BHARUCH : દહેજમાં ગેસ ગળતરની ઘટનામાં મૃતકોના પરિવારને મળશે 40 લાખનું વળતર
ભરૂચ જિલ્લાના દહેજમાં આવેલી GFL કંપનીમાં ગેસ ગળતરની ઘટનામાં સાંસદ

ભરૂચ જિલ્લાના દહેજમાં આવેલી GFL કંપનીમાં ગેસ ગળતરની ઘટનામાં સાંસદ અને ધારાસભ્યએ કંપનીની મુલાકાત લઈ માહિતી મેળવવા સાથે મૃતકોના પરિવારજનોને સહાય વધારવાની રજૂઆત કરતા કંપની દ્વારા દસ લાખનો વધારો કરવામાં આવ્યો છે, જેથી હવે મૃતકોના પરિવારને રૂ.40 લાખ વળતર રૂપે ચુકવવામાં આવશે.
ચાર કામદારોના મોત થયા હતા
દહેજ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલ GFL કંપનીમાં ગેસ ગળતરની ઘટનામાં ચાર કામદારોના મૃત્યુ થયા હતા.ઘટનાની ગંભીરતા જોતા સાંસદ મનસુખભાઈ વસાવા, ધારાસભ્ય અરૂણસિંહ રણાએ કંપનીની મુલાકાત લીધી હતી. તેમણે અધિકારીઓ, અંભેટા ગામના સરપંચ સહિત અન્યોને સાથે રાખી કંપનીની મુલાકાત લઈ કંપનીના અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી તેમજ મૃતકોના સ્વજનોને સાંત્વના પાઠવી હતી. આ સાથે કંપની સત્તાધીશોને વળતર વધારવા અંગે રજૂઆત પણ કરી હતી. આ બનાવની નિષ્પક્ષ તપાસની પણ તાકીદ કરી સાંસદે આગામી દિવસોમાં અદ્યતન હોસ્પિટલ માટે પણ સરકારમાં રજૂઆત કરવાની ખાતરીઆપી હતી.
સેફટી એન્ડ હેલ્થ વિભાગની ટીમે તપાસ શરૂ કરી
બીજી બાજુ દહેજની GFL કંપનીમાં ગેસ ગળતરના કારણે 4 કામદારના મોતના મામલે સેફટી એન્ડ હેલ્થ વિભાગની ટીમે કંપનીમાં તપાસ હાથ ધરી છે. સેફટી એન્ડ હેલ્થ વિભાગની ટીમે કંપનીમાં પહોંચી ઘટના પાછળ ના કારણોની તપાસ હાથ ધરતા વિવિધ ડેટા ક્લેકટ કરવાની કવાયત હાથ ધરી છે .જે બાદ અહેવાલ તૈયાર કરી તેના આધારે કંપની સામે કાર્યવાહી કરવામાં આવશે.






