Junagadh: ગિરનારની લીલી પરિક્રમા પર સંકટ, વરસાદથી 36 કિ.મી.ના રસ્તા ધોવાયા, રદ થવાની ભીતિ
આગામી 31મી ઓક્ટોબરે યોજાનારી જૂનાગઢની ધાર્મિક અને પવિત્ર ગિરનાર લીલી પરિક્રમા

આગામી 31મી ઓક્ટોબરે યોજાનારી જૂનાગઢની ધાર્મિક અને પવિત્ર ગિરનાર લીલી પરિક્રમા પર કમોસમી વરસાદના કારણે ગંભીર સંકટના વાદળો ઘેરાયા છે. સમાચાર મુજબ, ગિરનારના જંગલમાં વનતંત્ર દ્વારા માંડ માંડ રીપેર કરવામાં આવેલા 36 કિલોમીટર લાંબા પરિક્રમા માર્ગનું ભારે વરસાદને કારણે ફરી ધોવાણ થઈ ગયું છે. થોડા દિવસો પહેલા જ કલેક્ટર સહિતના ઉચ્ચ અધિકારીઓએ સ્થળ નિરીક્ષણ કરી રસ્તાઓનું સમારકામ પૂર્ણ કરાવ્યું હતું.
હાલની પરિસ્થિતિ જોતાં, વન વિભાગે તમામ અન્નક્ષેત્ર સંચાલકોને અપીલ કરી છે કે જ્યાં સુધી તંત્ર દ્વારા મંજૂરી ન મળે ત્યાં સુધી પરિક્રમા રૂટ પર કોઈએ વાહન લાવવા નહીં કે પ્રવેશ કરવો નહીં. જો વરસાદ યથાવત રહેશે, તો પરિક્રમા રદ કરવાની નોબત આવી શકે છે. વહીવટી તંત્ર આગામી 31મી ઓક્ટોબરે પરિક્રમા અંગે સત્તાવાર નિર્ણય લેશે.
વન વિભાગે જણાવ્યું છે કે, જો આગાહી મુજબ હજુ ભારે વરસાદ પડશે, તો પરિક્રમા બંધ રાખવાની ફરજ પડી શકે છે. આ સંજોગોમાં, આગામી 2જી નવેમ્બરથી શરૂ થનારી પરિક્રમાની તૈયારીના ભાગરૂપે અન્નક્ષેત્ર સંચાલકોને પણ હાલમાં રૂટ પર જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
વન વિભાગે પરિક્રમા કરવા આવતા તમામ યાત્રિકોને સ્પષ્ટ અપીલ કરી છે કે, જ્યાં સુધી તંત્ર દ્વારા સત્તાવાર જાહેરાત ન થાય ત્યાં સુધી કોઈ યાત્રિક પરિક્રમાના આશયથી જૂનાગઢ ન આવે. તંત્રએ એ પણ ભીતિ વ્યક્ત કરી છે કે જો વરસાદ ચાલુ રહેશે તો બાળકો અને વડીલોને પરિક્રમા કરવી મુશ્કેલ બનશે. આગામી 31મી ઓક્ટોબરે વરસાદની સ્થિતિ જોઇને પરિક્રમા અંગે અંતિમ નિર્ણય લેવામાં આવશે.






