરોને આ સિરપનું વેચાણ બંધ કરવાની સૂચના આપવામાં આવી છે.
મધ્ય પ્રદેશમાં કફ સિરપને કારણે મૃત્યુ પામેલા બાળકોની સંખ્યા વધીને ૧૬એ પહોંચી ગઇ છે. આ સ્થિતિ વચ્ચે હવે અન્ય રાજ્યોમાં પણ કફ સિરપને લઇને ફફડાટ વધ્યો છે. મ. પ્રદેશ, ગોવા, હરિયાણા, હિમાચલ, કર્ણાટક, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને ઉત્તરાખંડ બાદ પંજાબે પણ કોલ્ડરિફ કફ સિરપ પર પ્રતિબંધ મુક્યો છે. એવામાં સુપ્રીમ કોર્ટમાં જાહેર હિતની અરજી થઇ છે અને આ કફ સિરપ મુદ્દે ઉચ્ચસ્તરીય તપાસના આદેશની માગ કરાઇ છે. જ્યારે મધ્ય પ્રદેશમાં અનેક બાળકોનો ભોગ લેનારા ઝેરી કફ સિરપનું ગુજરાત કનેક્શન સામે આવ્યું છે.
કફ સિરપ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં વકીલ દ્વારા કરાયેલી જાહેર હિતની અરજીમાં માગ કરાઇ છે કે કોર્ટની દેખરેખરમાં આ સિરપકાંડની તપાસ થવી જોઇએ. જે પણ રાજ્યોમાં ઝેરી કફ સિરપ પિવાને કારણે બાળકોના મોત થયા હોય અને એફઆઇઆર દાખલ થઇ હોય તે તમામ મામલાની તપાસ સીબીઆઇને સોંપવામાં આવે. સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશની દેખરેખરમાં આ તપાસ થવી જોઇએ. ફરી આવી ઘટનાઓ બનતી અટકાવવા માટે દેશભરમાં એક ચોક્કસ માળખુ હોવું જોઇએ. જે માળખુ હાલ છે તેની પણ ચકાસણી કરવામાં આવે.
મધ્ય પ્રદેશના છિંદવાડા જિલ્લામાં ઝેરી કફ સિરપથી ૧૬થી વધુ બાળકો માર્યા ગયા છે. આ વચ્ચે શ્રીસન ફાર્માસ્યૂટિકલની ફેક્ટ્રી પર આધારિત તમિલનાડુની રિપોર્ટે સૌને ચોંકાવી દીધા છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે કંપનીએ કફ સિરપ બનાવવામાં ૩૫૦ નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. તમિલનાડુ ઔષધિ નિયંત્રણ વિભાગ દ્વારા આ રિપોર્ટ તૈયાર કરાયો છે. જેમાં વધુમાં જણાવાયું છે કે કંપનીમાં ભારે ગંદકી વચ્ચે સિરપ બનાવાયું, કુશળ કામદારો કે કર્મચારીઓ, મશીનરી સહિતની સુવિધાનો મોટો અભાવ જોવા મળ્યો. ક્વોલિટીની ચકાસણી કરતા વિભાગ દ્વારા કોઇ કાર્યવાહી ના થઇ.






