સાયલાના મોટા સખપર ગામમાંથી અપહૃત બાળકીનો તાંત્રિક વિધિમાં ઉપયોગ થયાની પરિવારને આશંકા
Surendranagar News : સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકા

Surendranagar News : સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના મોટા સખપર ગામમાંથી બે દિવસ પહેલા 28 તારીખે 7 વર્ષની બાળકી ગુમ થઇ હતી. બાળકીના પરિવારે ધજાળા પોલીસ મથકમાં બાળકીના અપહરણની ફરિયાદ નોંધાવી હતી. આ સાત વર્ષની બાળકીને શોધવા માટે પોલીસની 8 કરતા વધુ ટીમો કામે લાગી છે, જો કે હજી સુધી આ બાળકીની કોઈ ભાળ મળી નથી. હવે બાળકીના પરિવારે બાળકીની હત્યાની આશંકા વ્યક્ત કરી છે.
તાંત્રિકવિધિમાં બાળકીનો ઉપયોગ થયાની પરિવારને આશંકા
પોલીસ ટીમો મોબાઈલ લોકેશન સીસીટીવી કેમેરા તપાસવા સહિતની કામગીરી કરી રહી છે છતાં પણ હજુ સુધી અપહૃત બાળકીનું કોઈ પગેરૂ હાથ લાગતું નથી. બાળકીના પરિવારે આશંકા વ્યક્ત કરી છે કે તેમની બાળકીનો તાંત્રિકવિધિમાં ઉપયોગ થયો હોઈ શકે છે, એટલે કે બાળકીની હત્યા પણ કરવામાં આવી હોઈ શકે છે. દિવાળી જેવા પર્વ પર બાળકી ગુમ થતા પરિવાર શોકમય બની ચિંતાતુર બની ગયો છે.
પરિવાર સવારે જાગ્યો તો બાળકી ઘરમાં ન હતી
મોટા સખપર ગામે રહેતા ફરિયાદી અમૃતભાઈ નાનજીભાઈ મકવાણાએ પોતાની દીકરીનું અપરણ થયું હોવાની ફરિયાદ ધજાળા પોલીસ મથકે નોંધાવી હતી. રાત્રિના સમયે પરિવાર સાથે સુતા હતા તે દરમિયાન અંદાજે 10:30 કલાકથી સવાર સુધીમાં અપહરણ થયું હોય તેવી ફરિયાદ આપવામાં આવી હતી.
સવારના સમયે અમદાવાદ જવાનું હોવાથી પરિવારજનો સવારે 5:00 વાગ્યે જાગતા સાત વર્ષની દીકરી હાજર જોવા મળી ન હતી. દાદીમા તેમજ અમદાવાદથી આવેલા ફૈબા બધા લોકો રૂમ તેમજ ઓસરીમાં સુતા હતા. આજુબાજુ તેમજ ગામમાં તપાસ કરતા દીકરી મળી આવી ન હતી. ફરિયાદીનો મોબાઇલ પણ ઓસરીમાં રાખેલ ફ્રીઝ ઉપરથી અપહરણ કરનાર લઈ ગયા હોય તેવું સામે આવ્યું હતું. જ્યારે મોબાઈલ નંબર ઉપરથી તેનું લોકેશન પોલીસ વિભાગ દ્વારા મેળવતા છેલ્લું લોકેશન રાજકોટ-અમદાવાદ હાઈવે પરના પાણશીણા પરનું મળ્યું હતું.
આ બાબતની જાણ લીબડી ડિવાયએસપીને મળતા મોટા સખપર ગામે દોડી ગયા હતા. હાલ એલસીબી એસઓજી સહિત જુદી જુદી ટીમો આ તપાસમાં લાગી છે.








