મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

લોનની લાલચથી ખેડૂતોની જમીન સુધીનો ખેલ! કરોડોના કૌભાંડમાં SITની તપાસ શરૂ

રાજકોટ: સૌરાષ્ટ્ર સહિત ગુજરાતભરના ખેડૂતોને લોન આપવાની લાલચ આપી છેતરપિંડીથી તેમની જ

લોનની લાલચથી ખેડૂતોની જમીન સુધીનો ખેલ! કરોડોના કૌભાંડમાં SITની તપાસ શરૂ
આ સમાચાર સાંભળો

રાજકોટ: સૌરાષ્ટ્ર સહિત ગુજરાતભરના ખેડૂતોને લોન આપવાની લાલચ આપી છેતરપિંડીથી તેમની જમીનના દસ્તાવેજો કરાવી લેવાના કથિત કૌભાંડમાં હવે તપાસનો ધમધમાટ તેજ થયો છે. આ કેસના સૂત્રધાર અલ્પેશ દોંગાને પડધરી પોલીસે રિમાન્ડની માગ સાથે કોર્ટમાં રજૂ કર્યો હતો. જોકે કોર્ટે રિમાન્ડ અરજી નામંજૂર કરી તેને જેલહવાલે કરવાનો હુકમ કર્યો છે. આ નિર્ણય સામે પડધરી પોલીસ આગામી દિવસે સેશન્સ કોર્ટમાં રિવિઝન અરજી દાખલ કરશે.

કરોડો રૂપિયાનું કથિત આ કૌભાંડ કેટલું વિસ્તરેલું છે તે જાણવા માટે પડધરી વિસ્તારના એએસપીના નેતૃત્વ હેઠળ SITની રચના કરવામાં આવી છે. આ ટીમમાં આર્થિક કૌભાંડોની તપાસનો અનુભવ ધરાવતા અધિકારીઓને સામેલ કરવામાં આવ્યા છે. તપાસમાં જરૂર જણાય તો પોલીસ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની પણ મદદ લેશે.

24 દસ્તાવેજો કબજે, 126 વિઘા જમીન તપાસ હેઠળ

રાજકોટ રૂરલ એસપી વિજયસિંહ ગુર્જરે જણાવ્યું હતું કે અલ્પેશ દોંગા પાસેથી કુલ 24 દસ્તાવેજો કબજે કરવામાં આવ્યા છે. તેમાંથી ચાર દસ્તાવેજોના આધારે ગુના નોંધવામાં આવ્યા છે. જ્યારે બાકીના 20 દસ્તાવેજો સાથે સંકળાયેલી જમીનનો વિસ્તાર આશરે 126 વિઘા છે. આ 20 દસ્તાવેજોમાંથી કેટલા કિસ્સામાં છેતરપિંડી થઈ છે તેની તપાસ હાલમાં પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે.

ખેડૂતોનો ડેટા સાયબર એક્સપર્ટ પાસેથી મળતો હોવાની માહિતી

તપાસ દરમિયાન પોલીસને એવી માહિતી મળી છે કે અલ્પેશ દોંગાને ખેડૂતોનો ડેટા કોઈ સાયબર એક્સપર્ટ પૂરો પાડતો હતો. જોકે હાલ આરોપીની પોલીસ કસ્ટડી ન મળતાં આ સાયબર એક્સપર્ટનું નામ બહાર આવ્યું નથી. પોલીસના જણાવ્યા મુજબ કસ્ટડી મળ્યા બાદ આ દિશામાં વધુ માહિતી બહાર આવી શકે છે. ખાસ કરીને ‘ગીતા’ નામ ધરાવતી મહિલાઓનો ડેટા આરોપી સુધી કેવી રીતે પહોંચ્યો તે મુદ્દે પણ તપાસ કેન્દ્રિત કરવામાં આવશે.

વધુ ખેડૂતો પોલીસના સંપર્કમાં આવ્યા

પડધરી પોલીસના સૂત્રોના જણાવ્યા પ્રમાણે હજુ પણ ઘણા ખેડૂતો પોલીસનો સંપર્ક કરી રહ્યા છે. આવા તમામ લોકોને પોલીસ મથકે બોલાવવામાં આવ્યા છે. તેમની પૂછપરછ બાદ આ કથિત કૌભાંડમાં કુલ કેટલા ખેડૂતો ભોગ બન્યા છે તેની વધુ સ્પષ્ટતા થઈ શકે છે.

