ખ્યાતિકાંડ મામલે જિલ્લા આરોગ્ય અધિકારીનો ધડાકો, કહ્યું - હોસ્પિટલે કેમ્પના નામે બોરીસણામાં….
અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ સરકારી યોજાનનો લાભ લઈને મોતનો વેપાર ચલાવે છે. 10 નવેમ્બ

અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ સરકારી યોજાનનો લાભ લઈને મોતનો વેપાર ચલાવે છે. 10 નવેમ્બર 2024ના રોજ ફ્રી કેમ્પ રાખવામાં આવ્યો હતો. મફત સારવાર બાદ વધુ સારવાર અર્થે લાભાર્થીઓને અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં બોલાવવામાં આવ્યા હતા. જે બાદ બોરીસણા ગામમાંથી 19 લાભાર્થીઓને અમદાવાદ ખ્યાતિ હોસ્પિટલમાં સારવાર કરાવવા આવ્યા હતા. જ્યાં કોઈપણ પ્રકારની જાણ વિના 19 લોકોની એન્જિયોગ્રાફી કરી તેમને સ્ટેન્ટ મૂકી દેવામાં આવ્યા હતા. હોસ્પિટલની બેદરકારીથી 2 લોકોના મોતનો ગ્રામજનો ગંભીર આક્ષેપ કરી રહ્યા છે. આ સિવાય અન્ય પાંચ દર્દીઓ ગંભીર હાલતમાં છે.
સરકારી યોજનાના નામે મોતનો વેપલો
આ સાથે બોરીસણાના ગ્રામજનોએ જણાવ્યું હતું કે સરકારી યોજનાના નામે મોતનો વેપલો ચાલતો હોય તેમ મૃતકના આયુષ્માન કાર્ડમાંથી પૈસા કપાઈ ગયેલા હોવાનું સામે આવ્યું હતુ. દર્દીઓના સગાઓએ અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં તોડફોડ કરી છે. જોકે ખ્યાતિ હોસ્પિટલ પર કૌભાંડનો આ પહેલો આક્ષેપ નથી, આ પહેલા પણ વર્ષ 2022માં આવી જ રીતે હોસ્પિટલ દ્વારા કૌભાંડ આચરવામાં આવ્યું હતું. જેમાં સાણંદના તેલાવ ગામમાં આરોગ્ય કેમ્પ યોજી લોકોને હોસ્પિટલ લાવ્યા હતા. જેમાં પણ ત્રણ દર્દીનું મોત થયું હતું. જોકે ફરી એક વખત ખ્યાતિ હોસ્પિટલ દ્વારા કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. 2022માં દર્દીના પરિવારજનોએ આવો જ આરોપ મૂકી વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો હતો. જોકે, તે વિશે કંઈ નક્કર માહિતી સામે આવી દર્દીઓને ન્યાય મળે તે પહેલાં જ ખ્યાતિ હોસ્પિટલ દ્વારા ફરી કેમ્પ યોજી આ પ્રકારનું કૌભાંડ આચરવામાં આવ્યું છે. હાલ આરોગ્ય વિભાગે તપાસના આદેશ આપ્યાં છે અને દર્દીઓને ન્યાય અપાવવાનું આશ્વાસન પણ આપ્યું છે. જોકે, સત્ય હકીકત શું છે અને દર્દીના મોતનું કારણ તો તપાસ બાદ જ સામે આવશે.
કેમ્પની કોઈ મંજૂરી લીધી નથી, પૈસા કમાવવાની લ્હાયમાં ઓપરેશન કરી દેવાયા : જિલ્લા આરોગ્ય અધિકારી મહેસાણા
ખ્યાતિ હોસ્પિટલ દ્વારા આચરવામાં આવેલી બેદરકારીને લઈને મહેસાણા જિલ્લા આરોગ્ય અધિકારી મહેશ કાપડિયાએ નિવેદન આપ્યું છે કે, ‘ખ્યાતિ હોસ્પિટલને આવા કોઈ કેમ્પની મંજૂરી માંગી નહતી કે તંત્ર દ્વારા આવી કોઈ મંજૂરી આપવામાં આવી નહતી. બોરીસણા ગામમાં આ કેમ્પ યોજ્યો એની જિલ્લા-તાલુકા તંત્ર તો શું પણ ગામના આજુબાજુના લોકોને પણ ખબર નહતી. ફક્તને ફક્ત બોરીસણા ગામના આયુષ્માન કાર્ડ ધરાવતા લાભાર્થીઓને જ ટાર્ગેટ કરવામાં આવ્યા છે.”
