કોલકાતાની ઘટનાના વિરોધમાં ગુજરાત સહિત દેશભરમાં ડૉક્ટરોની હડતાળ, OPD બંધ- ઇમરજન્સી સેવા ચાલુ
કોલકાતાની એક સરકારી મેડિકલ કોલેજમાં ટ્રેઇની ડૉક્ટરની હત્યા અને

કોલકાતાની એક સરકારી મેડિકલ કોલેજમાં ટ્રેઇની ડૉક્ટરની હત્યા અને બળાત્કારના વિરોધમાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA)એ દેશભરમાં તમામ સરકારી અને પ્રાઇવેટ હૉસ્પિટલમાં 24 કલાકની હડતાળ બોલાવી છે. ગુજરાત આયુર્વેદ એસોસિએશને પણ હડતાળને સમર્થન આપ્યું છે. ગુજરાતમાં અમદાવા-રાજકોટ સહિતના શહેરોમાં તબીબો દ્વારા રેલીનું આયોજન પણ કરવામાં આવ્યું છે.
ગુજરાતના 25 હજારથી વધુ આયુર્વેદ ડૉક્ટરોએ આપ્યું સમર્થન
કોલકાતાની ઘટનાના વિરોધમાં ગુજરાત સહિત દેશભરના તબીબો હડતાળ પર છે. ગુજરાત આયુર્વેદ એસોસિએશને પણ હડતાળને સમર્થન આપ્યું છે. ગુજરાતના 25 હજારથી પણ વધુ આયુર્વેદ ડૉક્ટરોએ બંધનું એલાન કર્યું છે. આ ઘટનામાં પીડિતાને ન્યાય મળે અને દોષિતોને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરવામાં આવી છે.
IMAના પ્રમુખ ડૉ. કાન્ત જોગાણીએ કહ્યું કે 1500 જેટલા તબીબો એકત્ર થઇને રેલી યોજીશું. દર્દીઓને હાલાકી ન થાય તે માટે ઇમરજન્સી સેવાઓ શરૂ રાખવામાં આવી છે. ઘટનાનું પુનરાવર્તન ન થાય તેમજ સુરક્ષા મળે તે માટે આ વિરોધ શાંતિપૂર્ણ રીતે રાખવામાં આવ્યું છે.
અમદાવાદમાં પણ રેલીનું આયોજન
અમદાવાદ મહાનગરપાલિકા સંચાલિત એલજી હૉસ્પિટલમાં પણ ડૉક્ટરો કામથી અળગા રહ્યાં છે. ડૉક્ટરો હોસ્પિટલના કેમ્પસમાં ભેગા થયા હતા અને કાંકરિયા સુધી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં ઘેરા પડઘા
રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં કોલકાતાની ઘટનાના ઘેરા પડઘા પડ્યા છે. સરકારી હૉસ્પિટલમાં ડૉક્ટરોની હડતાળનો બીજો દિવસ છે. ખાનગી હોસ્પિટલના તબીબો પણ OPD બંધ રાખીને વિરોધમાં જોડાશે. તબીબોની સુરક્ષાને લઇને કાયદો ઘડવાની માંગ સાથે જિલ્લા કલેક્ટરને આવેદન આપવામાં આવશે. પી.ડી.યુ મેડિકલ કોલેજથી જિલ્લા કલેક્ટર કચેરી સુધી રેલી યોજીને આવેદન પાઠવવામાં આવશે.
પાટણ જિલ્લામાં 24 કલાક OPD બંધ રાખવાનો નિર્ણય
પાટણ જિલ્લામાં પણ ખાનગી હોસ્પિટલો હડતાળમાં જોડાઇ છે. પાટણ, સિદ્ધપુર, રાધનપુર, હારીજ, ચાણસ્મા, સાંતલપુર સહિતની હોસ્પિટલમાં હડતાળ પાડવામાં આવી છે. પાટણ જિલ્લામાં ખાનગી તમામ હોસ્પિટલમાં માત્ર ઇમરજન્સી સારવાર ચાલુ રાખવામાં આવી છે. ઘટનાના વિરોધમાં 24 કલાક ઓપીડી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.








