Gir Somnath: ધારાસભ્યના નામે બુટલેગરે લખેલ કથિત પત્ર વાયરલ, "તમે કીધું એટલે જ મેં દારૂનો ધંધો શરૂ કર્યો"

ગીર સોમનાથથી એક ધારાસભ્ય બુટલેગરના કથિત પત્રના મામલે ચર્ચાનો વિષય બન્યા છે. જેમાં ઉનાના ધારાસભ્ય કાળુ રાઠોડના નામે એક પત્ર વાયરલ થયો છે. મળતી માહિતી પ્રમાણે બુટલેગર ભગુ જાદવે લખેલો આ કથિત પત્ર વાયરલ થયો છે. વાયરલ પત્રમાં બુટલેગર અને ધારાસભ્યની દારૂમાં ભાગીદારીની હોવાની ચર્ચા છે.
તમે કીધું એટલે જ મેં દારૂનો ધંધો શરૂ કર્યો: ભગુ જાદવ
આ પત્રમાં ભગુ જાદવે ધારાસભ્ય પાસે દારૂના હિસાબની વાતનો ઉલ્લેખ કર્યો છે. બુટલેગર ધારાસભ્ય રાઠોડને પૈસા આપવા માંગતો હોવાની વાત કરી છે. ભગુ જાદવે લખ્યું છે કે, 'હું દારૂના ધંધાના પૈસા ચૂકવવા તૈયાર છું. જેલમાંથી છૂંટીને હું તમને દારૂનો હિસાબ કરી આપીશ. તમે કીધું એટલે જ મેં દારૂનો ધંધો શરૂ કર્યો હતો. પણ તમારા પૈસા ન ચૂકવાતા તમે મને પકડાવી દીધો.'

નોધનીય છે કે, બુટલેગર ભગુ જાદવ હાલમાં જૂનાગઢ જેલમાં બંધ છે. ભગુ જેલમાં બંધ હોવા છતાં પણ તેનો કથિત પત્ર વાયરલ થયો છે. તો આ પત્ર કોણે લખી આપ્યો તે અહીં મોટો સવાલ છે.
કથિત પત્ર પર ધારાસભ્ય કાળુ રાઠોડની પ્રતિક્રિયા
આ કથિત પત્ર પર ધારાસભ્ય કાળુ રાઠોડે જણાવ્યું કે, 'ભગુ જાદવ વિશે મેં જ પોલીસ સમક્ષ ફરિયાદ કરી હતી. જૂનાગઢ જેલમાં ગોરખધંધા ચાલે છે, તેની ફરિયાદ કરી હતી. આ ફરિયાદને ધ્યાનમાં રાખીને ખોટી રીતે પત્ર વાયરલ કરવામાં આવ્યો છે.'

