ગીરગઢડાના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ચાલુ પગારે ગેરહાજર રહેનારા 2 કર્મચારીઓને કરાયા ઘરભેગા
Gir Gadhada Community Health Center 2 employees laid off | ગીર સોમનાથ જિલ્લાના ગીરગઢડાના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ગેરહાજર રહેનારા 2 કર્મચારીઓ પગાર લેત

ગીર સોમનાથ જિલ્લાના ગીરગઢડાના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ગેરહાજર રહેનારા 2 કર્મચારીઓ પગાર લેતા હોવાની ફરિયાદ સામે આવતા તેમને તત્કાલ છુટ્ટા કરી ઘરભેગા કરી દેવામાં આવ્યા છે.
પૂર્વ અધિક્ષકના પત્નીને પટ્ટાવાળામાંથી સીધો ECGનો ચાર્જ અપાયો
ગીરગઢડા સામૂહિક આરોગ્ય કેન્દ્ર સામે સવાલો ઉઠયા છે, જેની ફરિયાદ બાદ આરોગ્ય કેન્દ્રના અધિકક્ષક દ્વારા તપાસ કરતા 2 કર્મચારીઓ ફરજ પર આવતા જ ન હોવાનું અને પગાર લેતા હોવાનું સામે આવ્યું છે. ચોંકાવનારો ખુલાસો ત્યારે થયો જ્યારે એ જાણવા મળ્યું કે આ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ના પૂર્વ અધિક્ષકના પત્ની પટાવાળા તરીકે કામ કરતા હતા તેનાથી ચોંકાવનારી બાબત એ છે કે પટાવાળા બાદ તે ECGનો ચાર્જ સંભાળતા હતા. આ ઉપરાંત તેઓ આરોગ્ય કેન્દ્રમાં ફરજ પર હાજર રહેતા ન હતા અને પગાર લેતા હતા.
નવા અધિક્ષકને ફરિયાદ કર્યા બાદ ભાંડો ફૂટ્યો
આ સમગ્ર ઘટનાનો ભાંડો ત્યારે ફૂટ્યો જ્યારે અહીંના અધિક્ષકને હટાવી ત્રણ મહિના પહેલા નવા અધિક્ષકની નિમણૂંક કરવામાં આવી. ત્યારબાદ ભારતીય કિશાન સંઘના જિલ્લા પ્રમુખ દ્વારા આ સમગ્ર મામલે ફરિયાદ કરી હતી કે સામુહિક આરોગ્ય કેન્દ્રમાં 3 જેટલા કર્મચારીઓ ફરજ પર હાજર રહેતા નથી અને આમ છતાં પગાર લે છે. તપાસ કરતા સામુહિક આરોગ્ય કેન્દ્રના પૂર્વ અધિક્ષકના પત્ની અને એક પ્લમ્બર ફરજ પર હાજર રહેતા ન હતા. આથી બંનેને તાત્કાલિક ધોરણે છુટ્ટા કરી દેવામાં આવ્યા છે.
પૂર્વ અધિક્ષકના પત્નીની ભરતી કોણે કરી?
અહીં સવાલો એ ઉઠી રહ્યા છે કે સામુહિક આરોગ્ય કેન્દ્રના પૂર્વ અધિક્ષકના પત્નીની ભરતી કોણે અને કેવી રીતે કરી હતી? ક્યાં આધારે તેમને પટ્ટાવાળામાંથી સીધો ECGનો ચાર્જ સોંપવામાં આવ્યો હતો? જો તટસ્થ તપાસ થાય તો આ સમગ્ર મામલે હજી ચોંકાવનારા ખુલાસા થાય એમ છે.






