ગુજરાતમાં ભાજપને 'ભરતી મેળો' નડ્યો, મૂળ કોંગ્રેસીઓએ જ સરકારને ઘેરી
વિશ્વની સૌથી મોટી પાર્ટી બનાવવાની લ્હાયમાં પક્ષપલટુઓ માટે કમલમમાં રેડ કાર્પેટ પાથરવામાં આવી છે જ્યારે સંનિષ્ઠ-પાયાના કાર્યક

વિશ્વની સૌથી મોટી પાર્ટી બનાવવાની લ્હાયમાં પક્ષપલટુઓ માટે કમલમમાં રેડ કાર્પેટ પાથરવામાં આવી છે જ્યારે સંનિષ્ઠ-પાયાના કાર્યકરોને હાંસિયામાં ધકેલી દેવાયા છે. જોકે, હવે ભાજપને ભરતી મેળો નડી રહ્યો છે કેમકે, મૂળ કોંગ્રેસીઓએ સરકાર જ નહીં, પક્ષ સામે પણ મોરચો માંડ્યો છે. અત્યારે તો પક્ષપલટુઓના અસંતોષની રાજકીય જ્વાળાથી ભાજપનું ઘર સળગ્યુ હોય તેવી સ્થિતિ નિર્માણ થઇ છે.
આ પરિસ્થિતિને થાળે પાડવા માટે ભાજપમાં હાલ કોઇ ટ્રબલ શૂટર સુકાની જ નથી. રણીધણી વિનાના કમલમનું એન્જિન ક્યારે જોડાશે તે હજુય નક્કી નથી. આ ઉપરાંત ભાજપમાં જૂથવાદ પણ ફુંફાડા મારી રહ્યો છે. આ જોતા ગુજરાતમાં ભાજપની શિસ્તના લીરેલીરે ઉડ્યાં છે.
ભાજપમાં કોંગ્રેસીઓએ લીધો ઉપાડો
ભાજપમાં હાલ મૂળ કોંગ્રેસીઓએ ઉપાડો લીધો છે જેના લીધે ખુદ ભાજપ ભીંસમાં મુકાયુ છે. પૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડા ઘણાં વખતથી ભાજપથી ભારોભાર નારાજ છે. મૂળ કોંગ્રેસી જવાહર ચાવડાએ કમલમ પણ ગેરકાયદેસર રીતે બંધાયુ છે તેવો પર્દાફાશ કર્યો છે. આ તરફ, મૂળ કોંગ્રેસી અને પૂર્વ ધારાસભ્ય હર્ષદ રિબડીયા ગીર ઇકો ઝોન મામલે સરકાર સામે મેદાને પડ્યાં છે. રિબડીયાનું કહેવુ છે કે, ઇકો ઝોન જાહેર તો કર્યો પણ ખેડૂતોને મોટુ નુકસાન થશે. જો અમે વિરોધ નહીં કરીએ તો, આવનારી પેઢી અમને માફ નહીં કરે. જગતના તાતને નુકસાન થઇ રહ્યુ હોય તો વિરોધ કરવામાં શું વાંધો હોઇ શકે.
મૂળ તો કોંગ્રેસી ધારાસભ્ય પ્રદ્યુમન સિંહની ફરિયાદ છે કે GMDC સંચાલિત થર્મલ પ્લાન્ટમાંથી 300 સ્થાનિકોને છુટા કરી દેવાયા છે. ઉદ્યોગો સ્થાનિકોને રોજગારી આપવા સક્ષમ નથી તો પછી વાઇબ્રન્ટ ગુજરાત થકી રોજગારીના બણગાં ફુંકવા પાછળનું કારણ શું? મુખ્યમંત્રીએ ફરિયાદ ન સાંભળતા પ્રદ્યુમન સિહ રાજ્યપાલને મળીને આ સઘળી રજૂઆત કરી આવ્યાં છે.
માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ પણ સરકાર સામે મોરચો માંડ્યો છે કેમકે, જૂનાગઢ વિસ્તારમાં ભારે વરસાદથી ખેતીને વ્યાપક નુકસાન થયું છે ત્યારે ખેતીવાડીના અધિકારીઓએ સર્વે જ કર્યું નથી. અધિકારીઓ પર હવે ભરોસો જ નથી. કશુ કામ કરતાં નથી. ટૂંકમાં, ભાજપને હવે ભરતી મેળો નડી રહ્યો છે. મૂળ કોંગ્રેસીઓએ ભાજપને ઘેરી છે જેથી શિસ્તના લીરેલીરા ઉડ્યાં છે.








