VIDEO: વિકાસની વરવી વાસ્તવિકતા! સાણંદમાં અંતિમ સંસ્કાર માટે પણ સ્વજનોના જીવને જોખમ
એકબાજુ સરકાર ગુજરાત મોડલ અને વિકાસની વાતો કરે છે પરંતુ અમદાવાદના સાણંદમાં વિકાસ ખાડે ગયો હોય તેવા દૃશ

એકબાજુ સરકાર ગુજરાત મોડલ અને વિકાસની વાતો કરે છે પરંતુ અમદાવાદના સાણંદમાં વિકાસ ખાડે ગયો હોય તેવા દૃશ્યો સામે આવ્યા છે. જ્યાં સાણંદના જુવાલ ગામમાં નનામીને રસ્તાના બદલે વીજળીના થાંભલા ઉપરથી જીવના જોખમે લઈ જવામાં આવી હતી. આ પરિસ્થિતિ અંગે તંત્રને વારંવાર જાણ કરવા છતાં સરકાર દ્વારા આજ સુધી કોઈ વાલ્મિકી સમાજના સ્મશાનની વ્યવસ્થા માટે યોગ્ય પગલા ભરવામાં આવ્યા નથી. જે વિકાસશીલ ગુજરાતના નામે નિંદનીય બાબત છે.
સાણંદ તાલુકા જુવાલ ગામમાં રહેતા વાલ્મિકી સમાજના બારૈયા સુરેશભાઈ કાળાભાઈ સોમવારે મૃત્યુ પામ્યા હતા. જે બાદ તેમની નનામીને લઈ જવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. નનામીને રસ્તાને બદલે વીજળીના થાંભલા ઉપરથી જીવના જોખમે લઈ જવામાં આવી હતી.
જુવાલ ગામનાં અનુસુચિત જાતિના આગેવાન અને પંચાયતના સભ્ય કનુભાઇ વાધેલા સાથે વાત કરતા તેમને જણાવ્યું હતું કે છેલ્લા સાત આઠ વર્ષથી આ રીતે રસ્તા પર રાખેલા વીજળીના થાંભલા પરથી મૃત્યુ પામેલા લોકોની અર્થીને લઈ અંતિમવિધિ કરવા માટે જવું પડે છે આ બાબતે અનેકવાર તંત્રને રજૂઆત કરી છે છતાં કોઈ ધ્યાન આપવામાં આવતું નથી.
જે જગ્યા પર થાંભલાનો રસ્તો બનાવવામાં આવેલો છે ત્યાં નાળું મંજૂર થયેલું છે પરંતુ તંત્ર દ્વારા નાળું બનાવવામાં આવતું નથી. અમારે શિયાળો, ઉનાળો હોય કે ચોમાસુ દરેક ઋતુમાં આ રીતે જ અર્થી લઈ અંતિમવિધિ કરવા જવું પડે છે. એક બાજુ સરકાર ગુજરાત મોડલ અને વિકાસની વાતો કરે છે અને બીજી બાજુ આ પરિસ્થિતિમાં પસાર થવું પડે છે.






