રાજ્યના પશુપાલકો માત્ર ₹229 ભરીને ₹40,000 સુધીનું વીમા કવચ મેળવી શકશે, જાણો કયા-કયા પશુને આવરી લેવાયા?

રાજ્યના પશુપાલકો માત્ર ₹229 ભરીને ₹40,000 સુધીનું વીમા કવચ મેળવી શકશે, જાણો કયા-કયા પશુને આવરી લેવાયા?
તસવીર: Google
આ સમાચાર સાંભળો

ગુજરાતના લાખો પશુપાલકો માટે મહત્ત્વ નિર્ણય લેવામાં આવ્યો છે. 'નેશનલ લાઈવસ્ટોક મિશન' અંતર્ગત 'પશુધન વીમા સહાય યોજના’ અંતર્ગત પશુપાલક માત્ર રૂ. 229 પ્રતિ પશુ ચૂકવીને પોતાના પશુ માટે રૂ. 40,000 સુધીનું એક વર્ષનું વીમા કવચ મેળવી શકશે.

અચાનક પશુના મૃત્યુના કિસ્સામાં થતા આર્થિક લાભ મળશે

જાહેરાત

પશુધન એ પશુપાલકની આજીવિકાનો મુખ્ય આધાર હોવાથી, અચાનક પશુના મૃત્યુના કિસ્સામાં થતા આર્થિક નુકસાન સામે પશુપાલક પરિવારને રક્ષણ આપવું એ આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય છે. રાજ્યમાં અમલમાં મુકાયેલી આ વ્યવસ્થા મુજબ પશુપાલક માત્ર રૂ. 229 પ્રતિ પશુ ચૂકવીને પોતાના પશુ માટે રૂ. 40,000 સુધીનું એક વર્ષનું વીમા કવચ લઈ શકશે. પશુપાલકોને વીમા પ્રીમિયમમાં 85% એટલે કે, રૂ. 1300 પ્રતિ પશુની સહાય રાજ્ય સરકાર દ્વારા પૂરી પાડવામાં આવે છે.

કયા કયા પશુને આવરી લેવામાં આવ્યા?

આ યોજના હેઠળ પ્રતિ કુટુંબ ગાય, ભેંસ, ઘોડા, ગધેડા, ઊંટ, આખલા, બળદ અને પાડા જેવા મહત્તમ 10 મોટા પશુ અથવા 100 નાના પશુઓને વીમા કવચ હેઠળ આવરી લેવાની જોગવાઈ રાખવામાં આવી છે. વર્ષ 2026-27 માટે ભારત સરકાર દ્વારા ગુજરાત માટે રૂ. 250 લાખની જોગવાઈ મંજૂર કરવામાં આવી છે, જે પૈકી પ્રથમ હપ્તા તરીકે રૂ. 115 લાખની ફાળવણી થઈ ચૂકી છે. આ ઉપરાંત, રાજ્ય સરકાર દ્વારા રૂ. 55 લાખની 'રાજ્ય પુરસ્કૃત પશુધન વીમા સહાય યોજના' પણ મંજૂર કરાઈ છે.

અત્યાર સુધીમાં 87,147 પશુઓના વીમા માટે અરજીઓ મળી

વર્ષ 2026-27ના વર્ષમાં રાજ્યના 1,00,000 પશુઓને વીમા કવચ હેઠળ આવરી લેવાનો લક્ષ્યાંક નિર્ધારીત કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, અગાઉના વર્ષ દરમિયાન રાજ્યમાં 12,228 પશુપાલકોના 48,695 પશુઓને આ યોજના હેઠળ સુરક્ષિત કરવામાં આવ્યા હતા. વર્તમાન સ્થિતિએ રાજ્યના 'આઈ-ખેડૂત' પોર્ટલ પર અત્યાર સુધીમાં 87,147 પશુઓના વીમા માટે અરજીઓ પ્રાપ્ત થઈ ચૂકી છે. આ તમામ પાત્ર અરજીઓને વીમા કવચ હેઠળ આવરી લેવા માટે પશુપાલન વિભાગ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે.

પશુપાલકોએ શું ધ્યાન રાખવું?

રાજ્ય સરકાર દ્વારા રાજ્યના તમામ પશુપાલકોને અપીલ કરવામાં આવી છે કે, પશુધનની સુરક્ષા એ જ પશુપાલકના પરિવારની સાચી આર્થિક સુરક્ષા છે. પશુપાલકો પોતાના પાત્ર પશુઓનો સમયસર વીમો કરાવી લે, પશુનો ઓળખ ટેગ જાળવી રાખે અને નોંધણી સમયે જરૂરી સાચી વિગતો દર્શાવે, જેથી મુશ્કેલીના સમયે ત્વરિત સહાય મેળવી શકાય.

આ સમાચાર શેર કરો

જાહેરાત