ધારાસભ્યનું વિવાદાસ્પદ નિવેદન: રેતી-માટી ચોરીના મામલે પરિવારના સભ્યોના બચાવની વાતથી વિવાદ

ધારાસભ્યનું વિવાદાસ્પદ નિવેદન: રેતી-માટી ચોરીના મામલે પરિવારના સભ્યોના બચાવની વાતથી વિવાદ
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

ભાજપના સ્નેહમિલન કાર્યક્રમમાં ડભોઈના ધારાસભ્ય શૈલેષ સોટ્ટાના નિવેદનથી રાજકીય વર્તુળોમાં ચર્ચા જાગી છે. છોટાઉદેપુરમાં રેતી અને માટીની ચોરીના મુદ્દે વાત કરતાં તેમણે પરિવારના સભ્યો સંડોવાયેલા હશે તો તેમનો બચાવ કરવામાં આવશે તેમ જણાવી રેતી ખનન કરનારાના બચાવમાં જાહેરમાં નિવેદન કરતા વિવાદ સર્જાયો છે. જેની ગંભીર નોંધ પ્રદેશ કક્ષાએ પણ લેવાઈ હોવાનું જાણવા મળે છે.

હું ડંકાની ચોટ પર કહું છું કે પરિવારના સભ્યો હશે તો બચાવી લેવાશે: ધારાસભ્ય

છોટાઉદેપુર વિસ્તારમાં રેતી ચોરીના મામલે સીઆઈડીમાં અરજી કરવામાં આવી છે અને તપાસ ચાલી રહી હોવાનો દાવો પણ તેમણે કર્યો હતો. ધારાસભ્યના આ નિવેદનથી ખનન ચોરી સામેની કાર્યવાહી અને તેમાં સંડોવાયેલા લોકોને બચાવવાના સંકેત અંગે સવાલો ઊભા થયા છે. ડભોઈ ખાતે યોજાયેલા સ્નેહ સંમેલનમાં ભાજપના ધારાસભ્ય શૈલેષ સોટ્ટાએ જણાવ્યું હતું કે, છોટાઉદેપુરમાં માટી અને રેતી ચોરી અંગે સીઆઈડીને અરજી કરવામાં આવી છે અને તેની તપાસ પણ ચાલી રહી છે. આ મામલે અમારી પાસે રેકોર્ડ છે. 'જ્યાં સુધી આપણા પરિવારના સભ્યો હશે ત્યાં સુધી તેમનો બચાવ કરવામાં આવશે. હું ડંકાની ચોટ પર સમજી વિચારીને આ બોલું છું.'

જાહેરાત

ધારાસભ્ય સોટ્ટા : ભાજપના અમુક નેતા એમ માને છે કે સંઘ કે વીએચપીના અગ્રણી પાછળ ફરીશું તો ટિકિટ મળી જશે

આ ઉપરાંત ધારાસભ્યએ પક્ષમાં ટિકિટ મેળવવાની દાવેદારી કરતા કેટલાક લોકોની કાર્યશૈલી પર પણ કટાક્ષ કર્યો હતો. માત્ર હોર્ડિંગ લગાવવાથી કે 500 ગ્રામ મીઠાઈ મોકલવાથી લોકો ખરીદાઈ જાય અને ટિકિટ મળી જાય તેવી માન્યતા સામે તેમણે સવાલ ઉઠાવ્યા હતા. ધારાસભ્યએ ટિકિટવાંચ્છુઓ અંગે જણાવ્યું કે, અમુક નેતા, સંઘના કે વિશ્વ હિન્દુ પરિષદના નેતાઓની પાછળ ફરે તો ટિકિટ મળી જશે તેવી માન્યતા રાખે છે. તેઓ પરિવારનું લેબલ લઈ ફરે પરિવારમાં ભંગાણ પાડવાની વાત થાય તે યોગ્ય નથી. મને ટિકિટ આપી ત્યારે ભાજપના કાર્યકર્તાઓ ઓળખતા ન હતા તેમ છતાં મને જીતાડ્યો છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત