ગાંધીનગરમાં 70 ઇલેક્ટ્રિક બસોથી મુસાફરી બની સરળ: વિદ્યાર્થીઓ અને નોકરિયાતોને ઘરઆંગણે પરિવહન સુવિધા

ગાંધીનગરમાં જાહેર પરિવહન વ્યવસ્થાને વધુ સુવિધાજનક અને પર્યાવરણને અનુકૂળ બનાવવા માટે શરૂ કરાયેલી 'પીએમ-ઈબસ સેવા' (PM-eBus Sewa) મુસાફરો માટે ઉપયોગી સાબિત થઈ રહી છે. આ સેવા હેઠળ દોડતી 70 વાતાનુકૂલિત ઇલેક્ટ્રિક બસોના કારણે વિદ્યાર્થીઓ, નોકરિયાતો અને રોજિંદા મુસાફરોની મુસાફરી સરળ બની છે. રહેણાંક વિસ્તારોની નજીક બસ સ્ટોપ અને આસપાસના તાલુકાઓ સુધી સીધી કનેક્ટિવિટીને કારણે હજારો નાગરિકોના સમય અને નાણાંની બચત થઈ રહી છે.
સચિવાલયથી ગિફ્ટ સિટી સુધી બસ કનેક્ટિવિટી
ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા કાર્યરત કરવામાં આવેલી આ ઇલેક્ટ્રિક બસો શહેરના મહત્ત્વના સ્થળોને જોડે છે. તેમાં સચિવાલય, મહાત્મા મંદિર, ગિફ્ટ સિટી અને રેલવે સ્ટેશન ઉપરાંત કલોલ, દહેગામ અને માણસા જેવા તાલુકાઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત અમદાવાદના ચાંદખેડા, વૈષ્ણોદેવી અને ઇન્દિરા બ્રિજ સુધી પણ બસ સેવા ઉપલબ્ધ છે. ટેકનિકલ સપોર્ટ યુનિટ દ્વારા કરવામાં આવેલા આંકડાકીય અભ્યાસના આધારે રોજગાર અને શિક્ષણ માટે અવરજવર કરતા મુસાફરોની જરૂરિયાત મુજબ બસોના રૂટ અને સમય નક્કી કરવામાં આવ્યા છે. જેના કારણે મુસાફરોને તેમની દૈનિક અવરજવર માટે વધુ અનુકૂળ પરિવહન વિકલ્પ મળ્યો છે.
સુરક્ષા માટે CCTV, SOS અને ડિજિટલ ટિકિટિંગ
મુસાફરોની સુરક્ષા અને સુવિધાને ધ્યાનમાં રાખીને બસોમાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. બસમાં સીસીટીવી કેમેરા, ઇમરજન્સી માટે એસઓએસ (SOS) એલર્ટ અને ડિજિટલ ટિકિટિંગની સુવિધા આપવામાં આવી છે. દિવ્યાંગ મુસાફરોની સુવિધા માટે વ્હીલચેરને બસમાં ચઢાવવા-ઉતારવા હાઇડ્રોલિક પ્લેટફોર્મની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. રહેણાંક વિસ્તારોની નજીક બસ સ્ટોપ હોવાથી ખાસ કરીને દૂરથી અભ્યાસ માટે આવતા વિદ્યાર્થીઓને ઘર નજીકથી જ પરિવહન સુવિધા મળી રહી છે.
AC બસોમાં આરામદાયક અને કિફાયતી મુસાફરી
આ બસોમાં આરામદાયક બેઠકો અને ઉત્તમ એર કન્ડિશનિંગની સુવિધા ઉપલબ્ધ છે. પરવડે તેવા ભાડાને કારણે સામાન્ય મુસાફરો માટે પણ આ સેવા અનુકૂળ બની છે. પેટ્રોલ અને ડીઝલથી ચાલતાં વાહનોની સરખામણીએ ઇલેક્ટ્રિક બસો ધુમાડા વગર દોડતી હોવાથી સ્થાનિક સ્તરે હવાનું પ્રદૂષણ ઘટાડવામાં પણ મદદરૂપ બને છે.
સ્વચ્છ અને ટકાઉ જાહેર પરિવહન તરફ ગાંધીનગર
70 ઇલેક્ટ્રિક બસો દ્વારા ગાંધીનગર અને આસપાસના વિસ્તારો વચ્ચે કનેક્ટિવિટી મજબૂત બની છે. વિદ્યાર્થીઓ, નોકરિયાતો અને રોજિંદા મુસાફરોને સુરક્ષિત, આરામદાયક અને કિફાયતી મુસાફરીનો વિકલ્પ મળ્યો છે. આધુનિક સુવિધાઓ અને પ્રદૂષણમુક્ત પરિવહનને કારણે 'પીએમ-ઈબસ સેવા' ગાંધીનગરની જાહેર પરિવહન વ્યવસ્થામાં સ્વચ્છ અને ટકાઉ પરિવહન તરફનું મહત્ત્વપૂર્ણ પગલું બની રહી છે.