કોઈ જવાબદાર ડૉક્ટર હાજર નથી
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગના વડા ડૉ. ભાવિન સોલંકી ખ્યાતિ હોસ્પિટલ પહોંચ્યા છે. જ્યાં ગઈકાલ સાંજથી જ કોઈ જવાબદાર ડૉક્ટર હાજર નથી. હોસ્પિટલના ડિરેક્ટર અને ચેરમેન સહિતના લોકો પણ ગેરહાજર છે. માત્ર એક જ ડૉક્ટર ICU માં હાજર છે.
દર્દીઓના સગાઓએ હોસ્પિટલમાં તોડફોડ કરી
આ સાથે ગ્રામજનોએ જાણાવ્યું હતું કે સરકારી યોજનાના નામે મોતનો વેપલો ચાલતો હોય તેમ મૃતકના આયુષ્માન કાર્ડમાંથી પૈસા કપાઈ ગયેલા હોવાનું સામે આવ્યું હતુ. દર્દીઓના સગાઓએ હોસ્પિટલમાં તોડફોડ કરી છે. ઘટના બાદ હોસ્પિટલ માંથી ડોક્ટરો ગાયબ થયા છે.
રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે તપાસના આદેશ આપ્યા
સમગ્ર ઘટના મામલે રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે તપાસના આદેશ આપ્યા છે. આરોગ્ય મંત્રીએ આ મામલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર માહિતી આપી હતી. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ ટ્વીટ કરી જણાવ્યું કે ખ્યાતિ હોસ્પિટલ વિરુદ્ધ ખુબ જ ગંભીર પ્રકારના આક્ષેપ છે. અમે સ્ટેટ એન્ટી ફ્રોડ યુનિટમાં આ મુદ્દે તાત્કાલીક તપાસ કરવાના આદેશ આપ્યા છે. જો કોઈ બેદરકારી અથવા મેડિકલ ભૂલ પુરવાર થશે, તો હોસ્પિટલ અને ડોક્ટર વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે.
બિનજરૂરી ઓપરેશન કરવામાં આવ્યા હશે એનો વાંધો નથી પણ મૃત્યુ થઇ જાય એ વધારે પડતું - નીતિન પટેલ, પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને ભાજપ નેતા
બે દર્દીઓના મોત બાદ પણ હોસ્પિટલ દ્વારા કોઈ જવાબદેહી ન મળતાં આરોગ્ય વિભાગના અધિકારીઓ તેમજ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ખ્યાતિ હોસ્પિટલ ખાતે પહોંચ્યા છે. નીતિન પટેલ દ્વારા સમગ્ર બાબતે માહિતી મેળવી હતી. તેમને કહ્યું હતું કે, ‘કડી તાલુકાના બોરીસણા ગામમાં બે દિવસ પહેલા ખ્યાતિ હોસ્પિટલ દ્વારા સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ડૉક્ટરોએ દર્દીઓને તપાસ કરી હતી અને દર્દીઓને મા યોજનાનું કાર્ડ, આધાર કાર્ડ તૈયાર રાખવાનું કહ્યું હતું. ડૉક્ટરોએ કહ્યું હતું કે અમારી હોસ્પિટલમાંથી બસ મોકલવામાં આવશે અને તે બસમાં 19-20 દર્દીઓને લાવવામાં આવ્યા હતા.’ નીતિન પટેલે સવાલ ઉઠાવતા કહ્યું કે, ‘યુએન મહેતા જેવી હોસ્પિટલને પણ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY)ની મંજૂરી લેવી પડે અને આમને તો તરત જ મંજૂરી મળી ગઇ હતી. તમને યાદ હશે PMJAY માટે કેટલા ફોન કરવા પડે છે. મોટું ઓપરેશન હોય તો મંજૂરી મળવામાં સમય લાગતો હોય છે. ગામના સરપંચ, પૂર્વ સરપંચ સાથે વાત કરી વિગતો મેળવી છે. પ્રથમ દ્રષ્ટિએ જોતા એમ લાગે છે કે બિનજરૂરી ઓપરેશન કરવામાં આવ્યા હશે. નિષ્ણાત ડોકટરોનો અભિપ્રાય જરૂરી છે. ઓપરેશન કરવામાં આવ્યા એનો વાંધો નથી પણ અહીંયા મૃત્યુ થઇ જાય એ વધારે પડતું છે.’
