ગાંધીનગર કોર્ટમાં નોરા ફતેહી સામે 3 કરોડની માનહાનિનો દાવો, ચાર્ટર્ડ પ્લેન અંગેના વીડિયો મામલે વિવાદ

બોલિવૂડ અભિનેત્રી નોરા ફતેહી સામે ગાંધીનગર કોર્ટમાં રૂ.3 કરોડની માનહાનિનો દાવો દાખલ કરવામાં આવ્યો છે. Dunes Aviation પ્રા. લિ. દ્વારા ગાંધીનગરના પ્રિન્સિપલ સિવિલ જજ સમક્ષ સ્પેશિયલ સિવિલ સ્યુટ દાખલ કરવામાં આવ્યો છે.
કંપનીના દાવા મુજબ, 14 ડિસેમ્બર 2025ના રોજ નોરા ફતેહીએ ચાર્ટર્ડ પ્લેનમાં મુસાફરી દરમિયાન ત્રણ વીડિયો બનાવીને ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યા હતા. આ વીડિયોમાં તેમણે ચાર્ટર્ડ પ્લેનને “ટોય એરપ્લેન”, “Lego એરપ્લેન” અને “Amazonથી મંગાવેલું પ્લેન” જેવા શબ્દોથી સંબોધ્યું હોવાનો કંપનીનો આરોપ છે.
નોરા ફતેહીને કાનૂની નોટિસ મોકલાઈ હતી
Dunes Aviationનો દાવો છે કે નોરા ફતેહીના આ નિવેદનોથી પ્લેનની સલામતી અંગે મુસાફરોમાં ભય અને શંકા પેદા થઈ હતી. વીડિયો વાયરલ થયા બાદ કંપનીને ગ્રાહકો તરફથી ફોન આવવા લાગ્યા હતા અને બુકિંગમાં 15થી 20 ટકાનો ઘટાડો થયો હતો. સાથે જ કેટલાક બુકિંગ રદ થયાનો પણ કંપનીએ દાવો કર્યો છે. આ મામલે Dunes Aviation દ્વારા 29 ડિસેમ્બર 2025ના રોજ નોરા ફતેહીને કાનૂની નોટિસ મોકલવામાં આવી હતી. નોટિસમાં વિવાદિત વીડિયો ડિલીટ કરવા, જાહેર માફી માંગવા તેમજ રૂ.3 કરોડનું વળતર ચૂકવવાની માંગ કરવામાં આવી હતી.
કંપનીના જણાવ્યા મુજબ, નોટિસનું પાલન ન થતાં હવે ગાંધીનગર કોર્ટમાં માનહાનિનો દાવો દાખલ કરવામાં આવ્યો છે. સમગ્ર મામલે કોર્ટમાં આગળની કાર્યવાહી દરમિયાન બંને પક્ષોની રજૂઆતો બાદ કેસની દિશા સ્પષ્ટ થશે.

