સુરતની સિવિલ હોસ્પિટલમાં દર્દીઓના જીવન સાથે રમત? જર્જરિત બિલ્ડીંગમાં સ્લેબને પડતો બચાવવા ટેકા મૂકાયા
દક્ષિણ ગુજરાતના બીમાર દર્દીઓ માટે સુરતની સિવિલ હોસ્પિટલ નવા જીવનદાત્તા સમાન છે.

દક્ષિણ ગુજરાતના બીમાર દર્દીઓ માટે સુરતની સિવિલ હોસ્પિટલ નવા જીવનદાત્તા સમાન છે. જો કે, આ સિવિલ હોસ્પિટલના જૂના બિલ્ડીંગ જર્જરિત થયા હોવા છતાં દર્દીઓના જીવન સાથે રમત રમાતી હોય તેવો ઘાટ સર્જાયો છે. બિલ્ડીંગ જર્જરિત હોવાથી ગમે ત્યારે સ્લેબ વરસાદમાં ધરાશાયી ન થાય તે માટે દેશી કામ ચલાઉ જુગાડ સ્વરૂપે લોખંડના ટેકા મારવામાં આવ્યાં છે. જેથી જીવના જોખમે લોબીમાંથી દર્દીઓ અને તેમના સંબંધીઓ સહિત મેડિકલ સ્ટાફને પસાર થવાની ફરજ પડી રહી છે.
વરસાદી પાણી ટપકવાનું યથાવત
નવી સિવિલ હોસ્પિટલના જૂના બિલ્ડીંગમાં સ્લેબ પડ્યા બાદ કામ ચલાઉ વ્યવસ્થા કરાઈ છે. સિવિલ હોસ્પિટલની જૂની બિલ્ડીંગની લોબીમાં લોખંડના ટેકા મૂકી દેશી જુગાડ કરવામાં આવ્યો છે. સિવિલ હોસ્પિટલમાં અનેક વિભાગમાં પાણી ટપકી રહ્યું છે. જો હવે કોઈના માથે સ્લેબ પડશે તો તેનો જવાબદાર કોણ તેવા સવાલો ઉભા થયા છે.
જુગાડ જુગાર ન સાબિત થાય તે અપેક્ષિત
દેશી જુગાડથી ચાલતી હોસ્પિટલનો આ જુગાડ જુગાર સમાન ન થાય તો સારું એવું દર્દીઓ સહિતના અનુભવી રહ્યાં છે. સિવિલ હોસ્પિટલ ખસેડવાની વાતોનું નાટ છેલ્લા બે વર્ષથી ચાલી રહ્યું છે. વરસાદી પાણી ઘૂસી જતા દર્દીઓની લિફ્ટ પણ બંધ થઈ ગઈ છે. નીચે ફ્લોરિંગમાં સતત પાણી રહેતું હોવાથી કોઈ લપસી શકે તેવી નોબત આવી છે. આ સમયે કોઈ મોટી દુર્ઘટના થાય તો જવાબદાર કોણ ? તેવા સવાલોના જવાબો આપવા પણ કોઈ રાજી નથી.








