ગુજરાત પોલીસમાં 12,993 જગ્યાઓ પર મેગા ભરતી: લોકરક્ષકની 12,752 અને PSIની 241 બેઠકો માટે જાહેરાત

ગુજરાત પોલીસમાં જોડાઈને સરકારી નોકરી મેળવવા ઇચ્છતા યુવાનો માટે મોટી ભરતીની જાહેરાત કરવામાં આવી હતી. લોકરક્ષક કેડરની અગાઉ જાહેર કરાયેલી 3,000 જગ્યાઓમાં મોટો વધારો કરવામાં આવ્યો હતો. ગૃહ વિભાગે વધારાની જગ્યાઓ મંજૂર કરતાં હવે લોકરક્ષક કેડરમાં કુલ 12,752 જગ્યાઓ પર સીધી ભરતી કરવામાં આવશે. આ ઉપરાંત PSI કેડરની 241 જગ્યાઓ માટે પણ ભરતી જાહેર કરાઈ છે. આમ, ગુજરાત પોલીસમાં બંને કેડર મળીને કુલ 12,993 જગ્યાઓ ભરવામાં આવશે.
ગુજરાત પોલીસ ભરતી બોર્ડે 20 નવેમ્બર, 2026ના રોજ લોકરક્ષક કેડરની ભરતી અંગે જાહેરાત કરી હતી. ત્યારબાદ ગૃહ વિભાગ દ્વારા વધારાની જગ્યાઓ મંજૂર કરવામાં આવતાં 23 નવેમ્બરે સુધારેલી જગ્યાઓની વિગતો જાહેર કરવામાં આવી છે. ભરતી બોર્ડના અધ્યક્ષ અને પોલીસ મહાનિર્દેશક દ્વારા આ અંગે જાહેરાત કરવામાં આવી હતી.
PSI કેડરમાં 241 જગ્યાઓ પર ભરતી
લોકરક્ષક કેડરની સાથે PSI કેડરમાં પણ ભરતીની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડની જાહેરાત ક્રમાંક GPRB/202627/4 મુજબ PSI કેડરની કુલ 241 જગ્યાઓ ભરવામાં આવશે. આ ભરતી માટે ઉમેદવાર પાસે માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતકની ડિગ્રી હોવી જરૂરી છે. ઉમેદવારો પાસેથી માત્ર ઓનલાઇન માધ્યમથી જ અરજીઓ સ્વીકારવામાં આવશે.
ભરતીની નવી સૂચનાઓ માટે કઈ વેબસાઇટ જોવી?
લોકરક્ષક કેડરની જગ્યાઓમાં વધારો કરાયા બાદ અગાઉની ભરતીની અન્ય સૂચનાઓ યથાવત્ રાખવામાં આવી છે. ભરતીને લગતી અરજી પ્રક્રિયા, આગળની સૂચનાઓ અને અન્ય વિગતો માટે ઉમેદવારોએ ગુજરાત પોલીસ ભરતી બોર્ડ તથા OJASની સત્તાવાર વેબસાઇટ પર નજર રાખવી પડશે.
ગુજરાત પોલીસ ભરતી બોર્ડ: https://gprb.gujarat.gov.in
OJAS: https://ojas.gujarat.gov.in
લોકરક્ષક ભરતીની અરજી તારીખ અને સંવર્ગવાર જગ્યાઓ ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા લોકરક્ષક કેડરની જાહેરાત ક્રમાંક GPRB/202627/1 અન્વયે વિગતવાર સૂચનાઓ બહાર પાડવામાં આવી છે. આ ભરતી માટે ઉમેદવારોએ 26.11.2026 (બપોરના 14:00 કલાક) થી 16.12.2026 (રાત્રિના 23:59 કલાક સુધી) દરમિયાન https://ojas.gujarat.gov.in વેબસાઇટ પર માત્ર ઓનલાઇન માધ્યમથી અરજી કરવાની રહેશે.
લોકરક્ષક કેડરની કુલ 12,752 જગ્યાઓ
બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલની 8233
હથિયારી પોલીસ કોન્સ્ટેબલની 1132
હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (S.R.P.F.) ની 3107
જેલ સિપાઈ (પુરુષ) ની 251
જેલ સિપાઈ (મહિલા / મેટ્રન) ની 29 જગ્યા
માજી સૈનિક ઉમેદવારોને કુલ જગ્યાના 10% લેખે અનામત મળવાપાત્ર છે.
PSI ભરતી અને શૈક્ષણિક લાયકાતની વિગતો
ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા PSI કેડરની કુલ 241 જગ્યાઓ ભરવામાં આવશે, જેના માટે ઉમેદવાર પાસે માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતકની ડિગ્રી હોવી જરૂરી છે. બીજી તરફ, લોકરક્ષક કેડર માટે ઉમેદવારો ધોરણ 12 પાસ અથવા સરકાર માન્ય સમકક્ષ પરીક્ષા પાસ હોવા જરૂરી છે. 16.12.2026 ના રોજ ઉમેદવારની ઉંમર 18 વર્ષથી ઓછી અને 33 વર્ષથી વધુ ન હોવી જોઈએ, જ્યારે અનામત વર્ગો, મહિલાઓ, રમતવીરો અને માજી સૈનિકોને નિયમાનુસાર વયમર્યાદામાં છૂટછાટ મળશે.
પરીક્ષા પદ્ધતિ, ફી અને વેતન અંગેના મહત્ત્વના નિયમોલોકરક્ષક કેડરની ભરતી પ્રક્રિયામાં પ્રથમ તબક્કામાં શારીરિક કસોટી (Physical Test) અને બીજા તબક્કામાં Objective MCQ Test યોજાશે. MCQ પરીક્ષામાં Part-A (80 ગુણ) અને Part-B (120 ગુણ) મળી કુલ 200 ગુણ અને 200 પ્રશ્નો રહેશે, જેમાં 0.25 નેગેટિવ માર્કિંગ તેમજ "Not Attempted" (Option "E") ની જોગવાઈ છે. જનરલ કેટેગરીના ઉમેદવારોએ રૂ. 100 ફી ઉપરાંત લાગુ પડતા બેંક સર્વિસ ચાર્જ ઓનલાઇન ભરવાના રહેશે, જ્યારે અનામત વર્ગો અને માજી સૈનિકોએ ફી ભરવાની નથી. ઓનલાઇન ફી ભરવાની છેલ્લી તારીખ 19.12.2026 (રાત્રિ 23:59 કલાક) છે. પસંદગી પામેલા લોકરક્ષક સંવર્ગના ઉમેદવારોને કરાર દરમિયાન માસિક રૂ. 26,000/- ફિકસ્ડ વેતન મળવાપાત્ર થશે. વધુ માહિતી માટે ઉમેદવારો https://gprb.gujarat.gov.in અને https://ojas.gujarat.gov.in વેબસાઇટ તેમજ ટોલ ફ્રી નંબર 1800 233 5500 પર સંપર્ક કરી શકે છે.












