સુરતથી દિવાળીના તહેવારમાં વતન જવા અંધાધૂંધી, રેલવે સ્ટેશને લોકોની સતત બીજા દિવસે પડાપડી
સુરતમાં મોટી સંખ્યામાં લોકો સમગ્ર દેશમાંથી રોજગારી મેળવવા આવતા હોય છે. ત્યારે

સુરતમાં મોટી સંખ્યામાં લોકો સમગ્ર દેશમાંથી રોજગારી મેળવવા આવતા હોય છે. ત્યારે દિવાળીની ઉજવણી કરવા આ તમામ કામદારો વતન જવા નીકળ્યા છે. દેશભરમાં અત્યારથી જ દિવાળીને લઈને જોરદાર તૈયારીઓ જોવા મળી રહી છે. ત્યારે સુરતમાં પણ હવે દિવાળીનો માહોલ જોવા મળ્યો છે. મોટી સંખ્યામાં લોકો વતન જવા નીકળ્યાં છે. જેને કારણે રેલવે સ્ટેશન પર લોકોનું કીડિયારું ઉભરાયું હોય તેવી સ્થિતિ જોવા મળી હતી. આજે બીજા દિવસે પણ ઉધના રેલવે સ્ટેશન પર લોકોની ભીડ ઉમટી હતી.
મુસાફરોનો ધસારો યથાવત
ઉધના રેલવે સ્ટેશન પર મોટી સંખ્યામાં મુસાફરોનો ઘસારો જોવા મળ્યો હતો. યુપી અને બિહાર જવા માટે મુસાફરોનો જમાવડો રેલવે સ્ટેશન પર જોવા મળ્યો હતો. પાંચ કલાકથી પણ વધુ સમયથી મુસાફરો લાઈનમાં ઉભા પોતાની ટ્રેનની રાહ જોઈ રહ્યાં હતાં. આ સાથે જ મુસાફરો વચ્ચે પડાપડીની સ્થિતિ પણ જોવા મળી હતી. દિવસ દરમિયાન લોકોની સંખ્યાને જોતા રેલવે વિભાગ દ્વારા એક્સ્ટ્રા ટ્રેન ઉપાડવામાં આવી હતી. જેથી મોટી સંખ્યામાં લોકોને ગતરોજ વતન જવાનો લાભ મળ્યો હતો.
રેલવે અને પોલીસ તંત્ર થયું સજ્જ
મુસાફરોના ભારે ઘસારાના કારણે કોઈ જાનહાનિ ન સર્જાય તેવી સ્થિતિને ધ્યાને રાખી રેલવે પોલીસ અને સ્થાનિક પોલીસ સાથે આરપીએફના જવાનોને પણ તૈનાત કરામાં આવ્યાં છે. હજારોની સંખ્યામાં ઉધના રેલવે સ્ટેશન ખાતે મુસાફરી ભીડ વચ્ચે કોઈ આકસ્મિક બનાવ ન બને તેમજ હેમખેમ લોકો વતને જઈને તહેવારની ઉજવણી કરી શકે તેવી પણ વ્યવસ્થા કરવામાં આવી છે.








