સોશિયલ મીડિયાથી 4 સંતાનોને 17 વર્ષે પિતા મળ્યા, 8 મહિના સુરતમાં ભેગા રહ્યા ને ફરી ગૂમ થતાં પરિવાર ચિંતિત
સોશિયલ મીડિયાના આ યુગમાં મોટા ભાગે પરિવાર વિભક્ત થતાં જોવા મળી રહ્યાં છે. ત્યારે 17 વર્

સોશિયલ મીડિયાના આ યુગમાં મોટા ભાગે પરિવાર વિભક્ત થતાં જોવા મળી રહ્યાં છે. ત્યારે 17 વર્ષ બાદ સુરતમાં એક પરિવારના સભ્યો એક માળામાં ભેગા થયાં હતાં. જો કે, આ ખુશી લાંબી ન ચાલી હોય તેમ ચાર સંતાનોને 17 વર્ષે મળેલો પિતાનો પ્રેમ થોડા સમયમાં જ ગમમાં પરિવર્તિત થઈ ગયો હતો. જેથી ચાર સંતાનો અને માતા પરિવારના મોભીને શોધવા માટે દરબદરની ઠોકરો ખાઈ રહ્યાં છે.
ફેસબૂકના માધ્યમથી મળ્યાં
સુરતમાં રહેતા પરિવારના સભ્યોએ કહ્યું કે, 17 વર્ષ અગાઉ એક અકસ્માતમાં ચાર સંતાનોએ પિતા ગૂમાવી દીધા હોવાનું માતા અને દાદા પાસેથી જાણવા મળ્યું હતું. બસ ત્યારથી બાળકો સહિતનો પરિવાર નિરાધારની જેમ જીવન જીવી રહ્યાં હતાં. પરંતુ એક દિવસ અચાનક ફેસબૂકમાં પીપલ યુ મે નોમાં પિતાની પ્રોફાઈલ દેખાઈ ગઈ હતી. જેથી પિતા જેવી વ્યક્તિ દેખાતા માતાને જાણ કરી હતી. માતાએ પણ તેના પિતા જ હોય તેમ કહ્યું હતું.
જાહેરાતના નંબર પરથી ફોન કર્યો
પિતા ડાકોર નજીક દુકાન ચલાવતા અને તેની જાહેરતમાં એક નંબર હતો. જેના આધારે દીકરાએ ફોન કર્યો હતો. બાદમાં માતાને આપ્યો હતો. ત્યારે સામેથી પોતે જ સંતાનોનો પિતા અને મહિલાનો પતિ હોવાનું કહ્યું હતું. બાદમાં તે સુરત આવશે પોતાના સંતાનો પાસે તેમ કહ્યું હતું. બન્ને ફોનમાં તે દિવસ ખૂબ રડ્યાં હતાં. વાતો કરી હતી.
પિતા આવ્યા ને સાથે રહ્યાં
દીકરાએ કહ્યું કે, પિતા આવ્યા અને અમે ચારેય ભાઈઓ બહેનો તથા માતા સુખેથી સાથે રહેવા લાગ્યા હતાં. હોટલમાં જમવા જતાં હતાં. દર અઠવાડિયે ફિલ્મ જોવા પણ જતાં હતાં. અમે ખૂબ ખુશ હતાં. હું પાંચ વર્ષનો હતો ત્યારે પિતાને ગુમાવી દીધા હતાં. પરંતુ 17 વર્ષ બાદ પિતા પરત મળ્યાં હતાં. અમારો આખો પરિવાર તેના હરખમાં હતો. પરંતુ આ હરખ 8 મહિના જ ચાલ્યો હતો.
ફરી પિતા ગૂમ થઈ ગયા
સંતાનોએ કહ્યું કે, 8 મહિના સાથે રહ્યા બાદ અચાનક એક દિવસ પિતા અમારી વચ્ચે દેખાયા નહોતા. અમે શોધવા ખૂબ પ્રયત્ન કર્યા પરંતુ ક્યાંય મળ્યા નહી. સચિન પોલીસ સ્ટેશનમાં અમે ફરિયાદ આપવા ગયા હતાં. પરંતુ તેમણે ખાસ તપાસ કરી નહોતી. અમને પોલીસના ઉચ્ચ અધિકારીઓએ પણ હૈયાધરપત આપી હતી. પરંતુ તેમ છતાં કંઈ ન થતાં પોલીસ કમિશનરમાં અરજી આપી છે. અમારી એક જ માગ છે કે, અમારા પિતા પર કોઈ દબાણ હશે તો જ જતાં રહ્યા હશે. જેથી અમે તેમને પરત પિતા મળે તે માટે અમે રજૂઆત પોલીસ કમિશનરને કરી છે.








