ગુજરાત પોલીસના સ્નિફર ડોગ્સની કમાલ, 6 મહિનામાં જ હત્યા-બળાત્કાર સહિત 8 ગુના ઉકેલ્યા

ગુજરાત પોલીસના સ્નિફર ડોગ્સે છ મહિનામાં જ 8 ગુનાઓ ઉકેલવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. સ્નિફર ડોગ ટીમે NDPSના બે કેસ ઉપરાંત એક હત્યા, બળાત્કાર, ઘરફોડ અને બે ચોરીના ગુનાઓ ઉકેલવામાં સફળતા મેળવી છે. સ્નિફર ડોગ્સ અને તેને તાલિમબદ્ધ કરનાર ટીમ ઉપરાંત તમામ ડોગ હેન્ડલર્સની આ કામગીરીની રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે પ્રશંસા કરી છે.
સ્નિફર ડોગ્સે NDPSના બે કેસ સફળતાપૂર્વક ઉકેલ્યા
છેલ્લા છ મહિનામાં ગુજરાત પોલીસના ‘નાર્કોટીક્સ ડોગ્સ’ દ્વારા ગાંજાના જથ્થાને શોધી એન.ડી.પી.એસના બે કેસ કરવામાં આવ્યા છે, જે અંતર્ગત તા.21મી ઓક્ટોબર-2024ના રોજ ગાંધીધામ એક્સપ્રેસ ટ્રેનમાંથી તાલીમબદ્ધ નાર્કોટિક્સ ડોગ ‘ગુલાબ’એ સ્ટીલના ડબ્બામાં અથાણા અને રસગુલ્લા મિઠાઇની વચ્ચે આખી સેલોટેપ વિંટળીને સંતાડેલો ગાંજાનો જથ્થો શોધી કાઢ્યો હતો. જ્યારે તા.14મી ઓક્ટોબર-2024ના રોજ ‘કેપ્ટો’ ડોગે રાજકોટ જિલ્લાના ધોરાજી વિસ્તારમાં એક આરોપીના ઘરના સર્ચ દરમિયાન બાથરૂમમાં સંતાડેલો 12 કિલો ગાંજો શોધી આપ્યો હતો.
બીજી તરફ જ્યારે ચોરી, ઘરફોડ, બળાત્કાર અને હત્યા જેવા ગંભીર 6 ગુનાઓમાં ‘ટ્રેકર ડોગ્સ’ એ ગુનેગારો સુધી પહોંચવામાં મદદ કરી છે. તા.14મી ઓક્ટોબર-2024ના રોજ ‘બીના’ ડોગને ભાવનગર ખાતે હત્યાના બનાવ સ્થળેથી મૃતકની આજુબાજુની જગ્યા તથા લોહીના ડાઘની સ્મેલ આપી ટ્રેક કરાવતા નેશનલ હાઇવે સુધી દોડીને ત્રણ આરોપીઓને ફાઇન્ડ આઉટ કરી આપ્યા હતા. જ્યારે તા.14મી ઓક્ટોબર-2024ના રોજ ‘પેની’ ડોગે અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં થયેલી રૂ.1.07 કરોડની ચોરીનો ગુનો એક સ્કુલ બેગ અને પાણી બોટલ સુંઘીને ડિટેક્ટ કરાવ્યો હતો.
આ પણ વાંચો: સીરિયલ કિલરે 25 દિવસમાં 6 હત્યા કરી, લાશ સાથે પણ કર્યો રેપ; ગુજરાત પોલીસ સામે ગુના કબુલ્યા
રેમ્બો અને વેલ્ટર અને ગીગલી ડોગ્સની ગુના ઉકેલવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા
સુરત ગ્રામ્ય વિસ્તારના એક બળાત્કારના ગુનામાં તા. 9મી ઓક્ટોબરે-2024ના રોજ ‘પાવર’ ડોગે ચંપલની સ્મેલથી ગુનામાં વપરાયેલા બાઇક સુધી પહોંચાડવામાં પોલીસને મદદ કરી હતી. તા.10મી સપ્ટેમ્બર-2024ના રોજ પોરબંદરમાં ગેસ કટરથી પવનચક્કીને રૂ.1.10 લાખનું નુકસાન કરનાર આરોપીને ‘રેમ્બો’ ડોગની મદદથી પકડી પાડવામાં પોલીસને સફળતા મળી હતી. તેવી જ રીતે તા.6 ઓગસ્ટ-2024ના રોજ પાટણમાં થયેલી ઘરફોડ ચોરીને ‘વેલ્ટર’ ડોગે આર્ટીકલની સ્મેલથી બે આરોપીઓ સુધી પહોંચી ગુનાને ડીટેક્ટ કરવામાં મદદ કરી હતી. તા.17મી મે-2024ના રોજ વડોદરા ગ્રામ્ય વિસ્તારમાં થયેલી ચોરીને ‘ગીગલી’ ડોગે સાણસી અને પેટીના નકુચાની સ્મેલ લઇ પોલીસને છેક આરોપીના ઘર સુધી પહોંચાડી દીધી અને ગુનો ડિટેક્ટ કરવામાં મદદ કરી હતી.
આમ, છ મહિનામાં ગુજરાત પોલીસના તાલીમબદ્ધ સ્નિફર ડોગ્સની મદદથી 8 ગુનાઓ સફળતાપૂર્વક ઉકેલાયા છે.