ઓનલાઇન રકમ ટ્રાન્સફર કરી કાયદાકીય સકંજાથી બચવાનો પ્રયાસ

પોલીસ તપાસ મુજબ આરોપીએ કથિત રીતે એવી પદ્ધતિ અપનાવી હતી કે રેકર્ડ પર તેની સીધી સંડોવણી ન દેખાય. ભોગ બનનારા ખેડૂતોના ખાતામાં ઓનલાઇન રકમ ટ્રાન્સફર કરવામાં આવતી હતી. ત્યારબાદ જમીનના સાટાખત માટે તેમને સબ-રજિસ્ટ્રાર કચેરીમાં લઈ જવામાં આવતા હતા.

સરકારી અધિકારીઓ દ્વારા જમીન વેચાણ અંગે પૂછપરછ કરવામાં આવે ત્યારે શું જવાબ આપવો તે અંગે પણ ખેડૂતોને અગાઉથી સમજાવવામાં આવતા હોવાનો પોલીસનો દાવો છે. જમીન વેચવાની છે કે કેમ તે અંગે પૂછવામાં આવે ત્યારે ‘હા’ કહેવા અને કોઈ દબાણ છે કે કેમ તે અંગે પણ ‘હા’માં જવાબ આપવા જણાવાતું હતું. આ રીતે સરકારી રેકર્ડમાં પોતાની સીધી સંડોવણી ન દેખાય તેનું આયોજન કરવામાં આવ્યું હોવાની તપાસ ચાલી રહી છે.

દરેક ટેલિકોલરને પોતે નામ આપતો, અટક ‘પટેલ’ રાખતો

ખેડૂતોને સંપર્ક કરવા માટે અલ્પેશ દોંગાએ રાજકોટની આર.કે. પ્રાઈમ બિલ્ડિંગમાં બે અને ટ્વિન્સ ટાવરમાં એક કોલ સેન્ટર શરૂ કર્યું હોવાની માહિતી સામે આવી છે. અમદાવાદમાં પણ એક કોલ સેન્ટર ચલાવાતું હતું. આર.કે. પ્રાઈમ બિલ્ડિંગના બંને કોલ સેન્ટર પર પોલીસે દરોડા પાડ્યા ત્યારે તે બંધ મળી આવ્યા હતા.

જ્યારે ટ્વિન્સ ટાવરના કોલ સેન્ટરમાંથી 14 ટેલિકોલર મળી આવી હતી. તેમને દર મહિને રૂ.15,000 પગાર આપવામાં આવતો હતો. ટેલિકોલરોએ પોલીસને જણાવ્યું હતું કે તેમના નામ અલ્પેશ પોતે નક્કી કરતો હતો. એટલું જ નહીં, તમામ ટેલિકોલરની અટક ‘પટેલ’ રાખવામાં આવતી હતી, કારણ કે કથિત રીતે પટેલ સમાજના ખેડૂતોને ટાર્ગેટ કરવામાં આવતા હતા.

ટેલિકોલર પોતાનું નામ કેમ બદલવામાં આવ્યું છે તે અંગે પૂછતી ત્યારે તેને એવું કહેવામાં આવતું હતું કે સામેની વ્યક્તિ પોતાનો સગો નીકળે તો ઓળખાણને કારણે શરમજનક સ્થિતિ ન સર્જાય તે માટે નામ બદલવામાં આવ્યું છે.

અલ્પેશ દોંગા પોતાને મોટીવેશનલ સ્પીકર તરીકે રજૂ કરતો હોવાનો પોલીસનો દાવો

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર અલ્પેશ દોંગા પોતાને મોટીવેશનલ સ્પીકર તરીકે પણ રજૂ કરતો હતો. પોતાની વાક્છટા અને ધાર્મિક હોવાની છાપ ઊભી કરીને ખેડૂતોનો વિશ્વાસ જીતવાનો પ્રયાસ કરતો હોવાનો પોલીસનો દાવો છે.

આ કથિત કૌભાંડમાં તેની સાથે અન્ય કેટલા લોકો અથવા રોકાણકારો સંકળાયેલા છે તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે. રાજકોટ શહેર પોલીસે પણ તેની સામે કાર્યવાહી શરૂ કરી છે. પરિણામે આગામી દિવસોમાં અલ્પેશ દોંગાને રાજકોટ શહેર તેમજ જિલ્લા પોલીસની અલગ-અલગ કાર્યવાહીનો સામનો કરવો પડી શકે છે.

આ સમાચાર શેર કરો