Gir Somath: ડબલ મર્ડર કરનાર સીરિયલ કિલરનો પર્દાફાશ, લૂંટના ઇરાદે હત્યાને આપતો અંજામ

ગીર સોમનાથ જિલ્લા પોલીસ વડાએ એક સનસનાટીપૂર્ણ ડબલ મર્ડર કેસનો ઘટસ્ફોટ કર્યો છે. વેરાવળમાં થોડા સમય પહેલા એક મહિલાના શંકાસ્પદ મોતનો મામલો હવે હત્યામાં પરિણમ્યો છે, અને પોલીસે એક સીરિયલ કિલર યુવકની ધરપકડ કરી છે. આ યુવક લૂંટના ઈરાદે હત્યાને અંજામ આપતો હોવાનું સામે આવ્યું છે.
પોલીસના સકંજામાં આવેલો આ યુવક માત્ર 10 ધોરણ પાસ છે અને તે એક હોસ્પિટલમાં કમ્પાઉન્ડર તરીકે નોકરી કરતો હતો. આ નોકરીના માધ્યમથી તે લોકોને નિશાન બનાવતો હતો. વેરાવળના હુડકો સોસાયટી વિસ્તારમાં રહેતી એક મહિલાને આ સીરિયલ કિલરે એનેસ્થેસિયાનો ઓવરડોઝ આપીને મોતને ઘાટ ઉતારી હતી. મહિલાની હત્યા કર્યા બાદ તેના ગળામાંથી સોનાનો ચેઇન અને બુટ્ટી લૂંટી લીધા હતા. ઉપરાંત ચાર મહિના પહેલા આ યુવકે પોતાના જ એક મિત્રને નિશાન બનાવ્યો હતો. તેણે દારૂમાં મોર્ફિનની ગોળીઓ નાખીને પોતાના મિત્રને ખવડાવી દીધી હતી, જેના કારણે મિત્રનું મોત થયું હતું. જે બાદ હત્યારાએ તેની પાસેથી એકાદ લાખ રૂપિયાની રોકડ રકમ લૂંટી હતી. આરોપી લોકોના ઘરે જઈને સારવાર અથવા બ્લડ સેમ્પલ લેવાના બહાને જતો અને હત્યાને અંજામ આપતો હતો પોલીસે હાલ યુવકને ઝડપી પાડીને તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને અન્ય કોઈ ગુનામાં તેની સંડોવણી છે કે કેમ તે દિશામાં વધુ તપાસ ચાલી રહી છે.

