Gandhinagar news: વડોદરા સહિત ત્રણ જિલ્લામાં નવા ભાજપ પ્રમુખોના નામની જાહેરાત, જાણો કોને સોંપાઈ જવાબદારી

ગુજરાત ભાજપ સંગઠનમાં મોટા પાયે ફેરફાર ચાલી રહ્યા છે, જિલ્લાઓમાં નવા પ્રમુખો, ઉપ પ્રમુખો અને મહા મંત્રીઓની નિમણૂક થઈ રહી છે. તેવામાં ભાજપે વધુ ત્રણ જિલ્લા વડોદરા, વાવ-થરાદ અને સુરેન્દ્રનગરમાં નવા જિલ્લા પ્રમુખોના નામની જાહેરાત કરી છે.
જેમાં વડોદરા જિલ્લામાં ડો. બળદેવ જીવાભાઇ બ્રહ્મભટ્ટ, વાવ થરાદ જિલ્લામાં ડો.નરેશ વિહાભાઈ ઠાકોર તેમજ સુરેન્દ્રનગર જિલ્લામાં હાર્દિક મેરુભાઈ ટમાલિયાની નિમણૂક કરી છે. તમામ ત્રણેય નેતાઓને તાત્કાલિક જવાબદારી સંભાળવા ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ દ્વારા આદેશ આપવામાં આવ્યો છે.

પંદરેક દિવસ અગાઉ વડોદરા શહેર ભાજપના નવા સંગઠનની કરાઈ હતી જાહેરાત
વડોદરા શહેર ભાજપના નવા સંગઠનની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. શહેર ભાજપ પ્રમુખ ડૉ. જયપ્રકાશ સોની દ્વારા તેમની નવી ટીમની જાહેરાત કરવામાં આવી હતી. આ નવા માળખામાં કુલ 45 હોદ્દેદારોના નામ જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં સંગઠનને મજબૂત કરવા માટે પાયાના કાર્યકરોને મહત્ત્વની જવાબદારી સોંપાઈ છે.
સંગઠનમાં 3 નવા મહામંત્રીઓ અને 8 ઉપપ્રમુખો નિમણૂક કરવામાં આવી છે, જેઓ વહીવટી અને સંગઠનાત્મક કામગીરી સંભાળશે. આ સિવાય વિવિધ મોરચાના પ્રમુખ તેમજ મહામંત્રીઓના નામોની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. આ નવી ટીમ આગામી સમયમાં સ્થાનિક અને રાજ્ય સ્તરની રાજકીય ગતિવિધિઓ અને ચૂંટણીઓમાં વડોદરા ભાજપનું નેતૃત્વ કરશે. કાર્યકરોમાં આ જાહેરાતને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

