મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ભ્રષ્ટ સત્તાધીશો, અધિકારી-મળતિયા કોન્ટ્રાક્ટરોના પાપે જ ગંભીરા પુલ દુર્ઘટના થઇ

Gambhira bridge Accident: ગુજરાતમાં હવે બિહારવાળી થઇ છે કેમકે, પુલ તૂટવા હવે નવી વા

ભ્રષ્ટ સત્તાધીશો, અધિકારી-મળતિયા કોન્ટ્રાક્ટરોના પાપે જ ગંભીરા પુલ દુર્ઘટના થઇ

Gambhira bridge Accident: ગુજરાતમાં હવે બિહારવાળી થઇ છે કેમકે, પુલ તૂટવા હવે નવી વાત રહી નથી. અત્યાર સુધીમાં ગુજરાતમાં 15 પુલો તૂટ્યાં છે જે ભ્રષ્ટાચાર થયાની હકીકત રજૂ કરે છે. પ્રજાની સુરક્ષા-સલામતીને બદલે માત્ર ખિસ્સા ભરવાની સત્તાધીશોની બદનીતિને લીધે એક પછી એક દુર્ઘટના થઇ રહી છે. ભ્રષ્ટ સત્તાધીશો, અધિકારી અને મળતિયા કોન્ટ્રાક્ટરોના મેળાપિપણાને લીધે પુલો પત્તાના મહેલની જેમ ધરાશાયી થઇ રહ્યાં છે અને નિર્દોષ લોકો જીવ ગુમાવી રહ્યાં છે.

ગુજરાતમાં ભ્રષ્ટાચારનો અજગર ભરડો

ભ્રષ્ટાચારના અજગરે ગુજરાતને ભરડામાં લીધુ છે. પૈસા વિના કામો થતાં નથી જેના કારણે સરકારી બાબુઓ બેખોફ બન્યાં છે. તેમાં રાજ્ય માર્ગ મકાન વિભાગ તો ભ્રષ્ટાચારનું એપી સેન્ટર બન્યુ છે. આ વિભાગના સરકારી બાબુઓ લાખો કરોડોના માલિક બન્યાં છે. રસ્તા કે પુલોના બાંધકામ માટેના કોન્ટ્રાક્ટરમાં કટકી સિવાય કોન્ટ્રાક્ટ પાસ થતા જ નથી. ચૂંટણી ફંડ આપનારાં મળતિયા કોન્ટ્રાક્ટરોને જ માર્ગ કે પુલોના કોન્ટ્રાક્ટ મળે છે. કમલમથી માંડીને ગાંધીનગર સુધી કમિશન પહોંચે છે. આ બધુયે જગજાહેર છે.

બ્લેકલિસ્ટેડ કંપનીઓને જ ફરી કોન્ટ્રાક્ટ અપાયો

ભ્રષ્ટાચાર એટલી હદે વકર્યો છે કે, નબળા બાંધકામ માટે જે કંપનીઓને બ્લેકલિસ્ટેડ કરાઇ હોય તે જ કોન્ટ્રાક્ટરોને ફરી પુલો-માર્ગોના કોન્ટ્રાક્ટ આપી દેવાય છે. ખુદ કોન્ટ્રાક્ટરોનું કહેવુ છે કે, પુલોનું બાંધકામ મજબૂત ક્યાંથી હોય, કંપનીને મળતો બધોય નફો તો રાજનેતા અને સરકારી બાબુ લઇ લે છે જેના કારણે નબળુ બાંધકામ થાય છે જે જતાં દિવસે જોખમી પુરવાર થાય છે. પાદરા પુલ દુર્ઘખટનાએ ભાજપ સરકારની ભ્રષ્ટાચારની ઝીરો ટોલરન્સની નીતિની પોલ ઉઘાડી પાડી છે.

'ભ્રષ્ટાચાર કરનારાંને છોડીશું નહીં', મુખ્યમંત્રીનું તકીયાકલામ હાસ્યાસ્પદ

થોડાક દિવસ પહેલાં જ મુખ્યમંત્રીએ સરપંચોને સલાહ આપીકે, ભ્રષ્ટાચાર કરનારાંને છોડીશું નહીં પણ મુખ્યમંત્રીનું આ તકીયાકલામ હવે હાસ્યાસ્પદ બની રહ્યું છે કેમકે, મનરેગા, નલ સે જલ સહિત સરકારી યોજનામાં પણ ધૂમ ભ્રષ્ટાચાર કરાયો છે. કસૂરવારોનો વાળ વાંકો થયો નથી. પાછલા બારણે મળતાં ચૂંટણી ફંડને કારણે કોન્ટ્રાક્ટરોને કોઇનો ડર રહ્યો નથી અને દાખલો બેસે તેવી કાર્યવાહી કરવાની સરકારની હિંમત નથી. બધુય રામભરોસે ચાલી રહ્યું છે.

તક્ષશિલાકાંડ,મોરબી પુલ દુર્ઘટના, રાજકોટ TRP કાંડ સહિત અન્ય દુર્ઘટના પછી પણ ખોબલે ખોબલે મતો મળતા હોવાથી સરકારને પણ પ્રતિષ્ઠા બચાવવામાં રસ રહ્યો નથી.

આ સમાચાર શેર કરો