ગુજરાત કોંગ્રેસને વધુ એક મોટો ઝટકો! દિગ્ગજ નેતા દીપક બાબરિયાનું નિધન

ગુજરાત કોંગ્રેસના વરિષ્ઠ નેતા દીપક બાબરિયાનું નિધન થતાં રાજકીય વર્તુળોમાં શોકની લાગણી પ્રસરી છે. લાંબા સમય સુધી કોંગ્રેસમાં વિવિધ મહત્ત્વની જવાબદારીઓ નિભાવનાર બાબરિયાએ પક્ષના સંગઠનને મજબૂત બનાવવામાં નોંધપાત્ર ભૂમિકા ભજવી હતી. વર્ષ 2020માં બ્રેઈન સ્ટ્રોક આવ્યા બાદ તેમની તબિયત નાદુરસ્ત રહેતી હતી, જેના કારણે તેઓ સક્રિય રાજકારણથી દૂર રહ્યા હતા. તેમના અવસાનથી કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોમાં દુઃખની લાગણી જોવા મળી રહી છે.
શ્રમિકોના પ્રશ્નોથી શરૂ થઈ રાજકીય સફર
દીપક બાબરિયાએ પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત શ્રમિકો અને ઔદ્યોગિક યુનિયનોના પ્રશ્નો ઉઠાવીને કરી હતી. શ્રમિકોના હિત માટે અવાજ ઉઠાવવાની તેમની કાર્યશૈલીને કારણે તેમણે ગુજરાતમાં જ નહીં, પરંતુ રાષ્ટ્રીય સ્તરે પણ ઓળખ બનાવી હતી.
મધ્ય પ્રદેશમાં કોંગ્રેસની મહત્ત્વની જવાબદારી
મધ્ય પ્રદેશ વિધાનસભા ચૂંટણી દરમિયાન કોંગ્રેસે દીપક બાબરિયાને પ્રદેશ પ્રભારી તરીકે મહત્ત્વની જવાબદારી સોંપી હતી. પક્ષના સંગઠન અને ચૂંટણીલક્ષી વ્યૂહરચનામાં તેમણે ભૂમિકા ભજવી હતી. આ સમયગાળામાં કમલનાથના નેતૃત્વમાં મધ્ય પ્રદેશમાં કોંગ્રેસની સરકાર બની હતી. પક્ષ પ્રત્યેની તેમની નિષ્ઠા અને લાંબા રાજકીય યોગદાનને કોંગ્રેસના નેતાઓ યાદ કરી રહ્યા છે. તેમના નિધનથી ગુજરાત કોંગ્રેસે એક અનુભવી નેતા ગુમાવ્યો છે.

