અમદાવાદ: 1 કિલો સોનાની લૂંટના મામલે મોટો ઘટસ્ફોટ, જ્વેલર્સના કર્મચારીએ જ લૂંટનું તરકટ રચ્યું
કાગડાપીઠ પોલીસ સ્ટેશન વિસ્તારમાં શનિવારે એક કિલો સોનાની લૂંટનો બનાવ બન્યો હતો. પોલીસ તપાસમાં આ કેસમાં ફર

કાગડાપીઠ પોલીસ સ્ટેશન વિસ્તારમાં શનિવારે એક કિલો સોનાની લૂંટનો બનાવ બન્યો હતો. પોલીસ તપાસમાં આ કેસમાં ફરિયાદી જ આરોપી નીકળ્યો છે. અગાઉથી જ જ્વેર્લસમાં કામ કરતા ધર્મ ઠકકરે બે મિત્રો સાથે બનાવટી લૂંટનો પ્લાન બનાવ્યો હતો.
ગીતામંદિર જમાલપુર રોડ પર આવેલા જ્વેલર્સની દુકાનમાં કામ કરતો યુવક માણેકચોકથી એક કિલો સોનું લઈને એક્ટિવા પર પસાર થતો હતો. આ સમયે રાયપુર દરવાજા નજીક બે અજાણી વ્યક્તિ સરનામું પૂછવાના બહાને રોકીને સોનું ભરેલો થેલો લૂંટીને ફરાર થઈ ગયા હતા. બીજી તરફ આ બનાવની જાણ થતા સ્થાનિક પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી.
પોલીસે ઉલટતપાસ કરતા ભાંડો ફૂટ્યો
ફરિયાદીના નિવેદન આધારે પોલીસે ઘટનાસ્થળની આસપાસના સીસીટીવી ચેક કરતા કોઈ નક્કર પુરાવા હાથ લાગ્યા નહોતા. પરિણામે પોલીસે ફરિયાદીની ઉલટ તપાસ કરતા લૂંટના કેસમાં મોટો ઘટસ્ફોટ થયો હતો. પોલીસે કડકાઇથી પૂછપરછ કરતાં આરોપી ભાંગી પડયો હતો પોતે જ લૂંટનું નાટક રચ્યું હોવાની કબૂલાત કરી હતી. અશરફ જ્વેર્લસમાં કામ કરતા 19 વર્ષીય ધર્મ ઠક્કરને પૈસાની જરૂર હોવાથી લૂંટનો ખોટો પ્લાન ઊભો કર્યો હતો.






