જો જો સાહેબ… આવું જ રહ્યું તો બીમારીનું બીજું ઘર સિવિલ બની જશે!
ચોમાસાની સિઝન આવે એટલે મચ્છરજનને રોગોમાં નોંધપાત્ર વધારો જોવા મળતો હોય છે ત્યારે અમદાવાદ સ

ચોમાસાની સિઝન આવે એટલે મચ્છરજનને રોગોમાં નોંધપાત્ર વધારો જોવા મળતો હોય છે ત્યારે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં પણ તે જ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહે છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આવતા દર્દીઓ અને ડોક્ટરો ખુદ સિવિલ હોસ્પિટલની ગંદકીના કારણે બીમારીનો ભોગ બની રહ્યા છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ટ્રોમા સેન્ટરની આજુબાજુ તેમજ ઓપીડી વિભાગમાં અને સિવિલ કેમ્પસમાં પાણી ભરેલા છે તો ઠેર ઠેર ગંદકી જોવા મળે છે. ગંદકીના કારણે મચ્છરજન્ય રોગો થઈ રહ્યા છે પરંતુ મહત્ત્વની વાત છે એ કે સિવિલ હોસ્પિટલમાં વર્ગ ત્રણના કર્મચારીઓને ડેન્ગ્યુ થયાના બનાવો સામે આવ્યા છે.
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા ડોક્ટરોમાં ડેન્ગ્યુના કેસો ખૂબ જ સામે આવી રહ્યા છે. સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ આઠથી વધુ ડોક્ટરો અને 30 થી વધુ સફાઈ કર્મીઓને ડેન્ગ્યુ થયો હતો. તમામ લોકો સિવિલ હોસ્પિટલની અંદર સારવાર લઈ રહ્યા હતા. સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરોમાં ડેન્ગ્યુમાં કેસો જોવા મળતા સિવિલ હોસ્પિટલના સેનેટરી ઇન્સ્પેક્ટર પર સવાલો ઊભા કરી રહ્યા છે. સિવિલ હોસ્પિટલના સેનેટરી ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા કર્મીઓ આરામ ફરમાવામાં વ્યસ્ત રહે છે. સિવિલ હોસ્પિટલમાં ચારે તરફ ગંદકી જોવા મળી રહી છે અને તેનો યોગ્ય નિકાલ કરવામાં આવતો નથી. જેના કારણે સિવિલ હોસ્પિટલના ડોક્ટરો અને કર્મચારી સહિત કેટલાય દર્દીઓને સિવિલ હોસ્પિટલમાં જ બીમાર પડ્યા છે.
સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા સેનેટરી ઇન્સ્પેક્ટર પોતાની ફરજ યોગ્ય પણે ના નિભાવતા ફરિયાદ જવાબદાર તંત્ર સુધી પહોંચી ત્યારે તેમને પાપનો ઘડો પોતાના માથે ન ફૂટે તે માટે થઈ તેની નીચે કામ કરતા સુપરવાઇઝરો અને સફાઈ કર્મીઓને હાથો બનાવી ‘તેઓ કામ નથી કરતા’ તેવું કહી તેમની બદલી કરવાનો આદેશ આપ્યો. પરંતુ એમાં પણ પોતાના નજીકના માણસો અને સુપરવાઇઝરોને સાચવવા માટે થઈ અન્ય કામ કરતા લોકોને હેરાનગતિ કરવામાં આવે છે અને પોતે જ સિવિલ હોસ્પિટલના સંચાલક હોય તે પ્રકારે રૉફ મારી રહ્યા છે.






