ગુજરાતમાં વસ્તી સામે વાહનોની સંખ્યામાં વિસ્ફોટ, દાયકામાં 70% નો વધારો, વાહનોની સંખ્યા 3.11 કરોડને પાર
Gujarat vehicle registration data 2024-25: ગુજરાતમાં વાહનોન

Gujarat vehicle registration data 2024-25: ગુજરાતમાં વાહનોની સંખ્યામાં છેલ્લા એક દાયકામાં 70 ટકાનો માતબર વધારો નોંધાયો છે. વર્ષ 2014-15માં રાજ્યમાં નોંધાયેલા વાહનોની સંખ્યા 1.67 કરોડ હતી, જે હવે વધીને 3.11 કરોડ પર પહોંચી ગઈ છે. નોંધનીય છે કે, ગુજરાતમાં હાલમાં નોંધાયેલા કુલ વાહનોમાં 75 ટકા હિસ્સો માત્ર ટુ-વ્હીલર્સનો છે.
25 વર્ષમાં વાહનોની સંખ્યામાં રેકોર્ડબ્રેક વધારો
રાજ્ય પરિવહન વિભાગની માહિતી અનુસાર, વર્ષ 2024-25માં ગુજરાતમાં નોંધાયેલા કુલ વાહનોમાં 1.63 લાખ બસ, 49.54 લાખ કાર, 11 લાખ ઓટોરિક્ષા અને 2.47 કરોડ ટુ-વ્હીલર્સનો સમાવેશ થાય છે. વર્ષ 2000-01ના આંકડાઓ સાથે તુલના કરીએ તો, તે સમયે રાજ્યમાં માત્ર 48.10 લાખ વાહનો હતા. આમ, છેલ્લા 25 વર્ષમાં વાહનોની સંખ્યામાં તોતિંગ વધારો જોવા મળ્યો છે. ખાસ કરીને ટુ-વ્હીલર્સની સાથે હવે કારની સંખ્યામાં પણ ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે.
ગુજરાતમાં જિલ્લા પ્રમાણે કુલ પેસેન્જર વ્હીકલ
| જિલ્લો | કાર | રિક્ષા | ટુ-વ્હીલર | કુલ |
| અમદાવાદ | 12,14,98 | 2,91,839 | 46,01,847 | 61,93,758 |
| સુરત | 7,25,385 | 1,39,992 | 37,42,561 | 46,25,914 |
| વડોદરા | 4,70,199 | 96,580 | 21,59,190 | 27,25,472 |
| રાજકોટ | 3,55,918 | 48,548 | 20,47,098 | 24,61,374 |
| કચ્છ | 1,80,062 | 24,457 | 9,20,429 | 11,37,263 |
| વલસાડ | 1,75,206 | 51,055 | 8,57,845 | 10,92,440 |
| ભાવનગર | 87,831 | 20,430 | 8,59,066 | 9,74,221 |
છેલ્લા 5 વર્ષમાં કારના રજિસ્ટ્રેશનમાં 40 ટકાનો તોતિંગ વધારો
ગુજરાતમાં કારની સંખ્યામાં થયેલો ક્રમશઃ વધારો આશ્ચર્યજનક છે. વર્ષ 1960-61માં રાજ્યમાં માત્ર 15,927 કાર હતી, જે 1990-91માં વધીને 1.55 લાખ અને 2000-01માં 4.38 લાખ સુધી પહોંચી હતી. 2010-11માં આ આંકડો 12.18 લાખ થયો અને 2019-20માં વધીને 34.62 લાખ નોંધાયો હતો. વર્ષ 2019-20ની સરખામણીએ હાલમાં કારની સંખ્યામાં 40 ટકાથી વધુનો વધારો જોવા મળ્યો છે. વર્ષ 2026ની અંદાજિત 7.31 કરોડની વસ્તી સામે રાજ્યમાં વાહનોની સ્થિતિ જોતા, હાલ ગુજરાતમાં સરેરાશ દર 2.36 વ્યક્તિએ 1 પેસેન્જર વ્હીકલ નોંધાયેલું છે.
ગુજરાતમાં વાહનોની સંખ્યા (૧૯૬૦ થી ૨૦૨૫)
| વર્ષ | બસ | કાર | રિક્ષા | દ્વિ ચક્રી વાહન | કુલ |
| 1960-61 | 2,518 | 15,927 | 1,103 | 8,132 | 28,380 |
| 1980-81 | 12,927 | 57,046 | 1,08,129 | 14,12,007 | 17,46,802 |
| 2000-01 | 45,993 | 4,38,058 | 2,34,726 | 39,64,899 | 48,10,111 |
| 2010-11 | 84,607 | 12,18,030 | 5,11,270 | 95,07,556 | 1.15 Crore |
| 2020-21 | 1,47,665 | 34,62,387 | 9,06,600 | 1.96 Crore | 2.42 Crore |
| 2021-22 | 1,49,804 | 39,47,677 | 9,13,670 | 2.03 Crore | 2.51 Crore |
| 2022-23 | 1,53,913 | 42,64,340 | 9,74,198 | 2.22 Crore | 2.77 Crore |
| 2023-24 | 1,58,711 | 46,07,373 | 10,36,233 | 2.35 Crore | 2.94 Crore |
| 2024-25 | 1,63,118 | 49,54,837 | 11,00,385 | 2.47 Crore | 3.11 Crore |
શહેરનું વધતું ભારણ: અમદાવાદમાં વાહનોની સંખ્યા ચિંતાજનક સ્તરે
વર્ષ 2024-25ના આંકડા અનુસાર, ગુજરાતમાં પેસેન્જર વાહનોની સંખ્યામાં અમદાવાદ જિલ્લો સમગ્ર રાજ્યમાં મોખરે છે. અમદાવાદમાં કુલ 61.93 લાખ વાહનો નોંધાયા છે, જેમાં 46.01 લાખ ટુ-વ્હીલર્સ અને 2.91 લાખ રિક્ષાનો(અથવા અન્ય કેટેગરી) સમાવેશ થાય છે. બીજી તરફ, જો ટ્રાન્સપોર્ટ અને કૃષિ ક્ષેત્રના વાહનોની વાત કરીએ તો, ગુજરાતમાં 12.10 લાખ ટ્રેક્ટર અને 4.15 લાખ ટ્રેલર્સ નોંધાયેલા છે.








