ભરૂચમાં 9 વર્ષે બનેલો રૂ.66 કરોડનો બ્રિજ 100 દિવસ પણ ન ટક્યો, બીજા 15 કરોડ ખર્ચાશે

ભરૂચના આમોદ-જંબુસરને જોડતા ડોલિયા-દેણવા બ્રિજમાં ખુલ્લો મુકાયાના માત્ર 100 દિવસમાં જ તિરાડો પડતાં બાંધકામની ગુણવત્તા સામે સવાલો ઊઠ્યા છે. રૂપિયા 66 કરોડના ખર્ચે બનેલા આ બ્રિજના એપ્રોચ રોડમાં તિરાડો પડ્યા બાદ હવે ધોવાણ અટકાવવા સરકારે રૂપિયા 15 કરોડ મંજૂર કર્યા છે. આ મુદ્દે બાંધકામમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપો વચ્ચે સરકારી તંત્રની કામગીરી પણ ચર્ચામાં આવી છે.
18 મહિનાનું કામ 9 વર્ષમાં પૂર્ણ થયું
મહેસાણાની રાધે એસોસિએટ્સને ઓક્ટોબર 2017માં આ બ્રિજનું કામ 18 મહિનામાં પૂર્ણ કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી. જોકે, ઢાઢર નદીમાં કાવી-કંબોઈ તરફથી દરિયાઈ ભરતી દિવસમાં બે વખત આવતી હોવાથી કામની મુદત 15 ઓગસ્ટ 2026 સુધી લંબાવવામાં આવી હતી. આખરે 23 ઓગસ્ટ 2026ના રોજ બ્રિજ નાના વાહનો માટે ખુલ્લો મુકાયો હતો. પરંતુ ખુલ્લો મુકાયાના લગભગ 100 દિવસમાં જ દેણવા તરફના એપ્રોચ રોડ પર તિરાડો પડતાં બાંધકામની ગુણવત્તા સામે સવાલો ઊઠ્યા છે.
ધોવાણ અટકાવવા 15 કરોડના ખર્ચે સુરક્ષા વોલ બનશે
તિરાડો પડવાના મુદ્દે માર્ગ અને મકાન વિભાગે બ્રિજના મુખ્ય માળખામાં નહીં, પરંતુ એપ્રોચ રોડ નીચે દરિયાઈ કરંટના કારણે ધોવાણ થતાં તિરાડો પડી હોવાનું જણાવ્યું છે. હવે આ ધોવાણ અટકાવવા રૂપિયા 15 કરોડના ખર્ચે આર.સી.સી. પ્રોટેક્શન બ્લોક અને સુરક્ષા વોલ બનાવવામાં આવશે.
વર્ષોથી ધોવાણની જાણ છતાં સુરક્ષા વ્યવસ્થા કેમ ન કરાઈ?
અધિકારીઓએ 2016, 2022 અને 2026ના ગૂગલ મેપના આધારે ધોવાણ થયાનું સ્વીકાર્યું છે. જોકે, વર્ષોથી દરિયાઈ ધોવાણની જાણ હોવા છતાં બ્રિજના બાંધકામ સમયે જ જરૂરી સુરક્ષા વ્યવસ્થા કેમ કરવામાં ન આવી તે સવાલ ઊઠી રહ્યો છે. 66 કરોડના ખર્ચે બનેલા બ્રિજમાં 100 દિવસમાં તિરાડો અને હવે સમારકામ માટે વધુ 15 કરોડની મંજૂરીને પગલે સમગ્ર મામલો ચર્ચામાં આવ્યો છે.











