AHMEDABAD : “હું મેયરનો પીએ હતો, CMOના અધિકારી મને ઓળખે છે”, 64 કરોડના કોન્ટ્રાક્ટના નામે 1.05 કરોડની ઠગાઈ, 3 વિરુદ્ધ ફરિયાદ
Ahmedabad News : અમદાવાદ મહાનગરપાલિકામાં મેન્ટેનન્સનો કોન્ટ્રાક્ટ આપવાના નામે હિંમતનગરન

Ahmedabad News : અમદાવાદ મહાનગરપાલિકામાં મેન્ટેનન્સનો કોન્ટ્રાક્ટ આપવાના નામે હિંમતનગરના એક યુવાન સાથે 1.05 કરોડની છતેરપિંડી કરવામાં આવી છે. આ અંગે અમદાવાદ પોલીસ ક્રાઇમ બ્રાન્ચની આર્થિક ગુના નિવારણ શાખામાં ત્રણ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે.
આ કેસમાં અમદાવાદ મોટેરામાં રહેતા સુમિત સુરેશકુમાર રાવલ અને ગૌતમ વિષ્ણુભાઈ પટેલ તેમજ મુંબઈ રહેતા વેરલ ઉર્ફે વિરલ હિંમતલાલ દોશી સામે ફરિયાદ નોંધવામાં આવી છે.
આ કેસમાં ફરિયાદી તેજ ભોગ બનનાર 35 વર્ષનો યુવાન મીતેશ અતુલભાઈ પટેલ સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના બેરણા ગામે રહે છે.
મીતેશ પટેલ પાસેથી રૂ.1,05,00,000 (એક કરોડ પાંચ લાખ) પડાવ્યાં
વર્ષ 2021માં મોટેરાના અદિતી ઇલાઈટ પાર્કમાં રહેતા આરોપી સુમિત સુરેશકુમાર રાવલે ભોગ બનનાર મીતેશ પટેલને પોતાના ઘર પાસે બોલાવી અને અમદાવાદ મહાનગરપાલિકામાં સારી ઓળખાણ હોવાનું કહી તેમજ પહેલા પોતે મેયરનો પી.એ. હતો એવું કહીને મહાનગરપાલિકાના પોલ્ડર પંપ તથા તેની એમ.સી.સી પેનલ તથા તેના હેડનું રીપેરીંગ તથા મેન્ટેન્સનો 64 કરોડનો કોન્ટ્રાક્ટ આપવાની અને વધારે નફાની લોભામણી લાલચ આપી મીતેશ પટેલ પાસેથી રોકડા તેમજ ઓનલાઈન ટ્રાન્સફર કરાવી રૂ.1,05,00,000 (એક કરોડ પાંચ લાખ) પડાવ્યાં હતા.
આરોપી સુમિત સુરેશકુમાર રાવલે મીતેશ પટેલ પાસેથી 64 કરોડના કોન્ટ્રાક્ટ માટે પહેલા 5,24,000 પડાવ્યાં હતા અને બાદમાં કોન્ટ્રાક્ટના નકલી કાગળો બનાવી આપીને મીતેશ પટેલ પાસેથી ટુકડે-ટુકડે રૂ.95,35,000 (95 લાખ 35 હજાર) પડાવ્યાં હતા. બાદમાં પણ મીતેશ પટેલ પાસેથી સુમિતે રૂ.4,41,000ના બે ચેક લીધા હતા. આમ કુલ મળીને આરોપી સુમિત સુરેશકુમાર રાવલે મીતેશ પટેલ પાસેથી રૂ.1,05,00,000 (એક કરોડ પાંચ લાખ) પડાવ્યાં હતા.
આરોપીએ કહ્યું - "CMOના અધિકારી મને ઓળખે છે"
સુમિત રાવલે મીતેશ પટેલને મન ડેવલપર્સ ફર્મના નામી કોન્ટ્રાક્ટના કાગળો આપ્યા હતા. મિતેશે આ અંગે પૂછતાં તેણે કહ્યું કે મન ડેવલપર્સ પોતાનું જ ફાર્મ છે અને આ મુખ્ય કોન્ટ્રાક્ટ વેરલ ઉર્ફે વિરલ હિંમતલાલ દોશીને મળેલો છે અને આપણાં પૈસા આ વેરલ ઉર્ફે વિરલ દોશી આપશે.
સુમિત રાવલે મીતેશને વિશ્વાસમાં લેવા એમ પણ કહ્યું કે સીએમઑ ઓફિસ - ગાંધીનગરમાં સીએમઑ કમીટીમાં રહેલા એસપી જોશી સાહેબ ઓળખે છે અને આવું કહી સુમિતે મીતેશને કોન્ટ્રાક્ટ બાબતે થયેલી કથિત વાતચીતનો સ્ક્રીનશૉટ પણ મોકલ્યો હતો.
આરોપીએ 16 કરોડનો ચેક આપ્યો, બાઉન્સ થતાં 64 કરોડનો ચેક આપ્યો
બાદમાં સુમિતે મીતેશને કહ્યું હતું કે આપણાં કોન્ટ્રાક્ટ પેટે 16 કરોડની રકમ આવી ગઈ છે. સુમિતે વેરલ ઉર્ફે વિરલ દોશીના એકાઉન્ટનો 16 કરોડનો ચેક મીતેશને આપ્યો હતો. એ ચેક મીતેશે બેન્કમાં ભરતા ચેક બાઉન્સ થયો હતો.
મીતેશે આ વાત સુમિતને કરતાં સુમિતે ફરી 64 કરોડનો ચેક આપ્યો હતો અને તે પણ વેરલ ઉર્ફે વિરલ દોશીના એકાઉન્ટનો હતો. પણ મીતેશને શંકા જતાં તેણે તે ચેક બેન્કમાં ભર્યો ન હતો અને પોતાના રૂ.1,05,00,000 (એક કરોડ પાંચ લાખ) પરત માંગ્યા હતા. સુમિતે આ રૂપિયા પરત જોતાં હોય તો 64 કરોડનો ચેક પાછો આપશે એવું કહી તે ચેક લઈ લીધો હતો.
કોન્ટ્રાક્ટના કાગળો બોગસ નીકળ્યા
બાદમાં મીતેશ પટેલે પોતાના રૂપીયા માંગતા સુમિત વારંવાર બહાના આપતો હતો. આ દરમિયાન મીતેશ પટેલે કોન્ટ્રાક્ટના કાગળો અંગે ખરાઈ કરતાં તે ખોટા હોવાનું જાણવા મળ્યું હતું, જે બાદ પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાની જાણ થઈ હતી.
મીતેશ પટેલે મોટેરામાં રહેતા સુમિત સુરેશકુમાર રાવલ અને ગૌતમ વિષ્ણુભાઈ પટેલ તેમજ મુંબઈ રહેતા વેરલ ઉર્ફે વિરલ હિંમતલાલ દોશી સામે ફરિયાદ ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ ત્રણ આરોપીઓ સામે આઇપીસી 420,465,467,468,114 હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.