સરકારે હોસ્પિટલ બંધ કરાવી હોત નિર્દોષ લોકોના જીવ બચી જાત - શક્તિસિંહ ગોહિલ, ગુજરાત કોંગ્રેસ પ્રમુખ
અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલના કૌભાંડ મામલે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અને રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે પ્રતિક્રિયા આપી હતી કે, ‘કડીના ૭ દર્દીની એન્જિયોપ્લાસ્ટી કરતા બેના મૃત્યુ, ૫ દર્દી ICUમાં હોવાના દુઃખદ સમાચાર છે. કડીના બોરીસણા ગામમાં હેલ્થ કેમ્પ બાદ દર્દીઓને અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં લાવી પરિવાજનોની જાણ બહાર જ ૧૯ લોકોની એન્જિયોગ્રાફી કરી હતી. જેમાંથી ૭ની એન્જિયોપ્લાસ્ટી કરી નાંખી અને તેમાંના બે દર્દીના મોત થઈ ગયા છે અને ૫ દર્દી હાલ ICUમાં દાખલ છે. ખ્યાતિ હોસ્પિટલ સરકારી યોજનાના નામે કૌભાંડ કરવા કુખ્યાત છે. ૨૦૨૨માં પણ ૩ દર્દીને સ્ટેન્ટ મુકતા એકનું મોત થયું હતું. જો એ સમયે સરકાર દ્વારા કડક કાર્યવાહી કરી હોત અને આ હોસ્પિટલ બંધ કરાવી દીધી હોત તો આજે કડીના નિર્દોષ લોકોના જીવ બચી ગયા હોત. પરિવારજનો સાથે અમારી સંવેદના.’
આરોગ્ય સેવાનું ખાનગીકારણ કરવાનું સુનિયોજિત કાવતરું - મનીષ દોશી, કોંગ્રેસ પ્રવક્તા
અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલની ઘટના અંગે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ નિવેદન આપ્યું હતું કે, ‘આરોગ્ય કેમ્પમાં બોલાવી ચકાસણીના નામે ગ્રાહક બનાવવામાં આવી રહ્યા છે. ગુજરાતમાં આરોગ્ય સેવાનું ખાનગીકારણ કરવાનું સુનિયોજિત કાવતરું ચાલી રહ્યું છે. અમરેલી-વિરમગામ અંધાપાકાંડના આરોપીઓને બચાવી લેવાયા હતા. તબીબી ક્ષેત્રમાં બનતી આવી ઘટનાઓમાં કડક કાર્યવાહી થતી નથી. સરકારી અને જિલ્લા હોસ્પિટલનું માળખું તોડી ખાનગીમાં હવાલે કરાયું છે. આરોગ્ય વિભાગની જવાબદારી અને જવાબદેહી નક્કી થવી જોઈએ. સરકારના આરોગ્ય વિભાગને ટેન્ડર, દવા-સાધન ખરીદવામાં જ રસ છે. આરોગ્ય વિભાગને તબીબી સેવા સુધરે એમાં રસ જ નથી. કેગના અહેવાલમાં રાજ્યની 302 હોસ્પિટલમાં 13860 દર્દીઓ એક સમયે એક કરતા વધારે જગ્યાએ સારવાર બોલતી હતી. આ બાબતો સામે આવી હોવા છતાં આરોગ્ય માળખું સુધારવા આરોગ્ય વિભાગે કામગીરી કરી નહતી. કૌભાંડના તાર ગાંધીનગર અને આરોગ્ય વિભાગ સાથે સંકલાયેલા છે. તકવાદી તબીબો સામે ફોજદારી ફરિયાદ થવી જોઈએ. અગાઉની ઘટનામાં સરકારે તબીબોને બચાવવાનું કામ કર્યું હતું.”
કામગીરી પરવાનગી વગર કરવામાં આવી એ બહુ મોટો ક્રાઈમ : ડોક્ટર રમેશ પટેલ, આમ આદમી પાર્ટી
અમદાવાદ ખ્યાતિ હોસ્પિટલ મલ્ટી સ્પેશ્યિલિટી હોસ્પિટલમાં થયેલી ઘટના આમ આદમી પાર્ટીના ડોક્ટર સેલના રમેશ પટેલે પ્રતિક્રિયા આપી છે. અમદાવાદ ખ્યાતિ હોસ્પિટલમાં બે દર્દીઓના મૃત્યુ બહુ મોટી બેદરકારી છે. ફર્જી હોસ્પિટલો પીએમજેમાં ગોટાળો કરે છે એમને તાત્કાલિક બંધ કરવામાં આવે. પીએમજે યોજના અંતર્ગત કોઈપણ જાતનો કેમ્પ કરવાની પરવાનગી હોતી નથી તેમ છતાં કેમ્પ કરવામાં આવ્યો છે. દર્દીઓમાં એન્જોગ્રાફી અને સ્ટેન્ટ મૂકવાની કામગીરી પરવાનગી વગર કરવામાં આવી એ બહુ મોટો ક્રાઈમ છે. કસુરવારો સામે તાત્કાલિક પગલાં ભરવામાં આવે એવી આમ આદમી પાર્ટીની માગ છે.”








